• Home
  • News
  • ઘઉંના કુલ ઉત્પાદનના 40% એટલે 420 લાખ ટન સરકાર ખરીદશે
post

ચાલુ માર્કેટિંગ વર્ષમાં 24 મે સુધીમાં ઘઉંની ખરીદી 341.5 લાખ ટનને પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 08:52:56

અમદાવાદ: દેશમાં ચાલુ વર્ષે ઘઉંના રેકોર્ડ બ્રેક 12 કરોડ ટન પાકનો અંદાજ મુકાયો છે જેની સામે સરકાર દ્વારા થતી ટેકાના ભાવથી ખરીદીનો લક્ષ્યાંક પણ અગાઉના 407 લાખ ટનથી વધારીને 420 લાખ ટન કરવામાં આવ્યો છે. સરેરાશ કુલ ઉત્પાદનના 40 ટકા એટલે કે 420 લાખ ટનની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે. 2020-21 ના ​​માર્કેટિંગ વર્ષમાં અત્યાર સુધીની સરકારી ઘઉંની ખરીદી ગયા વર્ષના 341.3 લાખ ટનને વટાવી ગઈ છે. કોરોના વાયરસ મહામારીના કારણે ખેડૂતોને ખુલ્લા બજારમાં ઘઉંના વેચાણ માટે મુશ્કેલીઓ પડી છે. હજુ ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં ઘઉંનો જથ્થો બાકી રહ્યાંનું અનુમાન છે.


ચાલુ માર્કેટિંગ વર્ષમાં 24 મે સુધીમાં ઘઉંની ખરીદી 341.5 લાખ ટનને પહોંચી
2020-21 ના ​​માર્કેટિંગ વર્ષ માટે ઘઉં ખરીદીનું લક્ષ્ય 407 લાખ ટન નક્કી કરાયું છે. જોકે ઘઉંનું માર્કેટિંગ વર્ષ એપ્રિલથી માર્ચ સુધી ચાલે છે. મોટાભાગની ખરીદી સામાન્ય રીતે પ્રથમ ત્રણ મહિનામાં કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સંચાલિત ફૂડ કોર્પોરેશન (FCI) અને રાજ્ય એજન્સીઓએ ઓછામાં ઓછા ટેકાના ભાવે ઘઉંની ખરીદી હાથ ધરી છે. ચાલુ માર્કેટિંગ વર્ષમાં 24 મે સુધીમાં ઘઉંની ખરીદી 341.5 લાખ ટનને પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે આ સમયમાં 341.3 લાખ ટન હતી. જેમાંથી પંજાબમાં 125.8 લાખ ટન ઘઉં, મધ્યપ્રદેશમાં 113.3 લાખ ટન, હરિયાણામાં 70.6 લાખ ટન, ઉત્તરાખંડમાં 31,000 ટન, ગુજરાતમાં 21,000 ટન, ચંદીગઢમાં 12,000 ટન-હિમાચલમાં 3,000 ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. 


ગુજરાતમાં ઘઉનું ઉત્પાદન 45 લાખ ટન થશે
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલ ઉત્પાદનના ત્રીજા એડવાન્સ અંદાજમાં ઘઉંનો પાક 45 લાખ ટન થશે તેવો નિર્દેશ કરાયો છે જે બીજા અંદાજમાં 40.37 લાખ ટનનો અંદાજ મુકવામાં આવ્યો હતો. પાણીની પુરતી સગવડતા અને વાવેતર વિસ્તારમાં જંગી વૃદ્ધિના કારણે અમુક ટ્રેડરો ઉત્પાદન 50 લાખ ટનને વટાવી જશે તેવો પણ નિર્દેશ કરે છે. મોટા પાક સામે વેચાણ કામગીરી કોરોના કારણે અટકી હોવાથી રાજયમાંથી થતી ઘઉંની નિકાસને મોટી અસર પડી છે. સાઉથમાં થતી નિકાસમાં સરેરાશ 50 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. ગુજરાતમાં ગતવર્ષની તુલનાએ ગુણવત્તા સારી છે પરંતુ ભાવ ઘણા નીચા છે. જ્યાં સુધી નિકાસને વેગ નહિં મળે ત્યાં સુધી સારા ભાવ મળવા મુશ્કેલ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post