• Home
  • News
  • ડ્રીમ-11 અને હર્ષ જૈનની સમગ્ર કહાની:કરોડપતિ બાપ પાસેથી 1 રુપિયોય લીધા વગર બનાવેલી કંપની કઈ રીતે બની IPLની સ્પોન્સર?
post

આશા વેચવાનો ધંધો: 35થી 50 રૂપિયામાં મિનિમમ જોખમે લખપતિ બનવાના સામાન્ય માણસના સપનાએ ડ્રિમ 11ને અપાવી સફળતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 10:45:50

ભારતમાં ક્રિકેટ એ ધર્મ છે અને અમુક અંશે સૌથી મોટો બિઝનેસ પણ. પરંતુ ધર્મ અને બિઝનેસને ભેગા કરીને લોકોને આશા વેચવાનું કામ કોઈ કરતું હોય તો ડ્રિમ 11 છે. ડ્રિમ 11ની કંપનીએ IPL 2020 માટેની ટાઇટલ સ્પોન્સરશિપ 222 કરોડમાં પોતાના નામે કરી છે. સાડા ચાર મહિના માટે 222 કરોડ. એ IPL સાથે ડ્રિમ 11ની તાકત પણ દર્શાવે છે. તો ચાલો, જાણીએ કઈ રીતે આટલી સફળ છે ડ્રિમ 11, તેની સફળતા પાછળનું કારણ, તેનો ફાઉન્ડર કોણ છે અને સ્પોર્ટ્સ ફેન્ટસીનું ભારતમાં આગમન કઈ રીતે થયું.

ડ્રિમ 11- આશા વેચવાનો ધંધો
રાતોરાત લખપતિ- કરોડપતિ બનવાનું દરેકનું સપનું હોય છે. ડ્રિમ 11 આ સપનાને સાકાર કરવાનો માર્ગ છે. ક્રિકેટ રસિયાઓએ પોતાની પસંદગીની ડ્રિમ ટીમ એટલે કે 22માંથી 11 ખેલાડીઓની પસંદગી કરવાની હોય છે. અને પછી મેગા કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો હોય છે. ઉદાહરણ તરીકે નીચે એક કોન્ટેસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સ્પર્ધામાં 2 લાખ 71 હજાર 2 લોકો 45 રૂપિયા આપીને ભાગ લઈ શકે છે. જે પહેલો આવે એને 2.5 લાખ, બીજો આવે એને 1 લાખ અને ત્રીજો આવે એને 75 હજાર રૂપિયા મળે છે. હવે મજાની વાત એ છે કે જો તમારો ટોપ-3માં રેન્ક ન આવે તો એનો મતલબ એ નથી કે તમે 45 રૂપિયા ગુમાવી દીધા. તમારો 1 લાખ 92 હજાર 608 સુધીમાં રેન્ક આવે તો તમને તમારા ડિપોઝિટ કરેલા 45 રૂપિયા મળી જાય છે. મતલબ કે દિમાગ સે ધોનીનું કેમ્પન એટલે જ ચાલેલું. ક્રિકેટ વિશે નોલેજ હોય તો ટોપ 70%માં તો આવવાના જ છો. અને નસીબે સાથ આપ્યું તો લખપતિ બનશો. એટલે જ ડ્રિમ-11 પાછળ લોકો ગાંડા છે. ક્રિકેટ સિવાય, ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, બેસબોલની રમત પર પણ ફેન્સ રમી શકે છે.

આમાં ડ્રિમ 11 શું કમાય?
ઉપર જણાવ્યું તેમ 2 લાખ 71 હજાર 2 લોકો ભાગ લેશે. દરેક 45 રૂપિયા આપશે. એટલે કુલ રકમ થઈ 1 કરોડ 21 લાખ 95 હજાર 90 રૂપિયા. તેમાંથી કંપની 1 કરોડ રૂપિયા પબ્લિકમાં વેચશે અને બાકીના પોતે રાખશે. આમ દરેક કોન્ટેસ્ટમાં તે 15થી 20 ટકા માર્જિન કમાઈ લે છે. ચાલુ સીઝનમાં રોજ 9થી 10 ગેમ્સ હોય છે અને દરેકમાં આવા 5થી 6 કોન્ટેસ્ટ રમાઈ જાય છે. ઇકોનોમિક ટાઈમ્સ અનુસાર 2019માં ડ્રિમ 11નો રેવન્યુ 800 કરોડ હતો. જે 2018માં 230 કરોડ હતો.

