• Home
  • News
  • બિહારના ધ્વસ્ત પુલનું ગુજરાત કનેક્શન:ભાગલપુર બ્રિજ બનાવનાર કંપની પાસે ગુજરાતમાં હજારો કરોડના બે બ્રિજ અને સુરત મેટ્રો સ્ટેશન્સના કોન્ટ્રેક્ટસ
post

ગુજરાતના બે મહત્ત્વના પુલનું નિર્માણ કરનારી કન્સ્ટ્રક્શન કંપની અને બિહારના ધરાશાયી પુલની કન્સ્ટ્રક્શન કંપની એક જ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-06 18:15:16

અમદાવાદ: આજે બિહારના ભાજપ ધારાસભ્ય સંજય સરોગીએ સુરતમાં બિહારની JDU અને RJD સરકાર પર ભાગલપુરના બ્રિજ તૂટવા પાછળ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. ભાજપની સરકારે ગુજરાતમાં જે કન્સ્ટ્રકશન કંપનીએ બિહારનો પુલ બનાવ્યો છે એ જ કંપનીને રૂપિયા 1 હજાર કરોડના કન્સ્ટ્રક્શનનાં કામો હાલમાં આપેલાં છે. ભાગલપુરમાં રવિવારને 4 જૂને જે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો એનું ગુજરાત સાથે કનેકશન છે. આ પુલ તૂટવાનાં દૃશ્યો કેમેરામાં કેદ થવા પામ્યાં હતાં. પુલના એક પછી એક ભાગ તૂટી રહ્યા છે, એ દૃશ્ય ખૂબ જ હચમચાવી દેનારાં અને આશ્ચર્યજનક છે. બિહારના ખગરિયામાં 1,717 કરોડ રૂપિયાના ખર્ચે અગુવાની સુલતાનગંજ ગંગા પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ પુલના તૂટવાથી એક હજાર કરોડના ખર્ચે બની રહેલા ગુજરાતના બે મહત્ત્વના બ્રિજની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

વિવાદાસ્પદ કંપની પાસે ગુજરાતમાં પણ કામો
ગુજરાતના બે મહત્ત્વના પુલનું નિર્માણ કરનારી કન્સ્ટ્રક્શન કંપની અને બિહારના ધરાશાયી પુલની કન્સ્ટ્રક્શન કંપની એક જ છે. હરિયાણાની એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ જ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ અને ડભોઇ-સિનોર-માલસર-એસ રોડ, નર્મદા નદી પુલ પણ બનાવે છે. હાલ બંને પુલનું કન્સ્ટ્રક્શન કામ પૂરું થવાના આરે છે અને નજીકના દિવસોમાં જ એનું ઉદઘાટન કરવામાં આવશે. બિહારમાં પુલ તૂટવાના પગલે ગુજરાતના પુલોની ગુણવત્તા પર પણ સવાલો ઊઠી રહ્યા છે. એવી પણ માગ ઊઠી રહી છે કે બંને બ્રિજનું ઉદઘાટન પહેલાં થર્ડપાર્ટી એક્સપર્ટ ટીમ પાસે આ બ્રિજોની ચકાસણી કરાવવી જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત બ્રિજ તૂટવાની ઘટનાઓથી ગુજરી ચૂક્યું છે. મોરબીમાં કેબલે બ્રિજ તૂટવાની ઘટનાએ 100 જેટલા લોકોનો ભોગ લીધો હતો. જ્યારે અમદાવાદમાં મામતપુરા બ્રિજનો સ્લેબ તૂટ્યો હતો અને હાટકેશ્વર બ્રિજ બન્યાના બે જ વર્ષમાં દયનીય હાલતના કારણે બંધ કરવો પડ્યો હતો. બિહાર સરકાર દ્વારા આ કંપનીને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

 

