• Home
  • News
  • સરકારો ભયાનક સંક્રમણની સાચી સ્થિતિ નથી જણાવી રહી, ગુજરાતે કોરોના મૃત્યુઆંક 6 ગણો ઓછો બતાવ્યો
post

ભારતમાં મોતનો વાસ્તવિક આંકડો 5 ગણો વધુ, અસલી આંકડો છુપાવવા રાજ્ય સરકારો પર કેન્દ્ર સરકારનું દબાણ હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-26 10:00:49

ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર ભયાનક સંકટમાં ફેરવાઇ ચૂકી છે. હોસ્પિટલો ભરાઇ ચૂકી છે, ઓક્સિજન સપ્લાઇ ઓછો પડી રહ્યો છે, હતાશ દર્દીઓ ડૉક્ટરની રાહ જોતાં દમ તોડી રહ્યા છે. મૃતકોની વાસ્તવિક સંખ્યા સરકારી આંકડાથી ઘણી વધારે છે. વિશ્વના લગભગ અડધા નવા કેસ ભારતમાં મળી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ આંકડો વિચલિત કરી શકે છે છતાં સંક્રમણની સાચી સ્થિતિ નથી બતાવાઇ રહી. વિજ્ઞાનીઓ ચિંતિત છે કે ભારતમાં વાયરસના નવા સ્વરૂપ વધુ ઘાતક હોઇ શકે છે. વેક્સિનનો વધુ પ્રતિકાર પણ કરી શકે છે. નવા દર્દીઓની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ પાછળ વાયરસના નવા સ્વરૂપની ભૂમિકા હોઇ શકે છે.

સ્મશાનગૃહમાં ચોવીસ કલાક ચિતાઓ સળગે છે
દેશના વિવિધ ભાગોમાં સ્મશાનોમાં લોકો સાથે થયેલી વાતચીતથી જાણવા મળે છે કે સાચો મૃત્યુઆંક સરકારી આંકડાથી ઘણો વધારે છે. કુલ મોતનો આંકડો 2 લાખની નજીક પહોંચ્યાની સરકારી માહિતી શંકાસ્પદ છે. વિશ્લેષકોનું કહેવું છે કે નેતાઓ અને વહીવટી તંત્ર મોત ઓછાં બતાવી રહ્યાં છે. પરિવારજનો પણ સ્વજનનું કોરોનાથી મોત થયાનું શરમના માર્યા છુપાવે છે. ક્યારેય બંધ ન થતા ઇન્ડસ્ટ્રિયલ પ્લાન્ટની જેમ અમદાવાદમાં એક મોટા સ્મશાનગૃહમાં ચોવીસેય કલાક ચિતાઓ સળગી રહી છે.

પહોંચમાં મરણનું કારણ ન લખવાનો આદેશ
ત્યાં કામ કરતા સુરેશભાઇ જણાવે છે કે તેમણે મોતનો આવો અંતહીન સિલસિલો અગાઉ ક્યારેય નથી જોયો. તેઓ મૃતકોનાં સ્વજનોને જે પહોંચ આપે છે તેમાં મૃત્યુનું કારણ નથી લખતા. કહે છે કે આવું કરવાનો અધિકારીઓનો આદેશ છે. ભારતની સ્થિતિ પર ચાંપતી નજર રાખતા મિશિગન યુનિ.ના મહામારી નિષ્ણાત ભ્રમર મુખર્જીનું કહેવું છે કે આ આંકડાનો સંપૂર્ણ સંહાર છે. અમે જેટલા મોડલ બનાવ્યા છે એના આધારે અમને વિશ્વાસ છે કે અસલ મૃત્યુઆંક જેટલો દર્શાવાઇ રહ્યો છે એનાથી બેથી પાંચ ગણો વધુ છે. થોડા મહિના અગાઉ ભારતમાં સ્થિતિ સારી હતી. અધિકારીઓ અને નાગરિકોએ ખરાબ દિવસો વીતી ચૂક્યા હોવાનું માનીને તકેદારી રાખવાનું છોડી દીધું.

ભારતમાં વેક્સિનેશન ધીમું પડ્યું
હવે અગણિત ભારતીયો હોસ્પિટલ બેડ, દવાઓ અને ઓક્સિજન માટે સોશિયલ મીડિયા પર હૃદયદ્રાવક મેસેજ કરી રહ્યા છે. અખબારો નેશનલ ઇમર્જન્સી જેવી હેડલાઇન આપી રહ્યા છે. દેશભરમાં સામૂહિક અંતિમસંસ્કાર થઇ રહ્યા છે. ઘણીવાર ડઝનબંધ ચિતાઓ એકસાથે સળગે છે, જ્યારે બીજી તરફ ભારતમાં વેક્સિનેશન ધીમું પડ્યું છે. ભારત વિશ્વમાં અગ્રણી વેક્સિન ઉત્પાદક હોવા છતાં અત્યારસુધીમાં દેશની 10% વસતિને જ રસી આપી શકાઇ છે.

