• Home
  • News
  • કેબિનેટની બેઠકમાં સરકારનો નિર્ણય:બિન અધિકૃત બિલ્ડિંગો માટે ઈમ્પેક્ટ ફી લેવાશે, માર્જીન અને પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર થશે
post

હૂકમની પ્રક્રિયા ઈ-નગર પોર્ટલ પર ઓનલાઈન થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-18 19:25:20

ગુજરાતમાં 14 મી વિધાનસભાની મુદ્દત પુરી થવા આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપ સરકારની ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારે આજે રાજ્યના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારે ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટ ફી લઇને કાયદેસર કરવા માટેની જાહેરાત કરી છે. હવેથી બિન અધિકૃત બિલ્ડિંગો માટે ઈમ્પેક્ટ ફી લેવાશે. માર્જીન અને પાર્કિગ 50 ટકા ફી સાથે કાયદેસર થશે. બાંધકામ અધિકૃત કરાવવા એડિશ્નલ ચાર્જ ચૂકવવો પડશે.

સરકારના નવા સુધારાને રાજ્યપાલે બહાલી આપી
રાજ્યભરની અંદર જેટલી પણ બિલ્ડિંગ આવેલી છે કે જ્યાં પાર્કિંગ નથી. તે સહિતના કેટલાક મુદ્દાઓ છે કે જેમાં ઇમ્પેક્ટ ફી દ્વારા રેગ્યુલર કરવાની વાત હતી. આ મુદ્દે કેટલીયે વાત હાઇકોર્ટની અંદર પણ પિટિશન થઇ ચુકી છે. જે પછી ઇમ્પેક્ટ ફી વિધેયકની અંદર મહત્વનો સુધારો કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મુદ્દો રાજ્યપાલને પણ મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે પ્રમાણે સરકારના નવા સુધારાને રાજ્યપાલે બહાલી આપી દીધી છે એટલે કે મંજુરી આપી દીધી છે. ત્યારબાદ ઇમ્પેક્ટ ફી વિધેયકને લઇ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી.

હૂકમની પ્રક્રિયા ઈ-નગર પોર્ટલ પર ઓનલાઈન થશે
સરકારનો આ નિર્ણય તમામ મહાનગર પાલિકાઓ, શહેરી વિસ્તાર સત્તામંડળો અને નગરપાલિકાઓને લાગુ પડશે. રેરા કાયદા હેઠળ બે બાંધકામોને નોટીસ આપેલ હશે તેને લાગુ નહીં પડે. પહેલી ઓક્ટોબર પહેલાં થયેલા બિનઅધિકૃત બાંધકામોને જ નિયમિત કરી શકાશે. તે ઉપરાંત અરજી કરવાની, ફી ભરવાની, મંજુરી તથા ના મંજુરીના હૂકમની પ્રક્રિયા ઈ-નગર પોર્ટલ પર ઓનલાઈન થશે.

સરકારની જાહેરાતથી 38 લાખ LPG ધારકોને ફાયદો થશે
રાજ્ય સરકારે પીએમ ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને વર્ષનાં બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત CNG વાહનધારકોને પણ સરકારે ખુશ કર્યા છે. સરકારે CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. હવે CNGમાં વેટમાં ઘટાડો થવાથી ગ્રાહકોને 6થી 8 રૂપિયા જેટલો ફાયદો થશે, જ્યારે PNGમાં ગ્રાહકોને પાંચથી છ રૂપિયા જેટલો ફાયદો થશે. CNG અને PNGમાં રાહત આપવાથી સરકારને 300 કરોડનો બોજો પડશે. એ ઉપરાંત LPGમાં પણ રાહતથી સરકારને હવે કુલ 1650 કરોડનો બોજો પડશે. સરકારની જાહેરાતથી 38 લાખ LPG ધારકોને ફાયદો થશે.

38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો
રાજ્ય સરકારના મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે, સાથે જ વર્ષમાં બે સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.

PM મોદીએ દેશના 8 કરોડ ખેડૂતોને આપી દિવાળીની ભેટ
આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપતો જાહેર કર્યો છે. દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થયા છે. આ વખતે કેન્દ્ર સરકારે 12મા હપતા માટે 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. વાસ્તવમાં પીએમ મોદીએ દિલ્હીના પુસા કેમ્પસમાં આયોજિત પીએમ કિસાન સન્માન 2022 મેળાના ઉદઘાટન દરમિયાન 12મો હપતો રજૂ કર્યો હતો. વડાપ્રધાને રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે યુવાનો અને કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મંત્ર પણ આપ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post