SP સિંગલા કન્સ્ટ્રક્શન કંપની શું છે?
SP
સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છેલ્લાં 27 વર્ષથી મોટા ભાગે બાંધકામ વ્યવસાયમાં છે, જેના વર્તમાન બોર્ડના સભ્યો અને ડિરેક્ટર્સ સત પૌલ સિંગલા, પ્રેમ લતા, દીપક સિંગલા, રોહિત સિંગલા અને નિકિતા ગાંધી છે. આ કંપની દિલ્હી રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધાયેલી છે અને એની હરિયાણામાં કોર્પોરેટ ઓફિસ છે. આ એક ખાનગી અનલિસ્ટેડ કંપની છે અને 'કંપની લિમિટેડ બાય શેર' તરીકે વર્ગીકૃત થયેલી છે. ભાજપાની બંને સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટ તેને ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટસ આપેલા છે, જેમાં બેટ-દ્વારકાનો પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત નર્મદા નદી પરના પુલનો પ્રોજેક્ટ પણ કેન્દ્રીય સરકાર દ્વારા આપવામાં આવેલો છે.

 

કંપનીને આપેલા ગુજરાતના પ્રોજેક્ટો
વર્ષ 2017માં રૂ. 962 કરોડના કેબલ-સ્ટેડ સિગ્નેચર બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ઓખા અને બેટ દ્વારકાને જોડતો 3.73 કિમીનો ફોર-લેન 27.20 મીટર પહોળો કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજમાં સ્ટ્રીટ લાઇટ સાથે 2.5 મીટર પહોળી ફૂટપાથ હશે. ફૂટપાથની ઉપર સોલર પેનલ હશે, જે 1 મેગાવોટ પાવર જનરેટ કરશે. ઓખા બાજુના આ બ્રિજની લંબાઇ 209 મીટર, જ્યારે બેટ દ્વારકા બાજુએ 1101 મીટરની હશે. પુલના ભાગની લંબાઈ 2.32 કિમી હશે. 900 મીટરનો મધ્યમ ભાગ કેબલ-સ્ટેડ પ્રકારનો હશે. ત્રણ સ્પાનમાંથી મધ્યમ સ્પાનની લંબાઈ 500 મીટર હશે, જે ભારતમાં સૌથી મોટી હશે. એમાં 150 મીટર ટોલ અને બે તોરણ હશે. બે બાજુઓ પરના અન્ય 13 સ્પાનની લંબાઈ 50 મીટર હશે. હાલમાં માત્ર પેસેન્જર બોટ દ્વારા જ ઓખાથી બેટ દ્વારકા જઈ શકાય છે. આ પુલના નિર્માણથી પ્રવાસીઓની સુવિધાઓ વધારવામાં મદદ થશે.

નર્મદા નદી પરના પુલની વિગત આ પ્રમાણે છે
પુલની લંબાઈ 900m, એકંદર પહોળાઈ 15.65m, કેરેજવે 11.00મી, એપ્રોચ રોડ, 1984મી (માલસર બાજુ) 577મી (આસા બાજુ), વાયડક્ટ્સ 3 નંગ (માલસર બાજુના એપ્રોચ રોડ પર) છે. આ પુલની પ્રોજેક્ટ કોસ્ટ 165 કરોડ છે. સુરત રેલવે મેટ્રો ફેઝ 1 માટે 11 કિમી લાંબો એલિવેટર વાયડક્ટ અને સ્ટેશન્સનો પ્રોજેક્ટ મંજૂર કરાયો છે.

કંપની દ્વારા બનાવવામાં આવેલા બ્રિજની વિગત

·         ગંડક નદી પર બનેલો બ્રિજ, વેસ્ટ ચંપારણ બિહાર.

·         સોન રિવર પર બનેલો બ્રિજ, (જિલ્લો અરવલ, બિહાર.

