• Home
  • News
  • આરોગ્ય વિભાગની બેદરકારી:ઓમિક્રોનનો ચેપ છે કે નહીં એ જાણવા છેલ્લા માસમાં જીનોમ સિક્વન્સ ટેસ્ટ માટે મોકલાયેલાં 240 સેમ્પલના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી
post

કોરોનાના કેસના દરેક સેમ્પલ જીનોમ ટેસ્ટ માટે મોકલવાનો નિયમ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-14 09:55:12

મ્યૂટેટ થયેલા ઓમિક્રોન વાઇરસનો ચેપ જાણવા દરેક કોરોના સંક્રમિત વ્યક્તિના સેમ્પલને ફરજિયાત જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા ગાઈડલાઈન બની છે. આ સંદર્ભે રાજ્યમાંથી મોટા ભાગે કોરોનાં સેમ્પલ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) લેબોરેટરીમાં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં કોરોનાના 300 જેટલા કેસ નોંધાયા હતા, એ પૈકી 240 જેટલાં સેમ્પલને જીનોમ સિક્વન્સિંગની તપાસ માટે મોકલાયાં હતાં. જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આપવામાં વિલંબ થતો હોવાથી મોટા ભાગના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

મ્યુનિ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોનાની દરેક વ્યક્તિના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવાનો નિયમ છે, પરંતુ 20 ટકા જેટલાં સેમ્પલની ગુણવત્તા કે કન્ટેન્ટ ઓછું હોવાથી એને મોકલી શકાતાં નથી. આ હિસાબે છેલ્લા એક મહિનામાં આશરે 240 જેટલાં સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. અમદાવાદમાંથી મોટા ભાગે સેમ્પલ જીબીઆરસી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. મ્યુનિ. સૂત્રો કહે છે, જીનોમ સિક્વન્સિંગનું પરિણામ આવવામાં ખૂબ વિલંબ થાય છે. આ કારણે તેના સંક્રમણની શક્યતાઓ વધી શકે છે. તાજેતરમાં જ યુકેથી અમદાવાદ આવેલી બે મહિલા કોરોના પોઝિટિવ મળતાં તેમનાં સેમ્પલ પણ જીનોમ ટેસ્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યાં હતાં.

શહેરમાં હજુ પણ 600 એક્ટિવ કેસ
સિવિલ હોસ્પિટલમાં સોમવારે એકપણ કોરોનાનો દર્દી દાખલ ન હતો. એ જ રીતે મ્યુનિ. સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં પણ દાખલ દર્દીઓની સંખ્યા જૂજ જોવા મળી હતી. તેમ છતાં શહેરમાં હાલ 600થી વધુ કોરોનાના એક્ટિવ કેસ જોવા મળ્યા છે. મોટા ભાગના દર્દીઓ હોમ ક્વોરન્ટીન થઈને સાજા થઈ રહ્યા છે.

કોરોનાથી મૃત્યુ છતાં સિવિલ સર્ટિ. આપતી નથી
વેજલપુરમાં મહેતાબપાર્ક સોસાયટીમાં રહેતા ગુલામરસુલ શેખને કોરોનાની અસર થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં હોસ્પિટલ તરફથી તેમના પરિવારને ડેથ સ્લિપમાં મોતનું કારણ કોરોના હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરી મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા શેખ ગુલામરસુલનાં પરિવારજનોને સરકાર તરફથી મળનારી સહાય માટે ગલ્લાતલ્લા કરીને મૃત્યુનું કારણ દર્શાવતું સર્ટિફિકેટ આપવા ઇનકાર કરે છે.

કોરોનાના નવા 18 કેસ, 14 હજારને રસી
છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 18 કેસ સામે આવ્યા હતા, જ્યારે 15 દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. બીજી તરફ 14,604 લોકોને સોમવારે રસી મૂકવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post