• Home
  • News
  • આજથી સંસદનું સત્ર, 47 વિધેયક આવશે, કોંગ્રેસ 4નો વિરોધ કરશે, બે દાયકામાં પહેલીવાર સર્વપક્ષીય બેઠક નહીં
post

જે સાંસદોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હશે તેમને જ ગૃહમાં પ્રવેશ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 09:09:26

કોરોના મહામારી વચ્ચે સંસદનું 18 દિવસનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થશે, જેમાં ઘણું બધું બદલાયેલું જોવા મળશે. આ વખતે સંસદના બન્ને ગૃહની કાર્યવાહી જુદા-જુદા સમયે થશે. જે સાંસદોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હશે તેમને જ ગૃહમાં પ્રવેશ મળશે. સાંસદો અને કર્મચારીઓ મળીને સંસદ સાથે સંકળાયેલા 4 હજાર લોકોનો ટેસ્ટ કરાઇ રહ્યો છે. પ્રશ્નકાળ નહીં હોય અને સભ્યોના વ્યક્તિગત ખરડા પણ રજૂ નહીં થાય. જોકે, શૂન્યકાળ હશે. સત્ર પૂર્વે સર્વપક્ષીય બેઠક પણ ન યોજાઇ. બે દાયકામાં પહેલી વાર એવું થયું કે સર્વપક્ષીય બેઠક નથી યોજાઇ.

સંસદીય કાર્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સત્રમાં 47 ખરડા રજૂ કરાશે, જેમાંથી 11 ખરડા એવા હશે કે જે વટહુકમનું સ્થાન લેશે. ચોમાસુ સત્ર અંગે કોંગ્રેસે કહ્યું કે તે કૃષિ તથા બેન્કિંગ એક્ટમાં ફેરફાર સંબંધી ખરડાનો ભારે વિરોધ કરશે તથા અર્થતંત્ર, કોરોના અને સરહદે ચીનની ઘૂસણખોરીના મુદ્દા જોર-શોરથી ઊઠાવશે.

જાહેર જનતાના હિતની જોગવાઇ ખતમ નહીં થવા દઇએ: કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે કૃષિ સંબંધી ખરડામાં ખેડૂતને બજાર તથા લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) આપવા જેવી સુવિધા માટેની વ્યવસ્થા નાબૂદ કરવાની જોગવાઇ છે. તે જ રીતે બેન્કિંગ એક્ટમાં ફેરફાર કરીને ખેડૂતોના લોનમાં છૂટ સંબંધી અધિકારો દૂર કરીને તેમના હિતને નુકસાન પહોંચાડતી જોગવાઇ છે. તેથી કોંગ્રેસ કૃષિ સંબંધી 3 ખરડા તેમ જ બેન્કિંગ ક્ષેત્રે ફેરફાર માટેના વટહુકમનો સખત વિરોધ કરશે. સંસદમાં આ ખરડાના વિરોધ માટે વિપક્ષને એક કરાઇ રહ્યો છે. રાજ્યસભામાં સરકાર બહુમતીમાં ન હોવાથી આ ખરડા પસાર થવા નહીં દઇએ.

રોજ 6 વખત એસી બદલાશે, સાંસદોને DRDOની કિટ મળશે
એસી દ્વારા સંક્રમણ ફેલાતું રોકવા રોજ 6 વખત એસી બદલાશે. સાંસદોને કોરોનાથી બચવા માટે ડીઆરડીઓની કિટ અપાશે. દરેક કિટમાં 40 ડિસ્પોઝેબલ માસ્ક, એન95 માસ્ક, સેનિટાઇઝરની 20 બોટલ, ગ્લવ્સની 40 પેર, દરવાજા બંધ કરવા માટે ટચ-ફ્રી હુક્સ હશે.

એડવાઇઝરી કમિટીની બેઠક મળી
સત્રના એક દિવસ અગાઉ રવિવારે લોકસભા બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક અધ્યક્ષ ઓમ બિરલાના અધ્યક્ષપદે મળી. તેમણે જણાવ્યું કે તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા થઇ, જેમણે સહકારની ખાતરી આપી છે. સંસદીય કાર્ય મંત્રી જોશીએ કહ્યું કે સરકાર તમામ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. મંગળવારે ફરી કમિટીની બેઠક મળશે.

પ્રથમ દિવસે રાજ્યસભાના ઉપાધ્યક્ષપદ માટે વોટિંગ થશે
સત્રના પ્રથમ દિવસે રાજ્યસભાના ઉપાધ્યક્ષપદની ચૂંટણી થશે. વિપક્ષ તરફથી રાજદના નેતા મનોજ ઝા અને એનડીએ તરફથી જદયુના નેતા હરિવંશ વચ્ચે ખરાખરીનો મુકાબલો થવાની શક્યતા છે. ભાજપે પહેલેથી વ્હિપ જારી કરી દીધો છે.

તૃણમૂલના 7 અને ભાજપના 2 સાંસદ ચોમાસુ સત્રમાં ભાગ નહીં લે
સત્ર પૂર્વે તમામ સાંસદોનો કોરોના ટેસ્ટ કરાયો, જેમાં 5 સાંસદનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના 7 સાંસદ સત્રમાં ભાગ નહીં લે, જેમાં રાજ્યસભામાં ચીફ વ્હિપ સુખેન્દુ શેખર રાય પણ સામેલ છે. ભાજપના 2 સાંસદ પણ સત્રમાં ભાગ નહીં લે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રૂટિન હેલ્થ ચેકઅપ માટે વિદેશ ગયા હોવાથી થોડા દિવસ સુધી સત્રમાં હાજર નહીં રહી શકે.

સવારે રાજ્યસભા, બપોર પછી લોકસભાની કાર્યવાહી ચાલશે
લોકસભાની કાર્યવાહી પહેલા દિવસે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી અને તે પછીના દિવસોમાં બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. તે જ રીતે રાજ્યસભાની કાર્યવાહી પ્રથમ દિવસે બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી અને તે પછીના દિવસોમાં સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. બપોરે 1થી 3 વાગ્યા દરમિયાન સંસદ સેનિટાઇઝ કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post