·         કોશી નદી પર બનેલો બ્રિજ (જિલ્લો સહરસા, બિહાર)

·         તાવી નદી પર બનેલો બ્રિજ, (જમ્મુ કાશ્મીર)

·         2 લેન હાઇલેવલ બ્રિજ સતલજ નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો રોપર, પંજાબ)

·         કાન્હન નદી પર બનેલો બ્રિજ, (નાગપુર, મહારાષ્ટ્ર)

·         બાગમતી નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો શિવહર, બિહાર)

·         4 લેન હાઇલેવલ બ્રિજ સતલજ નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો રોપર, પંજાબ)

·         ગયા અને મનપુર વચ્ચે બનેલો બ્રિજ, (બિહાર)

·         કોશી નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો ભાગલપુર, બિહાર)

·         સતલજ નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો રોપર, પંજાબ)

·         ગંડક નદી પર બનેલો બ્રિજ, આરસીસી બ્રિજ, (જિલ્લો મુઝફ્ફરપુર, બિહાર)

·         આઈબી નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો ઝરસુગુડા, ઓડિશા)

·         ફૂલહર નદી પર બનેલો બ્રિજ, (પશ્ચિમ બંગાળ)

·         મહાનદી નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો સંભલપુર, ઓડિશા)

·         યમુના નદી પર બનેલો બ્રિજ, (આગ્રા ફિરોજાબાદ એકસ્પ્રેસ-વે સેક્શન, ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ)

·         કોલાવર-ભોજપુર રોડ પર બનેલો બ્રિજ, એનએચ-84 પર બનેલો બ્રિજ (બિહાર)

·         સ્વાન નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો ઉના, હિમાચલ પ્રદેશ)

·         રાવી નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો કઠુઆ, જમ્મુ-કાશ્મીર)

·         તિસ્તા નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો કૂચબિહાર, પશ્ચિમ બંગાળ)

·         મહાનદી નદી પર બનેલો સિંઘનાથ પીઠા અને બેદેશ્વરને જોડતો બ્રિજ, (ઓડિશા)

·         બાટાગ્રામ અને ચંદનેશ્વરને જોડતા રોડ પરનો બ્રિજ, (જિલ્લો જાલેશ્વર, ઓડિશા)

·         પંચપુદા નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો બાલાસોર, ઓડિશા)

·         સિસરી નદી પર બનેલો બ્રિજ, (જિલ્લો પાસીઘાટ, અરુણાચલ પ્રદેશ)

આઠ બ્રિજ બિહારના છે. જમ્મુ-કાશ્મીરના બે બ્રિજ. અરુણાચલ પ્રદેશના એકમાત્ર બ્રિજ. ઓડિશાના છ બ્રિજ. ત્રણ બ્રિજ પંજાબના છે. હિમાચલ પ્રદેશમાં એકમાત્ર બ્રિજ છે. પશ્ચિમ બંગાળના બે બ્રિજ છે. યુપીમાં એકમાત્ર બ્રિજ છે. મહારાષ્ટ્રમાં પણ એકમાત્ર બ્રિજ છે.

કંપની દ્વારા બની રહેલા બ્રિજની વિગત

·         નર્મદા નદી પર બનતો બ્રિજ, (જિલ્લો વડોદરા, ગુજરાત)

·         મહી નદી પર બનતો બ્રિજ, (જિલ્લો ડુંગરપુર, રાજસ્થાન)

·         બ્રાહ્મણી નદી પર બનતો બ્રિજ, (જિલ્લો ધનકેનાલ, ઓડિશા)

·         પ્રયાગરાજમાં બનતો બ્રિજ, (યુ.પી.)

·         બ્રહ્મપુત્ર નદી પર બનતો બ્રિજ, (જિલ્લો જોગીઘોપા, અસમ)

·         ઈરીંગ નદી પર બનતો બ્રિજ, (જિલ્લો ઈમ્ફાલ, મેઘાલય)

·         ઘાઘરા નદી પર બનતો બ્રિજ, (યુ.પી.)

·         ગંગા નદી પર બનતો, શેરપુર અને દીઘવારાની વચ્ચેનો બ્રિજ, (બિહાર)

જેમાં ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, આસામ, મેઘાલય અને બિહારમાં એક-એક બ્રિજ છે. યુપીમાં બે બ્રિજ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post