• Home
  • News
  • હવે બધી સ્કૂલમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ફરજિયાત:શાળાઓ માતૃભાષાનું શિક્ષણ નહીં આપે તો 2 લાખ સુધીનો દંડ થશે, વિધાનસભામાં સર્વાનુમતે બિલ પસાર
post

ગુજરાતી ભાષાની વાત કરનારા લોકોનાં સંતાન ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે - સી.જે. ચાવડા

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-28 18:10:44

ગુજરાતની તમામ સ્કૂલે ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. આજે 28 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભાગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં બિલ રજૂ કર્યું છે. અત્યારે વિધાનસભામાં એના પર ચર્ચા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ મુજબ, ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે.

18 ધારાસભ્યએ પોતાના વિચારો રજૂ કર્યા
વિધાનસભાગૃહમાં સન 2023નું ગુજરાત ફરજિયાત ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબતે વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં તમામ સ્કૂલમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે એ માટે રાજ્ય સરકાર આ બિલ હેઠળ કાયદો બનાવશે. રાજ્યમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી ફરજિયાત ભણાવવામાં આવે, એને કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. રાજ્ય સરકારે આ બિલમાં ગુજરાતી ન ભણાવતી સ્કૂલો માટે કેટલીક દંડની જોગવાઈ પણ કરી છે. આ બિલ બાબતે ગુજરાત વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષના કુલ 18 ધારાસભ્યએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

વિધાનસભાગૃહમાં શિક્ષણમંત્રીએ બિલ મૂક્યું
ગુજરાતી ભાષા બિલ બાબતે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના સમયમાં માતૃભાષા અભિયાન શરૂ કરવામાં આવ્યું. વાંચે ગુજરાત અભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું. અંગ્રેજી ભાષાના સ્કોપના વર્ગો શરૂ કરવામાં આવ્યા. હાઇકોર્ટના ચુકાદામાં સરકાર કાયદો લાવે તેવો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. ગુજરાત બહારના વિદ્યાર્થીઓને મુક્તિ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી ફરજિયાત છે. સમગ્ર દેશમાં થ્રી ભાષા ફોર્મ્યુલા અમલમાં છે. ગૃહના તમામ સાથીમિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરી એવી વિનંતી છે. વિદ્યાર્થીઓ લોકબોલી અને ગુજરાતી ભાષા સાથે તાલમેળ થાય એ માટે સાહિત્યનું નિર્માણ આપણે કરેલું છે. રાજ્યમાં 31 હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ છે.

અધિકારીઓને ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ- તુષાર ચૌધરી
કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે હું ધોરણ 12 સુધી ગુજરાતી ભણ્યો છું. ત્યાર બાદ ઇંગ્લિશ ભાષા મારે શીખવી પડી છે. આજના યુગમાં વાલીઓ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ બાળકો આજે ગુજરાતી ભાષા વાંચી શકતાં નથી. ગુજરાતી ભાષાના વિકાસ વગર ગુજરાતનો વિકાસ શક્ય નથી. વિશ્વના 25 અગ્રેસર લોકોમાં ગુજરાતી છે. અધિકારીઓએ ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન રાખવું જરૂરી છે.

 

મારા જિલ્લાની તમામ સ્કૂલો રેડ ઝોનમાં છે - અર્જુન મોઢવાડિયા
ગુજરાતી ભાષા ફરજિયાત બાબતે કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકાર ગૃહમાં જે બિલ લાવી છે એનું હું સમર્થન કરું છું. દરેક ધારાસભ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લેવી જોઇએ. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી એટલે મને ખ્યાલ આવ્યો કે મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે. મારા ગામની શાળાઓ પણ રેડ ઝોનમાં છે. શાળાઓને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા માટે સરકારને સહકાર આપીશ. આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ કે ગુજરાત પણ શિક્ષણ બાબતે દેશમાં ટોપ પાંચ રાજ્યમાં સમાવેશ થાય. ગુજરાતી ભાષાનું જતન કરવું એ આપણી જવાબદારી છે.

