• Home
  • News
  • અમદાવાદમાં શરૂ થયો ધોધમાર વરસાદ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
post

સુરત, ભરૂચ, ડાંગ, તાપી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-27 19:09:43

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ છે. છેલ્લા 6 કલાકમાં 42 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નવસારીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જલાલપોર અને ચીખલીમાં પોણા 2 ઈંચ જ્યારે મહુવા,ગણદેવીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 11 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના બોપલ, ઘુમા, એસજી હાઈવે, બોડકદેવ સહિતના વિસ્તારોમાં સમી સાંજે વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે વરસાદ પડવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે સુરત, ભરૂચ, ડાંગ, તાપી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે અને અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.વલસાડ, નવસારી, સુરત, નર્મદા,ડાંગ,ભરુચ,અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાત ઉપર વરસાદ વધુ ખાબકશે તેવું પણ અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

કચ્છમાં ભારે વરસાદને કારણે રૂકમાવતી નદી બે કાંઠે

રાજકોટ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત વરસાદને કારણે જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થવા પામી છે. નવસારીમાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવ્યાં છે. ગણદેવી તાલુકાના 13 ગામોને એલર્ટ કરી દેવાયા છે. અંબિકા નદીમાં 13,700 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. રાજકોટની વાત કરીએ તો ઉપલેટાના મોજ ડેમમાં અડધા ફૂટ નવા નિરની આવક થવાથી ડેમની કુલ સપાટી 44.00 ફૂટ પર પહોંચી ગઈ છે. મોજ ડેમમાં હાલ 38.90 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છમાં ભારે વરસાદને કારણે રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ છે.મદનપુરા કોડાય વચ્ચેની નદીમાં નવા નીર આવ્યાં છે. જેના કારણે કોડાયથી ધોકડા જવાનો માર્ગ બંધ થયો છે. 

સરદાર સરોવરમાં 51.51.61 ટકા પાણીનો જથ્થો

વાવાઝોડા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ડેમમાં પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. પરંતુ રાજ્યના 207 ડેમની વાત કરીએ તો હાલની તારીખે માત્ર 39.97 ટકા જ પાણીનો જથ્થો છે. રાજ્યમાં ઝોન પ્રમાણેના જળાશયોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46.85, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.45, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 33.41, કચ્છના 20 ડેમમાં 48.48, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 20.76 અને સરદાર સરોવરમાં 51.51.61 ટકા પાણીનો જથ્થો છે.

રાજ્યના 6 ડેમ હાલમા હાઈ એલર્ટ પર

કચ્છના 4 ડેમ હાલમાં છલોછલ ભરાયેલા છે. રાજ્યના 6 ડેમ હાલમા હાઈ એલર્ટ પર છે. જ્યારે એક ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. વોર્નિંગ પર બે ડેમ છે. ચાર ડેમમાં 90 ટકા પાણીનો જથ્થો છે. એક ડેમમાં 80 ટકાથી વધુ પાણી છે. બે ડેમ એવા છે જેમાં 70 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે 199 ડેમમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. નખત્રણાનો ગજનસર ડેમ, મુંદ્રાનો કાલાઘોડા ડેમ, અબડાસાનો કંકાવટી ડેમ, માંડવીનો ડોન ડેમ પણ છલોછલ ભરાયેલો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post