• Home
  • News
  • અહમદ પટેલ કઈ રીતે બન્યા ગાંધી પરિવારના ખાસ, તેમના જીવનના વિવિધ કિસ્સાઓ
post

પટેલ બાબરી મસ્જિદ વિધ્વંસમાં નરસિમ્હા રાવની ભૂમિકાને ક્યારેય માફ કરી શક્યા નહિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 12:22:36

અહેમદ પટેલનું કદ માત્ર એટલા માટે નથી કે તેઓ ત્રણ વખત લોકસભામાં કોંગ્રેસના સાંસદ રહ્યા અને પાંચ વખત કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેમને આ કદ ગાંધી પરિવાર સાથેની નજીકતાથી પ્રાપ્ત થયું છે.

વાત 1977ની છે, જ્યારે હારના ઘાનો સામનો કરી રહેલાં ઈન્દિરા ગાંધીને અહેમદ પટેલ અને તેમના સાથી સનત મહેતાએ પોતાના ચૂંટણીક્ષેત્ર ભરૂચમાં બોલાવ્યાં. ઈન્દિરા ગાંધીની પરત ફરવાની કહાનીની શરૂઆત આ સમયમાં જ થઈ હતી. જોકે અહેમદ પટેલ કોંગ્રેસની પ્રથમ પંક્તિમાં 1980 અને 1984ની વચ્ચે આવ્યા, જ્યારે ઈન્દિરા ગાંધી પછી જવાબદારી સંભાળવા માટે પુત્ર રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે શરમાળ સ્વભાવના અહેમદ પટેલ રાજીવ ગાંધીની નજીક આવ્યા.

એ દિવસો દરમિયાન તેમને નજીકથી જોનારી વ્યક્તિઓ જણાવે છે કે જ્યારે રાજીવ ગાંધી ગુજરાતના પ્રવાસે આવે ત્યારે અહેમદ પટેલ તેમના વિમાન સુધી સેવ-ભૂસું, મગફળી લઈને પહોંચી જતા હતા. આ ગુજરાતી વસ્તુઓને ગાંધી પરિવાર પસંદ કરતો હતો.

ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી 1984માં લોકસભાની 400 સીટની બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા અને અહમદ પટેલને કોંગ્રેસ સાંસદ સિવાય પાર્ટીના સંયુક્ત સેક્રેટરી બનાવવામાં આવ્યા. તેના થોડા સમય પછી જ તેમને સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા.

નરસિમ્હા રાવના કાર્યકાળમાં સાઇડલાઇન
જોકે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા તો ગાંધી પરિવારની નજીક હોવા છતાં તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય સિવાય અહેમદ પટેલને તમામ પદો પરથી હટાવવામાં આવ્યા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને બજેટમાંથી 20 કરોડ રૂપિયાનું ફન્ડ આપ્યું. જોકે સોનિયા ગાંધીએ એનો અસ્વીકાર કર્યો અને અહેમદ પટેલના ખભે રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે ફન્ડ એકત્રિત કરવાની જવાબદારી આવી.

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવે મંત્રીપદની ઓફર કરી તો એને પટેલે ઠુકરાવી દીધી. અહેમદ પટેલ ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી પણ હારી ગયા અને તેમને સરકારી રહેઠાણ ખાલી કરવા માટે સતત નોટિસ મળવા લાગી. તેમના મિત્ર નજમા હેપતુલ્લાએ ઘણાં સરકારી રહેઠાણોના વિકલ્પો શોધ્યા. જોકે એના માટે રાવ સરકારની મંજૂરી મળે એ જરૂરી હતું. અહેમદ પટેલે નજમા હેપતુલ્લાનો આભાર માન્યો, પરંતુ મદદ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો. પટેલના સમર્થકો કહે છે કે જો નજમા હેપતુલ્લાની મદદ તેઓ સ્વીકારી લેત તો એનો અર્થ થાત કે નરસિમ્હા રાવ પાસે મદદ માગવી. એમ કહેવામાં આવે છે કે એક વખત તેમણે તિરસ્કારની રીતે કહ્યું હતું કે તે વ્યક્તિ પાસે હું મદદ માગું ? અહેમદ પટેલ ખૂબ ધાર્મિક હોવાનું કહેવામાં આવે છે. આ પણ એક કારણ હતું કે તેઓ નરસિમ્હા રાવના સમયમાં તેઓ પોતાને અળગા અનુભવતા હતા.

ધાર્મિક ઓળખથી દૂર
પટેલ બાબરી મસ્જિદ વિધ્વંસમાં નરસિમ્હા રાવની ભૂમિકાને ક્યારેય માફ કરી શક્યા નહિ. જોકે નોંધવા જેવી વાત એ છે કે ધાર્મિક હોવા છતાં તેઓ દાઢી અને શેરવાની જેવાં ધાર્મિક ચિહનોથી દૂર રહેતા હતા. તેમનાં ભાષણ પણ સામાન્ય રહેતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post