• Home
  • News
  • રેવાનું રૌદ્ર સ્વરૂપ:યાત્રાધામ કરનાળીમાં આખેઆખા મકાનો પાણીમાં ડૂબ્યા, શોપિંગ કોમ્પલેક્ષ પણ ગરકાવ
post

નર્મદા નદીના પાણી ઘરોમાં ઘૂસી આવતા કરનાળી અને ચાણોદના લોકોમાં ડરનો માહોલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 10:41:13

સરદાર સરોવર ડેમમાંથી 11 લાખ ક્યૂસેક સુધી પાણી છોડાતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરા જિલ્લાના કરજણ અને ચાણોદ પાસેથી પસાર થતી નર્મદા નદીના પૂરના પાણીએ તારાજી સર્જી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળીના નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનો આખેઆખા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. આ ઉપરાંત શોપિંગ કોમ્પલેક્ષમાં 5 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે.

કરનાળી અને ચાણોદના લોકોમાં ડરનો માહોલ
નર્મદા નદીના કિનારે ડભોઇ તાલુકાના કરનાળી અને ચાણોદમાં નર્મદા નદીના પાણી ઘૂસી ગયા છે. નર્મદા નદીમાં સતત વધી રહેલા જળસ્તરના કારણે કરનાળીમાં મકાનો પાણીમાં ડૂબી ગયા છે. જેથી લોકોએ સ્થળાંતરિત થવાની ફરજ પડી છે. કરનાળી અને ચાણોદના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદાના પાણીને જોવા માટે કરનાળી ગામ લોકો ઉમટી પડ્યા હતા.

ડભોઇ, કરજણ અને શિનોર તાલુકાના 25 ગામમાં સંકટ ઉભુ થયું
આ વર્ષે ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી કિનારાના લોકોને વહીવટી તંત્ર દ્વારા જેમ જળ સ્તર વધે છે, તેમ સાઇરન વગાડીને ચેતવણી આપવામાં આવી રહી છે. નર્મદા નદીમાં સતત વધી રહેલા જળસ્તરને પગલે નદી કિનારાના ડભોઇ, કરજણ અને શિનોર તાલુકાના 25 ગામમાં સંકટ ઉભુ થયું છે. આ ગામોના કિનારાના લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે.

તીર્થધામ ચાણોદમાં નર્મદા નદીના પાણી ઘૂસી ગયા
સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર 11 લાખ ક્યૂસેક સુધી પાણી છોડાતા નર્મદા નદી કાંઠા કિનારાના ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સતત વધી રહેલા જળ પ્રવાહથી ડભોઇ તાલુકાના તીર્થધામ ચાણોદમાં પાણી ઘૂસી ગયા છે. નર્મદા નદી પરના તમામ ઘાટો પાણીમાં ગરકાવ થયા બાદ ચાણોદના બજારો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. સાવચેતીના ભાગરૂપે દુકાનદારોએ માલસામાન ખસેડીને દુકાનો ખાલી કરી દીધી છે. NDRFની ટીમે ફસાઇ ગયેલા 10 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post