નોંધ: આ સ્ક્રીનશોટ મંગળવારથી શરૂ થયેલી કેરેબિયન પ્રીમિયર લીગનો છે. ભારતની અથવા IPLની મેચ હોય ત્યારે 10 લાખ જેટલા લોકો ભાગ લે છે અને ચેમ્પિયનને 50 લાખથી 1 કરોડ સુધી મળે છે.

ખેલાડીઓ પર જુગાર  કહેવાય ?
આ ફેન્ટસી પ્લેટફોર્મનો 2017માં વિરોધ થયો હતો કે આ ઓનલાઇન જુગાર છે અને તેના પર પ્રતિબંધ મુકવામાં આવે. જોકે, ઇન્ડિયન હાઇકોર્ટે કહ્યું હતું કે, આમાં રમનારની એનાલિસિસ સ્કિલ પર રિઝલ્ટનું આઉટકમ નક્કી થાય છે. આમાં યુઝર્સને ખેલાડીનું ફોર્મ, પિચ અને ભૂતકાળના પ્રદર્શન, વિવિધ વસ્તુઓના જજમેન્ટ પર નિર્ણય લેવાના હોય છે. તેથી આ લીગલ છે. અને તેને બંધ કરવામાં આવશે નહિ. તેને આર્ટિકલ 19(1) (g) હેઠળ લીગલ સ્ટેટ્સ મળ્યું હતું.

ધોની બ્રાન્ડ એમ્બેસેડર બનતા પહોંચ વધી
ડ્રિમ 11એ કાનૂની જંગ જીત્યા પછી માર્કેટમાં પોતાની પહોંચ વધારવા એમએસ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. 2018માં ખેલો ઓર બનો દિમાગ સે ધોની વાળું કેમ્પન સુપરહિટ રહ્યું હતું. અત્યારે ધોની ઉપરાંત રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, શિખર ધવન સહિત 17 ક્રિકેટર્સ આ ફેન્ટસી સ્પોર્ટ્સને પ્રમોટ કરે છે. 2016માં કંપનીના 13 લાખ યુઝર્સ હતા, જે 2018માં 1.3 કરોડ અને 2020માં 8 કરોડ+ થઈ ગયા છે. તે ભારતની એકમાત્ર સ્પોર્ટ્સ ફેન્ટસી કંપની છે, જેની વેલ્યુએશન 1 બિલિયન ડોલર કરતા વધારે છે. જે કંપનીની વેલ્યુએશન 1 બિલિયન ડોલર કરતા વધારે હોય તેને યુનિકોર્ન કહેવામાં આવે છે.

ટ્રાન્સપરન્સી સૌથી મોટો પલ્સ પોઇન્ટ
ડ્રિમ 11નો અન્ય ઓનલાઇન ગેમ્સ કરતા સૌથી મોટો પલ્સ પોઇન્ટ એ છે કે તેમાં સામાન્ય લોકોને ચિટિંગ થશે તેવો ડર નથી. મેચની શરૂઆતથી તમે અન્ય સ્પર્ધકોની ટીમ જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. કોન્ટેસ્ટ 5 લોકોનો હોઈ કે 5 લાખ લોકોનો તમે બધી ટીમના pdf ડાઉનલોડ કરી શકો છો. આ ગેમ ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ નથી, અને કંપનીની સાઇટ પરથી ડાઉનલોડ કરવી પડે છે. ગૂગલ કેસ ટ્રાન્ઝેક્શન વાળી રમત પોતાના પ્લેટફોર્મ પર અલાઉ કરતું નથી.

ફાઉન્ડર્સ વિશે
ડ્રિમ 11ના ફાઉન્ડરસ હર્ષ જૈન અને ભાવિત શેઠ છે. હર્ષ, જય કોર્પ ફેમ આનંદ જૈનનો પુત્ર છે. તમને જણાવી દઈએ આનંદ જૈનની કંપનીનો માર્ચ 2020માં રેવન્યુ 120 કરોડ રૂપિયા કરતા વધારે હતો. જોકે, હર્ષે પોતાના મલ્ટી મિલિયોનર પિતા પાસેથી એકપણ રૂપિયો લીધા વિના કંપની ઉભી કરી. તો પહેલા શરૂઆત કરીએ કે ડ્રિમ 11નો આઈડિયા કઈ રીતે આવ્યો?