ભોપાલઃ 13 દિવસમાં 1 હજારથી વધુ મોત, પણ બતાવ્યાં ફક્ત 41
ભોપાલના લોકો કહે છે કે એ દુર્ઘટના બાદ સ્મશાનો પહેલીવાર સ્મશાનો આટલાં વ્યસ્ત છે. એપ્રિલ મધ્યના 13 દિવસોમાં ભોપાલમાં અધિકારીઓએ કોરોનાથી 41 મૃત્યુ થયાની માહિતી આપી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા શહેરના વિશ્રામઘાટો અને કબ્રસ્તાનો માટે કરેલા એક સરવેમાં જાણ થઈ કે આ સમયગાળામાં એક હજારથી વધુ અંતિમસંસ્કાર કોવિડ પ્રોટોકોલ હેઠળ થયા હતા.

·         આ સ્થિતિ ઉત્તરપ્રદેશ અને ગુજરાતની છે. અહીં એપ્રિલ મધ્યમાં અધિકારીઓએ રોજ અનુક્રમે સરેરાશ 73 અને 121 મૃત્યુ જણાવ્યા હતા. જોકે ગુજરાતના સ્મશાનો અને કબ્રસ્તાનોમાં રોજ સરેરાશ 610 કોરોના દર્દીના મૃતદેહો પહોંચી રહ્યા છે.

છત્તીસગઢ : જિલ્લા તંત્રના આંકડા સરકારથી અલગ
કોંગ્રેસશાસિત રાજ્ય છત્તીસગઢના દુર્ગમાં 15થી 21 એપ્રિલ વચ્ચે કોરોનાથી 150થી વધુનાં મૃત્યુની માહિતી આપી હતી. રાજ્ય સરકારે દુર્ગમાં મૃત્યુની સંખ્યા અડધાથી પણ ઓછી જણાવી. એ અંગે સ્વાસ્થ્યમંત્રી ટી. એસ. સિંહ કહે છે કે અમે પારદર્શકતા રાખવાનો પ્રયાસ કર્યો છે. અમે સુધારો કરવા તૈયાર છીએ. નિષ્ણાતો કહે છે કે મૃત્યુ છુપાવવા પાછળ રાજકીય એજન્ડા પણ હોઈ શકે છે. કેટલાક વિશ્લેષકો અનુસાર કેન્દ્ર સરકારનું રાજ્યો પર મૃત્યુ ઓછાં જણાવવા દબાણ છે. ડૉ. મુખર્જી સરકાર દ્વારા બેરોજગારીના આંકડાને દબાવવાનું ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે સ્થિતિ સારી બતાવવા રાજ્ય સરકારો પર કેન્દ્ર સરકારનું વધારેપડતું દબાણ છે.

વાયરસનું સ્વરૂપ બદલાતાં વેક્સિન અસર નહીં કરે
ડોક્ટર ચિંતિત છે કે ડબલ મ્યૂટન્ટ- બી.1.617 વાયરસને કારણે આ લહેર ચાલી રહી છે, જેમાં કોરોનાવાયરસની બે અન્ય અતિ ચેપી જાતમાં જિનેટિક પરિવર્તન જોવા મળ્યું છે. એક સ્વરૂપ તો આ વર્ષના પ્રારંભમાં કેલિફોર્નિયા, અમેરિકામાં વિનાશ વેરનારા ઉચ્ચ સંક્રમિક વેરિયન્ટમાં મળ્યું છે. આવું જ સ્વરૂપ દક્ષિણ આફ્રિકી મ્યૂટન્ટમાં જોવા મળ્યું છે. જે વેક્સિન પ્રત્યે વધુ પ્રતિરોધક છે છતાં વિજ્ઞાનીઓ ચેતવે છે કે હાલ કહી શકાય નહીં કે ભારતમાં જોવા મળેલા નવા વેરિયન્ટ કેટલા ઘાતક છે. ઝડપથી ફેલાતા અને કાબૂમાં ન આવતાં નવાં સ્વરૂપોનાં પરિણામ દુનિયા માટે નુકસાનકારક હોઈ શકે છે. સાયન્ટિસ્ટ ચિંતિત છે કે જે દેશોમાં વેક્સિનેશન પૂરતા પ્રમાણમાં થઈ ચૂક્યું છે ત્યાં લોકો નિશ્ચિંત થઈ ગયા છે. કોરોનાવાયરસ એવી રીતે સ્વરૂપ બદલી શકે છે કે વર્તમાન વેક્સિનની એના પર કોઈ અસર થશે નહીં.

