• Home
  • News
  • જ્યાં સામાન્ય નાગરિક નથી જઈ શકતો ત્યાં કિરણ પટેલ કેવી રીતે પહોંચ્યો? -શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં તાકીદે ચર્ચાની માગણી કરી
post

એકવાર સામેવાળી વ્યક્તિ પોતાનાથી પ્રભાવિત થાય એટલે કિરણ પટેલે તેને બરાબરનો સાણસામાં લેવાનો બંદોબસ્ત કરી રાખતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-20 18:45:33

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ એવી માગણી કરી છે કે ગૃહમાં બીજી ચર્ચાઓ પછી, પણ પહેલા કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરો કે "કયા કારણસર કિરણ પટેલને Z+ સુરક્ષાકવચ આપવામાં આવ્યું હતું અને જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય એવા વિસ્તારોમાં કેમ તેને જવા દેવામાં આવ્યો હતો?" સમાચાર એજન્સી ANIએ ટ્વીટ કર્યું છે કે રાજ્યસભામાં તમામ ચર્ચાઓ સ્થગિત કરીને પહેલા કિરણ પટેલ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે માગણી કરી છે. આ અંગે તેમણે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ ગૃહમાં તમામ ચર્ચા સ્થગિત કરીને તાકીદે કિરણ પટેલ વિશે ચર્ચા કરવા માગણી કરી છે. રાજ્યસભામાં આ પ્રક્રિયાને સસ્પેન્શન ઓફ બિઝનેસ નોટિસ કહે છે.

કાશ્મીરમાં Z+ સિક્યોરિટી સાથે ફરતો કિરણ મૂળ અમદાવાદનો
જમ્મુ-કાશ્મીરમાં પોતાને PMOનો અધિકારી જણાવીને ફરતા ભેજાબાજને પોલીસે ઝડપ્યો ત્યાં સુધીમાં તો કિરણ પટેલે તેમનો બરાબરનો ઉપયોગ કરી લીધો હતો. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે પોતાને હાઇ પ્રોફાઈલ અધિકારી જણાવનારો કિરણ મૂળ અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હતો. હાલમાં એક વર્ષ પહેલાં જ તેણે પોશ સિંધુભવન રોડ પાસે બંગલો લીધો હતો અને ફેમિલી સાથે ત્યાં રહેવા ગયો હતો.

પત્નીએ કહ્યું, 'કિરણને કોઈ ફસાવી રહ્યું છે'
કિરણ તો અત્યારે શ્રીનગરમાં છે, પણ તેમને ફસાવવામાં આવ્યા છે. અમે કદી કોઈનું ખોટું કર્યું જ નથી, અને અમને ત્યાંથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. કિરણ તો ત્યાં સારા ડેવલપમેન્ટ માટે ગયા હતા, પરંતુ તેમને ત્યાં કોઈએ ફસાવી દીધા છે. ઊલટાનું કાશ્મીરના ડેવલપમેન્ટ માટે ગયા હતા અને ત્યાં તેમને ચોક્કસ કોઈએ ફસાવી દીધા છે. અમારા જે જૂના કેસ હતા એ તો બધા પતી ગયા છે અને કેસ પણ ક્વોશિંગ થઈ ગયો છે. કિરણની તપાસ પતી ગઈ છે અને બધું પોઝિટિવ પતી ગયું છે તો પછી હવે કશું નેગેટિવ નથી તો કોર્ટમાં પણ બધું પતી ગયું છે અને હવે નક્કી થશે.

PMOમાં કિરણને બધા ઓળખે છેઃ માલિની પટેલ
PMO
ને લગતી વાત છે તેમાં તો બધું જજ નક્કી કરશે, પરંતુ હું તો તમને એટલું કહેવા માગું છું કે જૂના કેસ જે મારા જેઠના હતા એ તો પતી ગયા છે. અમને લાગે છે કે કોઈ અમારી પાછળ પડી ગયું છે અને અમે બંને ભણેલાં-ગણેલાં છીએ તો આપણામાં તો બુદ્ધિ હોય ને કે આવું ખોટું કરાય જ નહીં. PMOમાં કિરણ પટેલને બધા ઓળખે છે અને તેમને બધા કોન્ટેક્ટમાં છે અને બધા સારી રીતે ઓળખે પણ છે.


