• Home
  • News
  • થાણેમાં 100 ફૂટની ઊંચાઈએથી ગર્ડર મશીન પડ્યું:17 મજૂરોનાં મોત, સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે પર રાત્રે કામ ચાલી રહ્યું હતું, હજુ ઘણા દટાયા હોવાની શક્યતા
post

હાલમાં નાગપુરથી ઇગતપુરી સુધી સમૃદ્ધિ હાઇવે બનવાનો ચાલી રહ્યો છે. સમૃદ્ધિ હાઇવેનો છેલ્લો અને ત્રીજો તબક્કો ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ 100 કિલોમીટરનો સ્ટેજ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-01 19:59:14

મહારાષ્ટ્રના થાણેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર સોમવારે મોડી રાત્રે એક અકસ્માત થયો હતો. શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પર પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન તૂટી પડતાં 17 મજૂરનાં મોત થયાં છે.

હાઇવે પર રાત્રિના સમયે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 1:30 વાગ્યે ગર્ડર મશીન 100 ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયું હતું. હજુ પણ કેટલાક મજૂરો એની નીચે દટાયા હોવાની આશંકા છે.

NDRFના આસિસ્ટન્ટ કમાન્ડર સારંગ કુર્વેએ જણાવ્યું હતું કે સવારે 5.30 વાગ્યાથી બચાવકાર્ય ચાલી રહ્યું છે. જોકે ગર્ડર મશીનનું વજન વધુ હોવાથી એને ઝડપથી હટાવી શકાયું ન હતું.

સવારે 8 વાગ્યે ક્રેન આવ્યા બાદ જ બચાવકાર્યમાં ઝડપ આવી હતી. અહેવાલો અનુસાર, શાહપુર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 15 મૃતદેહ લાવવામાં આવ્યા છે.

 

સીએમ શિંદેએ કહ્યું- અહીં સ્વિસ કંપની કામ કરતી હતી, ઘટનાની તપાસ થશે
આ ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે મૃતકના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ એક કમનસીબ ઘટના છે. સ્વિસ કંપની અહીં કામ કરતી હતી. ઘટનાની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

6 મહિનામાં 100 વધુ લોકોએ જીવ ગુમાવ્યા
ડિસેમ્બર 2022માં એના ઉદઘાટનથી સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર 846 અકસ્માત થયા છે. એમાંથી 105 અકસ્માત જીવલેણ હતા, જેમાં 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં. તમામ અકસ્માતોમાં 660 લોકો ઘાયલ થયા હતા.

આ અકસ્માતોમાંથી 87 ગંભીર કેટેગરીના હતા, જેમાં 232 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, 215 નાના અકસ્માતો હતા, જેમાં 428 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે 275 એવા હતા, જેમાં કોઈને ઈજા થઈ ન હતી.

સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસ હાઇવે છે

·         સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એનું નામ 'હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે' મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ છે.

·         આ હાઈવે મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે છે, જે નાગપુર, વાશિમ, વર્ધા, અહેમદનગર, બુલઢાણા, ઔરંગાબાદ, અમરાવતી, જાલના, નાસિક અને થાણે સહિત દસ જિલ્લામાંથી પસાર થાય છે.

·         હાઈવે બનાવવાનું કામ ત્રણ તબક્કામાં થઈ રહ્યું છે. બે તબક્કાનું કામ પૂર્ણ થયું છે. થાણે જિલ્લામાં ત્રીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. આ ઘટના થાણેના શાહપુર વિસ્તારના સરલામ્બેમાં બની હતી.

·         સમૃદ્ધિ મહામાર્ગનું નિર્માણકાર્ય મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડી અને નાગપુર વચ્ચે 520 કિલોમીટર લાંબા સમૃદ્ધિ હાઇવેના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું.

·         આ પછી પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદઘાટન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે કર્યું. નાગપુરથી ઇગતપુરી તાલુકાના ભરવીર ગામ સુધીનો કુલ 600 કિમીનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

·         હાલમાં નાગપુરથી ઇગતપુરી સુધી સમૃદ્ધિ હાઇવે બનવાનો ચાલી રહ્યો છે. સમૃદ્ધિ હાઇવેનો છેલ્લો અને ત્રીજો તબક્કો ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ 100 કિલોમીટરનો સ્ટેજ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post