• Home
  • News
  • વારાણસી જ્ઞાનવાપી મસ્જીદમાં હિંદુઓની અરજી ઉપર સુનાવણી ચાલુ રહે: કોર્ટનો આદેશ
post

કોર્ટે જણાવ્યું કે, સિવિલ પ્રક્રિયા સંહિતા 07 નિયમ 11 અંતર્ગત આ કેસમાં સુનાવણી થઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-12 17:19:02

વારાણસી: વારાણસીના શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે આજ રોજ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે શ્રૃંગાર ગૌરીમાં પૂજાના અધિકારની માગણી માટે દાખલ કરવામાં આવેલી અરજીને સુનાવણી માટે યોગ્ય ગણાવી છે. 

કોર્ટે જણાવ્યું કે, હિંદુઓની અરજીની સુનાવણી કરવી જોઈએ. મસ્જીદ વતી થયેલી દલીલો કાયદેસર રીતે માન્ય નથી. મસ્જીદની જગ્યાઓ ઉપર હિંદુઓને પૂજાપાઠ કરવાની માગણી કરતી અરજીની સુનાવણી ચાલુ રહેશે. 

વારાણસીના જ્ઞાનવાપી પરિસર મામલે આજે જિલ્લા કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટમાં જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસ ચલાવવા યોગ્ય છે કે નહીં તે મામલે હિંદુઓના પક્ષમાં નિર્ણય આવ્યો છે. કોર્ટના નિર્ણય પહેલા કાશીના મંદિરોમાં પૂજા-અર્ચના શરૂ થઈ ચૂકી હતી. મહાવીર મંદિરમાં પણ હવન-પૂજન કરવામાં આવ્યા હતા. લોકોમાં આ મામલે સુનાવણીને લઈને ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી હતી.

લગભગ 21 દિવસ સુધી ચાલેલી ચર્ચા બાદ કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને વારાણસી પોલીસ કમિશ્નરેટ સંપૂર્ણપણે સતર્ક છે અને કલમ 144 લાગુ કરવામાં આવેલી છે. 

શું કરી શકે મુસ્લિમ પક્ષ

હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે અને આ કેસને સુનાવણી માટે યોગ્ય ગણ્યો છે. તેમણે જણાવ્યું કે, આ કેસમાં હવે 22 સપ્ટેમ્બરના રોજ આગળની સુનાવણી થશે. 

હિંદુઓના પક્ષમાં નિર્ણય આવ્યા બાદ મુસ્લિમ પક્ષ હવે ઉપરી અદાલતમાં તેને પડકાર આપી શકશે. મુસ્લિમ પક્ષ જિલ્લા કોર્ટના નિર્ણય વિરૂદ્ધ હાઈકોર્ટ જઈ શકે છે. 

અરજીકર્તાએ કહ્યું આજે અમે ઈતિહાસ રચ્યો

કોર્ટના આ નિર્ણયથી હિંદુ પક્ષમાં આનંદ વ્યાપ્યો છે. વકીલ હરિશંકર જૈને આને બહુ મોટો વિજય ગણાવ્યો છે અને ભવ્ય મંદિર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે આજની માફક આગળની લડાઈમાં પણ જીત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અરજીકર્તા રેખા પાઠકે તે લોકોએ આજે ઈતિહાસ રચી દીધો હોવાનું જણાવ્યું હતું.

કોર્ટના આ નિર્ણયની સાથે જ વારાણસીમાં હર-હર મહાદેવની ગૂંજ વ્યાપી છે. 

સવારથી જ અલગ-અલગ સેક્ટરમાં બેસીને જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવી હતી. તમામ પોલીસ અધિકારીઓને પોતાના વિસ્તારના ધર્મ ગુરૂઓ સાથે સંવાદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જ્ઞાનવાપી પરિસર સ્થિત મા શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજનની માગને લઈને જિલ્લા જજ એ.કે.વિશ્વેશની કોર્ટમાં ચાલી રહેલો કેસ સુનાવણી યોગ્ય છે કે નહીં તે અંગે નિર્ણય આવી ગયો છે. જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ છેલ્લે 19મે એ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન હિંદુ પક્ષે મસ્જિદમાં શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કર્યો હતો જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો ગણાવ્યો હતો.

મુસ્લિમ પક્ષએ આ કેસને ઉપાસના સ્થળ અધિનિયમ વિરુદ્ધ ગણાવતા કહ્યુ હતુ કે આ કેસ સુનાવણી યોગ્ય નથી. જ્યારે હિંદુ પક્ષનો દાવો હતો કે મુસ્લિમ પક્ષ ખૂબ જૂના દસ્તાવેજ રજૂ કરી રહ્યા છે જે આ મામલા સાથે સંબંધિત નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post