• Home
  • News
  • પિલર જ નબળો તો બ્રિજ ક્યાંથી ટકે?:હાટકેશ્વર બ્રિજમાં મુખ્ય સ્લેબ સાથે પિલરમાં પણ હલકી ગુણવત્તાના કોંક્રીટનો ઉપયોગ, FSLની ટીમે સેમ્પલ લઇ GERI લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલ્યા હતા
post

માત્ર M10 ગ્રેડના કોંક્રીટનો જ ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-25 18:36:11

સફેદ હાથી સમાન અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજનો મુખ્ય સ્લેબ જ નહીં પરંતુ પિલરમાં પણ હલકી ગુણવત્તાના કોંક્રીટનો ઉપયોગ કર્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. AMC અને પોલીસ દ્વારા સેમ્પલ લઈને કરવામાં આવેલી તપાસમાં M10 ગ્રેડના જ કોંક્રીટનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મુખ્ય સ્લેબના પિલર સહિત 10 પિલરમાં ખૂબ જ નબળી ગુણવત્તાના કોંક્રીટનો ઉપયોગ થયો છે. આ રિપોર્ટ પરથી હવે સ્પષ્ટ જણાય આવે છે કે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, કન્સલ્ટન્ટ કંપની સહિત AMCના અધિકારીઓએ બ્રિજના બાંધકામ વખતે બેદરકારી દાખવી છે.


FSLની ટીમે સેમ્પલ લઇ GERI લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલ્યા હતા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ હોવાનો એક્સપર્ટ કમિટીએ રિપોર્ટ આપ્યો હતો. જે બાદ બ્રિજ તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. ખોખરા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને AMCના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. FSLની ટીમે સેમ્પલ લઇ ગુજરાત સરકારની ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(GERI) લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલ્યા હતા. જેમાં બ્રિજના પિલરના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે M35 ગ્રેડની જગ્યાએ માત્ર M8થી M16 ગ્રેડ સુધીનું જ કોંક્રીટ વાપરવામાં આવ્યું છે.

મુખ્ય સ્લેબ સહિતના પિલરમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યું
FSLની ટીમ દ્વારા H1, H2, H3, C1, C2, K1(H1 SIDE), K1 (KE SIDE) અને H2 તેમજ K1 અને K2(બાપુનગર તરફ) તેમજ H1થી K1 (બાપુનગર તરફ મુખ્ય સ્લેબ)ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં K1 અને K2 (બાપુનગર તરફ) તેમજ H1થી K1 (બાપુનગર તરફ મુખ્ય સ્લેબ)માં M45 તેમજ બાકીમાં M35 ગ્રેડનો કોંક્રીટ હોવો જોઈએ. રિપોર્ટમાં મુખ્ય સ્લેબમાં M14.60 ગ્રેડનો જ કોંક્રીટ આવ્યો હતો. મુખ્ય સ્લેબ સહિતના પિલરમાં પણ હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

માત્ર M10 ગ્રેડના કોંક્રીટનો જ ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું
હાટકેશ્વર બ્રિજ બનાવતી વખતે પિલરમાં M35 ગ્રેડથી લઈ M45 ગ્રેડ સુધીના કોંક્રીટનો ઉપયોગ કરવાનો હતો. 75થી 85 ટકા સુધીના ગ્રેડ મુજબના કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો માન્ય ગણી શકાય છે. પરંતુ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા તો માત્ર M10 ગ્રેડના કોંક્રીટનો જ ઉપયોગ કરી બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું છે. આવા હલકી ગુણવત્તાના બાંધકામના કારણે હવે પિલરને પણ તોડી પાડવો જરૂરી છે. મુખ્ય બે સ્પાનમાં તકલીફ હોવાને લઈને તેટલો જ ભાગ તોડવા નિર્ણય લેવાયો હતો પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવી નથી. આખો બ્રિજ તોડવામાં આવશે કે કેમ તે અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.





adv

Related News

post
post
post
post
post
post
post