• Home
  • News
  • રાજ્ય સરકારે ગુજરાતની પ્રજાને ‘હર્ડ ઈમ્યુનિટી’ના ભરોસે છોડી, હવે રોગપ્રતિકારક શક્તિ વધારવી જ પડશે
post

અમદાવાદ સહિત ગુજરાતમાં દરરોજ 380-390 જેટલા કોરોનાના કેસો વધી રહ્યાં છે, છતાં લોકડાઉન હળવું કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 11:31:18

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે,પરંતુ અમદાવાદમાં તો રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ પ્રજાને ભગવાન ભરોસે છોડી હર્ડ ઇમ્યુનિટી સાથે જ બહાર નીકળી શકો તેવી સ્થિતિ ઉભી કરી છે. આ સંજોગોમાં હવે જનતાએ પણ કામ કરવાની શક્તિની સાથે પોતાની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારીને જ બહાર નીકળવું પડશે. ગુજરાતમાં કોરોના હવે શહેરથી લઈ દૂર દૂરના ગામડાઓમાં ફેલાઈ રહ્યો છે અને ટપોટપ મોત પણ થઈ રહ્યા છે. તો બીજી બાજુ સરકાર માટે પણ આ કપરું કામ બની ગયું છે કેમ કે કોરોના કાબુમાં આવતો નથી અને લોકડાઉનને કારણે ધંધા રોજગાર પણ બંધ છે ત્યારે સરકારે પણ વિશ્વના અન્ય દેશોની જેમ હાર્ડ ઇમ્યુનિટીના ભરોસે છોડી પ્રજાને કામે લગાડી દેવાની શરૂઆત કરી છે.


કન્ટેઈનમેન્ટ ઝોનની માંડ આઠ ટકા વસતિ માટે લોકડાઉનના નિયમો 
ગુજરાતમાં લોકડાઉન 4.0 એ વ્યવહારૂ અર્થમાં લોકડાઉનનો અંશ માત્ર રહ્યું છે. કન્ટેઈનમેન્ટ ઝોનની માંડ આઠ ટકા વસતિ માટે લોકડાઉનના નિયમો રહ્યાં છે, અમદાવાદ કે જ્યાં રાજ્યના 80 ટકાથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયા છે ત્યાં પશ્ચિમ બાદ પૂર્વના વિસ્તારોમાં પણ નિયંત્રણો હળવા બનવા લાગ્યા છે અને આર્થિક ગતિવિધિને છૂટ પણ આપી દીધી છે.

ટેસ્ટિંગ-ટ્રેસિંગ બંધ, લોકડાઉન ખોલતા ગુજરાત હર્ડ ઈમ્યૂનિટીના આધારે દોડતું થયું 
સરકારે પણ હવે કોરોના સાથે જીવતા શીખવું પડશેની નીતિ અપનાવીને કોરોનાગ્રસ્તને શોધવા ટેસ્ટિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, ચેપગ્રસ્તના પરિવારજનોના ટેસ્ટિંગ લગભગ બંધ કરી દીધા છે. કોઈપણ વ્યક્તિ ફરિયાદ લઈ આવે તો એસિમ્પ્ટોમેટિક છો, કહીને હોમ આઈસોલેશનમાં રહેવાનું કહી દેવાય છે. આમ, ટેસ્ટિંગ બંધ અને લોકડાઉન ખોલી દેવામાં આવ્યું એટલે કે ગુજરાત હવે તેના નાગરિકોમાં હર્ડ ઈમ્યૂનિટી કેટલી મજબૂત છે તેના આધારે જ દોડતું થયું છે.

સરકારને હર્ડ ઈમ્યૂનિટીની વ્યૂહરચના જ આખરી અને સહેલો રસ્તો લાગ્યો હોય શકે
કોવિડ-19 સામેના જંગમાં વિશ્વભરમાં હજુ ક્યાંય કોઈ અસરકારક વેક્સિન કે રણનીતિનું હથિયાર શોધાયું નથી, ત્યારે કદાચ ગુજરાત સરકારને પણ રશિયા અને અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની મહદ અંશે સફળ ગણાવાયેલી હર્ડ ઈમ્યૂનિટીની વ્યૂહરચના જ આખરી અને સહેલો રસ્તો દેખાયો લાગે છે. હર્ડ ઈમ્યૂનિટીના આધારે જ મહામારીની વૈતરણી પાર પાડવાની વ્યૂહરચના હોવાથી પશ્ચિમના બીજા દેશોએ અપનાવી લીધો જ છે.અમેરિકાના કેલિફોર્નિયા જેવા વિશાળ સ્ટેટમાં પણ કોરોનાનો પ્રકોપ ન્યૂયોર્ક જેવા સ્ટેટની સરખામણીમાં ઓછો રહ્યો હોવા પાછળનું કારણ પણ હર્ડ ઈમ્યૂનિટી જવાબદાર હોવાનું સ્ટેનફર્ડ મેડિસિનના સંશોધકોના એક અભ્યાસમાં બહાર આવ્યું છે.

હર્ડ ઈમ્યુનિટી શું છે

હર્ડ ઈમ્યૂનિટી એટલે જ્યારે કોરોના જેવા ચેપી વાઈરસની મહામારી ફેલાયેલી હોય અને તેની રસી શોધાઈ જ ન હોય ત્યારે માત્ર સામાન્ય લોકોની વ્યક્તિગત રોગપ્રતિકારક શક્તિના બળે જ જંગ લડવાની રણનીતિ અપનાવાય. જેમ જેમ વધુ લોકો આ વાઈરસના સંક્રમણમાં આવે અને તેમની રોગપ્રતિકારક શક્તિના બળે શરીરમાં એન્ટીજન સર્જાય એટલે આપોઆપ આવી વ્યક્તિ ચેપની ચેઈનને તોડે અને આગળ વધતો અટકાવે.આમાં, જોખમ એ છે કે, જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે અથવા તો કો-મોર્બિડિટી(અન્ય બીમારી) છે કે વૃદ્ધાવસ્થા છે તેમને આ વાઈરસ ભરખી જાય તેનો ય ભય રહે છે અને મૃત્યુઆંક વધી પણ શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post