આઈડિયા
હર્ષ અને ભાવિત બંનેના પર્સનલ પ્રોજેકટની જેમ ડ્રિમ 11ની શરૂઆત થઈ હતી. બંને ફૂટબોલ ફેન્ટસી લીગ્સના મોટા ફેન છે. તેમને ભારતમાં પણ આવું કંઈક કરવું હતું. હર્ષને આશ્ચર્યું હતું કે ભારતમાં ક્રિકેટનું આટલું ગાંડપણ છે પરંતુ કોઈ ઓનલાઇન ફેન્ટસી લીગ નથી. ખાસ કરીને IPL માટે, જેની 2008માં શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ડ્રિમ 11એ એડવર્તાઈઝ બેઝડ મોડલની જેમ કામ ચાલુ કર્યું પરંતુ ખાસ સફળતા મળી નહિ. 2012માં કંપનીએ નક્કી કર્યું કે આની જગ્યાએ હવે આપણે રોજની મેચો પર ફોકસ કરીશું અને યુઝર્સને પૈસાથી રમવા પ્રોત્સાહન કરીશું. 2014માં કંપનીને કલારી કેપિટલ થકી પહેલું ફન્ડિંગ મળ્યું હતું. ત્યારથી કંપનીએ વધુ પૈસા અને વધુ સ્પેન્ડિંગ પાવર થકી લાઈમલાઈટમાં આવાનું શરૂ કર્યું.

ડ્રિમ 11માં એડવાઇઝરની ભૂમિકા નિભાવતા વિશાલ મિશ્રાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, હર્ષે મિલિયન ડોલર્સના ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ ધક્કા ખાધા. બહુ બધા સેલ્સ પર્સન આગળ કલાકો વાતો કરી જ્યારે તેને પિતા પાસેથી સરળતાથી ફાઇનાન્સ મળી શકે તેમ હતું. મેં તેને પૂછ્યું કે તું કેમ આવું કરે છે તો તેણે મને કહ્યું કે, "મારે પોતાની આઇડેન્ટિટી પર ડ્રિમ 11 ઉભી કરવી છે અને તેથી હું કોઈને કહેતો નથી હું આનંદ જૈનનો પુત્ર છું."

વર્ષમાં યુઝર્સમાં 800 ગણો વધારો થયો
ડ્રિમ 11ની કંપનીનો સતત ગ્રોથ થઈ રહ્યો છે. જાન્યુઆરી 2015માં ડ્રિમ 11ના 3 લાખ યુઝર્સ હતા. 2016માં આ આંકડો 13 લાખ યુઝર્સે, 2017માં 1 કરોડ 70 લાખ યુઝર્સ અને 2019માં 5 કરોડ યુઝર્સ વટાવી ગયો હતો અને અત્યારે 2020માં 8 કરોડ+ યુઝર્સ છે. જૈને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "અમારો ટાર્ગેટ માસ માર્કેટ ગેમ છે, તેમાં એન્ટરટેનમેન્ટ પણ છે અને ઓછું બજેટ હોવાથી લોકોને વધારે નુકસાન થાય તેમ એય નથી." ડ્રિમ 11માં એવરેજ ટ્રાન્ઝેક્શન 35 રૂપિયાનું હોય છે. હવે, ડ્રિમ 11 વર્લ્ડ કપમાં ICCનું ઓફિશિયલ પાર્ટનર બન્યા બાદ IPLનું પણ ટાઇટલ સ્પોન્સર બની ગયું છે.

ઇન્વેસ્ટર્સમાં ચીની કંપની છે, પરંતુ તે કોઈ ખતરો નથી
​​​​​​​ડ્રિમ 11માં સ્ટેડવ્યુ, કલારી કેપિટલ, થિંક ઇન્વેસ્ટમેન્ટ, મલ્ટીપલ ઈક્વિટી અને ટેન્સેન્ટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. ટેનસેન્ટ ચાઇનીઝ કંપની છે પણ એનું 10%થી ઓછું રોકાણ છે. ડ્રિમ 11 અને BCCIની વાતચીતમાં સામેલ એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે કહ્યું કે, "ડ્રિમ 11 નવા ફેન્સ મેળવવાની આ સુવર્ણ તક ગુમાવવા માગતું નહોતું. ચાઇનીઝ કંપનીનું રોકાણ સિંગલ ડિજિટમાં છે અને તેને કંપનીના મેનેજમેન્ટ સાથે કોઈ નિસબત નથી. બધા એમ્પ્લોઈ, પ્રોડક્ટ અને ટેક્નોલોજિ ઇન્ડિયન છે."

 

adv

Related News

post
post
post
post
post
post
post