• Home
  • News
  • રાજ્યમાં જામ્યો અષાઢ, વરસ્યો વરસાદ:હારીજમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબક્યો, ઠેર-ઠેર પાણી ભરાયા, રાજ્યના 33 તાલુકામાં 1થી 5 ઈંચ વરસાદ
post

પાલનપુર-આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાતા લક્ઝરી બસ ખાડામાં ખાબકી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-08 19:18:13

ગુજરાતમાં હવામાન વિભાગે પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો અબડાસાની ખારી નદી બે કાંઠે વહી રહી છે. તેમજ રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે.

આજે સવારે 6થી 4 વાગ્યા સુધીમાં જામનગરમાં 5 ઈંચ, ભુજમાં અઢી ઈંચ, પાટણના હારીજમાં અઢી ઈંચ, તેમજ ગીર સોમનાથના વેરાવળમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. હારીજમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબકડા ઠેર ઠેર પાણી ભરાયા હતા. રાજ્યના 33 તાલુકામાં 1થી 5 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ આજે રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા પર ગોઢણસમા પાણી ભરાઈ ગયા હતા. કચ્છના ભુજ અને નખત્રાણા વહેલી સવારથી જ વરસાદ ખાબકતા માર્ગો પર વરસાદી પાણી વહી નીકળ્યાં હતા. તેમજ નખત્રાણા હિલ સ્ટેશન બન્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને પગલે આજે સવારથી જ અનેક પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ હાલ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

 

હારીજમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ
પાટણ જિલ્લાના હારીજમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબક્યો હતો, તો સમીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સિદ્ધપુરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. રાધનપુર, સરસ્વતી અને શંખેશ્વરમાં પણ વરસાદનું આગમન થયું હતું. સંતાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. પાટણ શહેરમાં પણ વરસાદી ઝાંપટા પડ્યા હતા. જેથી વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગાગડિયા નદીમાં ઘોડાપૂર
અમરેલી જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે લાઠી શહેરમાં આવેલી ગાગડિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગાગડિયા નદીમાં ભારે પૂર આવતા બેઠો કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જેથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુમાં ગાગડીયા નદીમાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદમાં વરસાદ શરૂ
અમદાવાદમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જે બાદ વરસાદ શરૂ થયો હતો. શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, સોલા, સિંધુભવન, મકરબા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.
રાજાશાહી સમયની ગઢની દીવાલ ધરાશાયી
ભુજમાં રાજાશાહી સમયની ગઢની દીવાલ ધરાશાયી થઈ છે. ગંગારામ ગેસ્ટહાઉસ ગલી પાસે ગઢની દીવાલ ગત રાત્રીના વરસાદના કારણે ધરાશાયી થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ ન્યારી-2 ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો છે. આ સાથે જ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ઝાંઝરી ધોધ સીઝનમાં પ્રથમ વખત જીવંત થયો
ચોમાસાની શરૂઆત થતા જ પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા પાસે આવેલો ઝાંઝરી ધોધ આ સીઝનમાં પ્રથમ વખત જીવંત થયો છે. આ ધોધ વાત્રક નદી પર આવેલો છે. વાત્રક નદી પર પથ્થરોની એવી કુદરતી ગોઠવણ છે કે, જ્યારે જ્યારે નદીમાં પાણી આવે ત્યારે કુદરતી નજારો જોવા મળતો હોય છે. ત્યારે ચાલુ સીઝનમાં અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ થતાં વાત્રક નદીમાં પાણીની સારી આવક પણ થઈ છે અને ઘોધ જીવંત થયો છે.

વરસાદી પાણી ભરાતાં લક્ઝરી બસ ખાડામાં ખાબકી
પાલનપુર-આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાતા લક્ઝરી બસ ખાડામાં ખાબકી હતી. જેથી મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. જોકે, બસમાંથી મુસાફરોને નીચે ઉતારી ક્રેનની મદદથી લક્ઝરી બસના ટાયરને ખાડામાંથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા છે. આ ઘટનાને પગલે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post