મૃતકની સંખ્યા ઝડપથી વધે છે
પશ્ચિમના દેશોની સરખામણીએ ભારતની વસતિ વધુ યુવાનની છે. વિશેષજ્ઞ કહે છે, સંભવત: આ કારણે ભારતમાં દસ લાખ મોતની સંખ્યા અપેક્ષાકૃત ઓછી છે. તેમ છતાં મૃતક સંખ્યા ઝડપથી વધી રહી છે. એક્સેસ મોર્ટેલિટી સ્ટડી અનુસાર, અમેરિકા, બ્રિટન સહિત અનેક દેશોમાં કોવિડ-19થી મોત ઓછા બતાવાયાં છે. વિશેષજ્ઞો કહે છે, ભારતમાં કોઈ સામાન્ય વર્ષમાં માત્ર 20 ટકા મોતની તબીબી તપાસ થાય છે. મોટી સંખ્યામાં લોકોના મરવાનું કારણ નોંધાતું નથી. મિશિગન યુનિવર્સિટીની ડો. મુખર્જી કહે છે, કેટલાક પરિવાર ઈચ્છતા નથી કે સત્ય સામે આવી જાય. કેટલાક લોકો કોવિડ-19ના કડક સરકારી પ્રોટોકોલથી અલગ અંતિમસંસ્કાર કરે છે.

સરકારનો આ સંગઠિત અપરાધ છેઃ મૃતકનો ભાઈ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, જો કેન્સર જેવી કોઈ બીજી બીમારી પહેલાંથી છે અને વ્યક્તિનું મોત કોવિડ-19થી થાય છે તો તેને વાયરસથી મૃત્યુ તરીકે નોંધાય છે. એવું લાગે છે કે ભારતમાં અનેક સ્થળે આમ થતું નથી. એપ્રિલમાં રૂપલ ઠક્કર વાયરસથી સંક્રમિત થઈ હતી. 16 એપ્રિલના રોજ તેને અમદાવાદની ખાનગી શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાઈ, પરંતુ તેનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી ગયું. બીજા દિવસે 48 વર્ષની મિસિસ ઠક્કરનું નિધન થઈ ગયું. હોસ્પિટલે મૃત્યુનું કારણ કાર્ડિએક એરેસ્ટ જણાવ્યું. ઠક્કર પરિવાર ગુસ્સે થઈ ગયો. તેનો નાનો ભાઈ દીપન ઠક્કર કહે છે, આ ઘણો મોટો આઘાત હતો. કોઈ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુની વાસ્તવિક સંખ્યા છુપાવવા સરકાર સાથે સાઠગાંઠ શા માટે કરશે. આ સંગઠિત અપરાધ છે. આ ગેરકાયદે છે. વિનંતી છતાં શેલ્બી હોસ્પિટલના સંચાલકોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

14 એપ્રિલે ગાંધીનગર-સુરતમાં 124નાં મોત
સ્મશાનગૃહોમાં કામ કરતા લોકો કહે છે કે તેઓ થાકી ગયા છે. તેમણે ક્યારેય આટલા ટૂંકા ગાળામાં આટલી મોટી સંખ્યામાં લોકોને મરતા જોયા નથી. 14 એપ્રિલના રોજ સુરત અને ગાંધીનગરનાં સ્મશાનગૃહોમાં ટાઈમ્સને માહિતી મળી કે ત્યાં એક દિવસમાં 124 લોકોના અંતિમસંસ્કાર થયા છે. એ દિવસે અધિકારીઓએ સમગ્ર રાજ્યમાં કોવિડ-19થી 73 મોતની માહિતી આપી હતી. કાનપુર શહેરમાં કેટલાક બગીચામાં અંતિમસંસ્કાર શરૂ કરાયા છે, કેમ કે સ્મશાનગૃહોમાં જગ્યા નથી. અમદાવાદમાં વાડજ સ્મશાનગૃહમાં કાળા ધુમાડાનાં વાદળો જોવા મળી રહ્યાં છે. ક્લાર્ક સુરેશે ફોન પર કહ્યું હતું કે, તમામ મૃત્યુ પ્રમાણપત્ર પર કારણ બીમારી લખીએ છીએ. વધુ સવાલ પુછતાં તેણે ફોન બીજા અધિકારીને પકડાવી દીધો. એ અધિકારીએ સવાલ બીજા અધિકારીને રિફર કર્યો, જેણે જવાબ આપવાની ના પાડી દીધી.

 

adv

Related News

post
post
post
post
post
post
post