• Home
  • News
  • ગુજરાતીઓને સિંગતેલને બદલે આયાતી તેલ દાઢે લાગ્યું:સરસો, સોયાબીન તેલની આયાત 9 મહિનામાં 1 લાખથી વધુ ટન થઈ, 10 વર્ષમાં સિંગતેલ ખાનારો 75 ટકા વર્ગ આયાતી તેલ તરફ વળ્યો
post

આવું જ રહ્યું તો આયાતી તેલની વાર્ષિક કુલ આયાત 160 લાખ ટન પહોંચી જશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-26 19:02:52

ગુજરાતમાં આયાતી તેલનો વપરાશ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સિંગતેલને બદલે આયાતી તેલ લોકોને દાઢે વળગ્યું હોય એવું ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિયેશને જાહેર કરેલા આંકડા પરથી જાણવા મળ્યું છે. આ આંકડાઓની અસર ગુજરાતમાં મગફળીની ખેતી કરતા ખેડૂતો પર પણ થઈ રહી છે, કારણ કે આયાતી તેલનો વપરાશ વધશે તો સિંગતેલ ખાનારા લોકો ઘટશે અને ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ મળશે નહીં. આયાતી તેલના આયાતના આંકડા પર નજર કરીએ તો નવેમ્બર 2022માં આયાતી તેલની આયાત 11.37 લાખ ટન હતી, જે વધીને જુલાઈ 2023માં 12.05 ટન થઈ છે. માત્ર નવ મહિનામાં જ 1 લાખથી વધુ ટનની આયાત થઈ છે. જો આવી જ રીતે આયાતી તેલની આયાત કરવામાં આવશે તો વાર્ષિક કુલ આયાત 160 લાખ ટન પહોંચી જશે, આથી ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિયેશને નરેન્દ્ર મોદીને પત્ર લખી આયાતી પોલિસીમાં બદલાવ કરવા માગ કરી છે.

પેક્ડ આયાતી તેલની ખરીદી વધી
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ અને ઓઇલ સીડ્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે જ્યારથી આયાતી તેલનો વપરાશ વધ્યો છે ત્યારથી ગુજરાતમાં સિંગતેલના વપરાશમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 10 વર્ષ પહેલાં જ્યારે 100માંથી 20 લોકો સિંગતેલ ખાતા હતા, એ આજે ઘટીને 5 લોકો થયા છે. આખા વર્ષનું ખાદ્યતેલ લેનારા લોકો હજી સિંગતેલ જ ભરે છે, પરંતુ દર મહિને તેલ લેવાવાળો વર્ગ પેક્ડ આયાતી તેલ વધુ ખરીદી રહ્યો છે. પહેલાં સિંગતેલમાં બનતું ફરસાણ હાલ આાયાતી તેલમાં બનવા લાગ્યું છે, કારણ કે આયાતી તેલનો ભાવ સિંગતેલ કરતાં ઓછો હોય છે.

ખાદ્યતેલની આયાત ઓલટાઇમ હાઇ
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ અને ઓઇલ સીડ્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે ખાદ્યતેલની આયાત પર હળવા નિયંત્રણના કારણે આયાતી તેલની આયાત વધતાં સમસ્યા ઊભી થઈ છે. આપણી ખાદ્યતેલની આયાત ઘણી વધારે છે. નરેન્દ્ર મોદીએ જ્યારથી દેશનું વડાપ્રધાનપદ સંભાળ્યુ ત્યારથી તેમની સરકારે આ પ્રશ્ન પર ગંભીર ધ્યાન રાખ્યું અને તેમની સારી પોલિસીને કારણે દેશની ખાદ્યતેલની વાર્ષિક આયાત 145થી 150 લાખ ટનથી ઘટીને 131થી 135 લાખ ટન થઈ ગઈ હતી.

આયાત ડ્યૂટીમાં નોંધપાત્ર ઘટાડો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જોકે માર્ચ 2022થી વૈશ્વિક પરિબળોને કારણે ખાદ્યતેલના ભાવો બહુ ઊઁચા ગયા હતા, જેના કારણે આપણા દેશે ખાદ્યતેલ આયાત સંબંધી નીતિમાં ઘણી હળવાશ કરી હતી. આ હળવા નિયમો, જેવા કે આયાત ડ્યૂટીમાં નોંધપાત્ર ઘટાડો, કોઈપણ પ્રકારના જથ્થાત્મક નિયંત્રણ વગર આયાત કરવામાં આવે છે.

મુક્ત આયાત નીતિના બે ગેરફાયદા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે જ્યારે ખાદ્યતેલના ભાવોમાં તીવ્ર ઘટાડો થયો છે ત્યારે પણ હજી આ હળવી આયાતનીતિ ચાલુ છે, જેને કારણે ચાલુ વર્ષે નવેમ્બર 2022થી ઓક્ટોબર 2023 સુધી આપણી ખાદ્યતેલની આયાત ઓલ ટાઈમ હાઈ લેવલ પર લગભગ 160 લાખ ટન સુધી જઈ શકે છે. આવી મુક્ત આયાત નીતિના બે ગેરફાયદા છે. એક તો સસ્તા આયાતી તેલની ઉપલબ્ધિને લીધે સ્વદેશી ખાદ્યતેલોનો વપરાશ ઘટ્યો છે, જેને કારણે દેશની વિવિધ મંડીઓમાં મસ્ટર્ડ સીડઝ, રેપસીડઝ અને સોયાબીન સીડ્ઝના ભાવો સતત ટેકાના ભાવથી નીચે રહ્યા છે.

આયાતી તેલ જન આરોગ્ય માટે જોખમી
તેમણે છેલ્લે જણાવ્યું હતું કે આ તેલીબિયાંની નવી આવકોની સીઝન શરૂ થશે ત્યારે ખેડૂતો અને વિવિધ સરકારી એજન્સીઓ આગલા વર્ષનો મોટો જથ્થો વણવપરાયેલો પડ્યો રહેશે અને બીજું બજારમાં સસ્તા આયાતી તેલની ઉપલબ્ધિને કારણે ખાદ્યતેલનો વપરાશ વધવા મંડ્યો છે. નિષ્ણાતોના મત મુજબ આપણો માથાદીઠ વાર્ષિક વપરાશ હાલમાં જે 18થી 20 કિલોનો છે એ આગામી વર્ષોમાં 25 કિલો જેટલો ઊંચો જઈ શકે છે.

આ વર્ષે 4 ટકા મગફળીનું ઓછું વાવેતર
અંતમાં ઉમેર્યું છે કે આ ખાદ્યતેલનો વપરાશ વધારો બજારમાં પેક્ડ પાઉચમાં મળતા તૈયાર ફરસાણના રૂપમાં વધે છે. આવા ફરસાણમાં નમક, ખાંડ અને ચરબીનું પ્રમાણ ઘણું વધારે હોય, જે જન આરોગ્ય માટે ખૂબ ખતરનાક બની શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 17.09 લાખ હેક્ટર મગફળીનું વાવેતર હતું. જેની સામે આ વર્ષે 16.33 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, એટલે કે ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીનું વાવેતર 4 ટકા ઘટ્યું છે. ગત વર્ષે 24 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post