• Home
  • News
  • સરકારે હાઈકોર્ટમાં કહ્યું, શાળાઓ ખૂલે નહીં ત્યાં સુધી ફી નહીં, ખાનગી સ્કૂલોએ કહ્યું કે, ફી નહીં તો ઑનલાઈન શિક્ષણ બંધ
post

ઑનલાઇન વર્ગો બંધનો સંચાલકોનો હાલ પૂરતો નિર્ણય, ટૂંકમાં વ્યૂહ ઘડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 10:05:19

અમદાવાદ: રાજ્યની ખાનગી શાળાઓ શરૂ થાય નહીં ત્યાં સુધી સ્કૂલ સંચાલકો ફી વસૂલી નહીં શકે એવા રાજ્ય સરકારના પરિપત્રના વિરોધમાં ખાનગી શાળા સંચાલકોએ આજથી ઑનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી છે. કોરોનાની મહામારીને શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ થશે એ નક્કી ન હોવાથી સ્કૂલોએ ફી વસુલવી જોઇએ નહીં તેવી દાદ માગતી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં થઇ હતી. આ અરજી સંદર્ભે હાઇકોર્ટે રાજય સરકાર પાસે ઓનલાઇન શિક્ષણ અને ફી બાબતે અભિપ્રાય માંગ્યો હતો. આ અભિપ્રાયમાં રાજય સરકારે પરિપત્ર રજૂ કરીને હાઇકોર્ટમાં એવું કહ્યું છે કે,જયાં સુધી સ્કૂલો પુન: શરૂ થાય નહીં ત્યાં સુધી ફી વસુલવી નહીં. હવે હાઇકોર્ટ નક્કી કરશે કે સ્કૂલો ફી લઇ શકશે કે નહીં.

રાજય સરકારે તા. 16 જુલાઇ,2020ના રોજ પરિપત્ર કર્યો છે અને તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, કોરોના જેવી મહામારીમાં સ્કૂલો જયારથી વાસ્તવિક રીતે બંધ થઇ ત્યારથી પુન:વાસ્તવિક રીતે શરૂ થાય તે સમયગાળા સુધી સ્કૂલો ટયુશન ફી વસૂલી શકશે નહીં. આ પરિપત્રમાં એવું પણ લખ્યું છે કે, સ્કૂલો શરૂ જ ન હોવાથી કોઇપણ પ્રકારની ઇતર કે વૈકલ્પિક પ્રવૃત્તિની ફી લઇ શકશે નહીં. જે સ્કૂલોએ ફી વસૂલી છે તે સ્કૂલોએ આગામી સત્રની ફીમાં મજરે આપવાની રહેશે. સરકારે પરિપત્રમાં સ્કૂલોને ઑનલાઇન શિક્ષણ યથાવત રાખવાની પણ તાકીદ કરી છે. આ તાકીદને કારણે સ્કૂલોએ ઓનલાઇન શિક્ષણ આપવાનું રહેશે,પણ ફી વસૂલી શકાશે નહીં.

શિક્ષકો, વાલીઓના સવાલના જવાબ
સવાલ: જે વાલીઓએ ફી ભરી દીધી છે તેમનું શું
જવાબ: સરકારના આદેશ મુજબ અગાઉ એડવાન્સમાં ભરેલા ફીના નાણાં સરભર કરી આપવામાં આવશે.
સવાલ: ઑનલાઈન શિક્ષણ કાર્ય ફરી ક્યારથી શરૂ થશે
જવાબ: ગુજરાત સંચાલક મંડળ નક્કી કરશે ત્યારથી ઑનલાઈન શિક્ષણ કાર્ય શરૂ થશે. 
સવાલ: આગામી 29-30મી જુલાઈએ સ્કૂલોમાં બોર્ડ દ્વારા એકમ કસોટી લેવાની જાહેરાત થઈ છે
જવાબ: ગાઈડ લાઈન પ્રમાણે એકમ કસોટી લેવાશે. 
સવાલ: ફી નહીં ભરી શકનારના બાળકોને કાઢી મુકાશે
જવાબ: બધાની સ્થિતિ કફોડી છે, માનવીય અભિગમ દાખવામાં આવશે. એલસી નહી અપાય.

હવે 5 ઓગસ્ટે સુનાવણી 
રાજ્ય સરકારે શિક્ષણ પુન:વાસ્તવિક થાય નહીં ત્યાં સુધી ફી નહીં લેવાનો નિર્ણય કરતો પરિપત્ર કરી દીધો પણ તેનો અર્થ એવો નથી કે શાળાઓમાં હવે ફી ભરવાની નથી. આ માત્ર સરકારનો હાઇકોર્ટમાં અભિપ્રાય છે, ફી વસુલવી કે ન વસુલવી તે બાબત હજુ કોર્ટને આધિન છે,પણ સરકારે નિર્ણય કરીને કોર્ટમાં એવો અભિપ્રાય આપ્યો છે કે, ફી લેવી જોઇએ નહીં. હવે હાઇકોર્ટ નક્કી કરશે કે સ્કૂલો ફી લઇ શકશે કે નહીં ? હાઇકોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી થશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post