PMOના ઓફિસરનું વિઝિટિંગ કાર્ડ પણ બનાવ્યું
એકવાર સામેવાળી વ્યક્તિ પોતાનાથી પ્રભાવિત થાય એટલે કિરણ પટેલે તેને બરાબરનો સાણસામાં લેવાનો બંદોબસ્ત કરી રાખ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પોતાનો ઘેરો નાતો હોવાનું કિરણ વાત-વાતમાં કહી દેતો હતો. એટલું જ નહીં, પોતે PMOનો ઓફિસર છે એવું સામેવાળાના દિમાગમાં ઠસાવી દેવા કિરણે એડિશનલ ડાયરેક્ટર, PMOનું વિઝિટિંગ કાર્ડ પણ બનાવી રાખ્યું હતું. બે વર્ષ અગાઉ લોકડાઉનમાં ચેરિટી વર્ક સંબંધે દિવ્ય ભાસ્કરે કિરણ પટેલ સાથે વાત કરી હતી. એ સમયે પણ કિરણે પોતે PMO સાથે જોડાયેલા હોવાનું જણાવીને વિઝિટિગ કાર્ડ પણ બતાવ્યું હતું. બીજી તરફ કિરણ પટેલ શ્રીનગરમાં પરિવાર સાથે ફરવા ગયો ત્યારે પણ તેણે પોતાની ઓળખ PMOના અધિકારી તરીકે આપી હતી. આને પગલે સ્થાનિક સુરક્ષા એજન્સીઓએ તેને Z+ સિક્યોરિટી આપી હતી. અલબત્ત, કિરણની ઠગાઈની પોલીસને જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

ઈસનપુરથી કેવી રીતે સિંધુભવન રોડના બંગલે પહોંચ્યો
કિરણ પટેલ અગાઉ ઇસનપુર વિસ્તારમાં રહેતો હતો, પરંતુ એક વર્ષ અગાઉ એસજી હાઇવે પર તેણે પોતાનો બંગલો લીધો હતો. આ બંગલાનું નામ તેણે 'જગદીશપુરમ્' આપ્યું હતું. કિરણે પટેલનો IIM-ત્રિચીથી MBAનો અભ્યાસ કર્યો હોવાનો પણ દાવો છે. BMW કારમાં ફરતો કિરણ હંમેશાં હાઈપ્રોફાઈલ લાઈફ જીવતો અને પોતે ખૂબ પહોંચેલો હોવાનો પણ દાવો કરતો હતો. થોડા સમય પહેલાં તેણે ફેમિલી ટ્રિપ માટે સ્પાઇસ જેટનું નાનું પ્રાઇવેટ એરક્રાફ્ટ પણ બુક કરાવ્યું હતું. પોતે સંઘ અને BJPનો સમર્થક હોવાનું પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે લોકોને કહેતો હતો.

શરૂથી જ પોતાની VVIP તરીકે ઓળખ આપી આંજી દેતો
કિરણ કોઈને પણ શરૂઆતથી જ પોતે VVIP માણસ હોવાનું કહીને આંજી દેતો હતો. કિરણની પત્ની માલિની પટેલ પણ હંમેશાં તેની સાથે હોય છે. તે પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારે જ એક્ટિવ રહીને પોતે હાઈપ્રોફાઈલ હોવાનું બતાવે છે. કિરણ પટેલની દીકરી નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે જે તેણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું. ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે એક્ટિવ છે. ટ્વીટરમાં તો તેનું એકાઉન્ટ પણ વેરિફાય કરેલું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post