ગુજરાતી ભાષાની ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થઈ રહી છે - ધવલસિંહ ઝાલા
જે ભાષામાં લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો શોધવા પડતા નથી એ ભાષા એટલે ગુજરાતી. આપણે સૌ જાણીએ છીએ કે માતૃભાષા ફરજિયાત ન હોત તો ગુજરાતી ભાષાની શી દશા હોત. હાલની પેઢી મોટે ભાગે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. આપણી રોજિદી ભાષામાં પણ અંગ્રેજીનો વધુપડતો ઉપયોગ થઇ રહ્યો છે. આ ઉપરાંત મારી મુખ્યમંત્રીની વિનંતી છે કે ગ્રામીણ વિસ્તારમાં જે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઇ છે એમાં મોટે ભાગે ગુજરાતી માધ્યમની શાળાઓ છે. સરકારે રાજ્યમાં વધુમાં વધુ ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂ કરવી જોઇએ, જેથી આપણી ગુજરાતી ભાષા જીવંત રહે.

 

ગુજરાત બહાર 18 લાખ લોકો ગુજરાતી બોલે છે - ત્રિકમ છાંગા
ગુજરાતી ભાષા બિલ બાબતે ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે ગુજરાતી ઉચ્ચ સંસદીય પરંપરાને સ્થાપિત કરનારું રાજ્ય છે. સર્વોદયના સિદ્ધાંત કહે છે કે સૌના ભલામાં આપણું ભલું છે. વિશ્વમાં 5 હજાર જેટલી ભાષાઓ છે. દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જાય છે. આ બિલ ગુજરાતી ભાષાની સેવા માટે લાવવામાં આવ્યું છે. ગુજરાત બહાર 18 લાખ લોકો ગુજરાતી ભાષા બોલે છે. વિદેશમાં મોટા પ્રમાણમાં ગુજરાતી ભાષા બોલાય છે. કચ્છમાં પણ 1971-72માં હિજરત કરીને આવેલા લોકો પોતાની ભાષા બોલે છે. સિંધ અને થરપારકરની ભાષામાં લોકો બોલે છે. એ લોકો પણ પોતાની ભાષાનું જતન કરી રહ્યા છે.

10 વર્ષમાં 2600 સ્કૂલ બંધ થઈ છે - કિરીટ પટેલ
વિશ્વમાં 7 હજાર જેટલી ભાષાઓ છે, જેમાં ગુજરાતી 26મા ક્રમે આવે છે. આપણું બંધારણ બન્યું ત્યારે કુલ 14 જેટલી ભાષા હતી, જેમાં ગુજરાતી 5મા નંબરની ભાષા હતી. ગાંધીજીએ હરિજનબંધુમાં લખ્યું છે કે ભાતૃભાષાનો અનાદર એટલે માતાનો અનાદર. જાપાન અને જર્મની જેવા દેશમાં પોતાની માતૃભાષા ફરજિયાત કરવામાં આવી છે. જર્મન અને જાપાનમાં માતૃભાષાનો વપરાશ હોવાથી આ દેશ ટેકનોલોજીમાં પણ આગળ છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા બિલ લાવવાની જરૂર કેમ પડી એ ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર દ્વારા આડેધડ મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકાર ગુજરાતી ભાષા માટે બિલ લાવી છે, પણ સરકારે ગુજરાતી ભાષાના સ્કોલર સ્ટાફ નથી. છેલ્લાં 10 વર્ષમાં 2600 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ થઇ છે.

 

ગુજરાતી ભાષાની વાત કરનારા લોકોનાં સંતાન ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે - સી.જે. ચાવડા
ગુજરાતી ભાષા બિલ બાબતે કોંગ્રેસ ધારાસભ્ય સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે એક સમયે ગુજરાતી ભાષા બચાવવા ચળવળ ચલાવનારના પુત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હતા. સ્વદેશી ચળવળ ચલાવનારા ઘરમાં ચાઇનીઝ ફર્નિચર હોય છે. સરકાર બિલ લાવી છે એનું સમર્થન છે. 15મી વિધાનસભામાં સરકાર લોકહિત માટેનું બિલ લાવી રહી છે.પેપરફોડ માટે બિલ લાવી, ગુજરાતી ભાષા માટે બિલ લાવી, અમે તેને આવકારીએ છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post