• Home
  • News
  • કોંગ્રેસમાં ભડકો:ઈમરાન ખેડાવાલાની ટિકિટ કાપી શાહનવાઝને આપવા કોંગ્રેસ કાર્યાલયે તોડફોડ, ભરતસિંહની તસવીરો સળગાવાઈ
post

શાહનવાઝને ટિકિટ નહીં મળે તો કોંગ્રેસ વિરોધ જ પ્રચાર કરીને ઇમરાન ખેડાવાલાને હરાવવા પ્રયત્ન પણ કરશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-14 17:59:42

અમદાવાદ: જમાલપુર બેઠક પર ટિકિટ આપવાને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓએ રાજીવ ગાંધી ભવને માથે લીધું હતું. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવવામાં આવેલા પ્રદેશ પ્રમુખના અત્યારસુધીનાં બેનરમાંથી કેટલાંકને તોડી દેવાયાં હતાં અને કેટલાંક પર કાળી શાહી લગાવી હતી.

કોંગ્રેસના મુખ્યાલયે શું થયું?
NSUI
અને યૂથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સોશિયલ મીડિયામાં રાજીનામાં આપ્યા હતા. તેના ગણતરીના કલાક બાદ પાલડી સ્થિત કોંગ્રેસના હેડક્વાર્ટર રાજીવ ગાંધી ભવન પર આ બંને જૂથનું એક ટોળું ધસી ગયું હતું. સીડીઓની દીવાલ પર ભરતસિંહ સોલંકી વિરુદ્ધ લખાણો લખ્યાં હતાં. ત્યાર બાદ અંદર જઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિવિધ બેનર સાથે પહોંચેલા કાર્યકરોએ પહેલા દેખાવો કર્યા હતા. બાદમાં ઉગ્ર વિરોધ કરીને કોંગ્રેસ કાર્યાલયની અંદર જ વિરોધ દર્શાવતાં લખાણો લખ્યાં હતાં અને વિવિધ નેમપ્લેટ તોડી હતી. બાદમાં ભરતસિંહ સોલંકીની તસવીરોને સામૂહિક રીતે સળગાવી હતી.

સીટિંગ ધારાસભ્યની ટિકિટ કાપવા માગ કરતા હતા
કોંગ્રેસ દ્વારા જમાલપુર બેઠક પરથી અત્યારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવી છે. ઇમરાન ખેડાવાલાને ટિકિટ ના આપવામાં આવે એ માટે NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓ જ વિરોધ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ ઓફિસ પર પણ 2 દિવસ અગાઉ નારેબાજી કરવામાં આવી હતી. અનેક પ્રયત્ન કર્યા છતાં પણ શાહનવાઝને ટિકિટ ના આપીને ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતાં રોષે ભરાયેલા યુવા નેતાઓએ રાજીનામાં આપ્યા છે. હજુ આજે પણ અનેક યુવા નેતા રાજીનામાં આપશે.

ખેડાવાલાને હરાવવા પ્રયત્ન કરશે એવી ચીમકી
યુવા નેતાઓની માગણી છે કે મનહર પટેલ નારાજ થતાં બોટાદ બેઠક પર જાહેર કરેલા ઉમેદવારને બદલીને મનહર પટેલને મેન્ડેટ આપીને ભૂલ સુધારી છે, તે જ ઇમરાન ખેડાવાલાને બદલીને શાહનવાઝને મેન્ડેટ આપીને ભૂલ સુધારવામાં આવે. શાહનવાઝને ટિકિટ નહીં મળે તો કોંગ્રેસ વિરોધ જ પ્રચાર કરીને ઇમરાન ખેડાવાલાને હરાવવા પ્રયત્ન પણ કરશે.

NSUI અને યૂથ કોંગ્રેસના આગેવાનો શાહનવાઝ શેખને ટિકિટ મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. 2 દિવસ અગાઉ ખાનગી હોલમાં ભેગા થઈ NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓએ શક્તિપ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ જમાલપુર બેઠક પરથી શાહનવાઝ શેખને ટિકિટ ના મળતાં NSUI અને યૂથ કોંગ્રેસના 10થી વધુ નેતાઓએ ગત મોડી રાતે રાજીનામાં આપી દીધા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post