• Home
  • News
  • 60 વર્ષમાં ગુજરાત રાજ્યના બજેટનું કદ રૂ. 114.92 કરોડથી વધીને 2.17 લાખ કરોડનું થયું
post

અત્યારસુધીમાં વિધાનસભામાં 76 બજેટ રજૂ થયા છે, આજે 77મું બજેટ રજૂ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 09:20:05

આજે 3 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 77મું બજેટ રજૂ થશે; રાજ્યની સ્થાપના થઈ એ વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 1960-61માં ગુજરાતનું પહેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. વીતેલાં 60 વર્ષમાં ગુજરાત વિધાનસભામાં 76 બજેટ રજૂ થઈ ચૂક્યાં છે.

60 વર્ષમાં બજેટનું કદ રૂ. 114.92 કરોડથી વધીને 2.17 લાખ કરોડ થયું
ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની બજેટની મોબાઇલ એપમાં આપેલી માહિતી મુજબ, રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ (રૂ. 1,14,92,86,000) અને 26 ફેબ્રુઆરી 2020માં રજૂ થયેલા બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડ (રૂ. 2,17,287 કરોડ) હતું. ટકાવારીની રીતે જોઈએ તો 60 વર્ષમાં અંદાજપત્રનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.

સૌથી વધુ વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે
ગુજરાતમાં 76 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ રજૂ કર્યાં છે. વજુભાઈ હાલ કર્ણાટકના રાજ્યપાલ છે. ગુજરાતમાં વજુભાઈ તેમની રમૂજવૃત્તિ અને જ્યારે તેઓ કાઠિયાવાડી લઢણ (ભાષા)માં બજેટ રજૂ કરતાં તો આખો માહોલ હળવો થઈ જતો અને વિપક્ષના નેતાઓ પણ એની મજા લેતા હતા.

નીતિન પટેલ 9મી વાર બજેટ રજૂ કરશે
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બુધવારે 77મું બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે નીતિન પટેલે 8 બજેટ રજૂ કર્યાં છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે, જેના માટે સરકારે મોબાઇલ એપ્લિકેશન (Gujarat Budget) પણ લોન્ચ કરી છે.

રાષ્ટ્રપતિશાસનને કારણે 3 બજેટ લોકસભામાં રજૂ થયાં
એપ્લિકેશનમાં આપેલી માહિતી મુજબ, ગુજરાતમાં વિવિધ તબક્કે રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોવાને કારણે રાજ્યનું બજેટ 3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સ્થાપના સમયથી અત્યારસુધીમાં 76 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે, એટલે કે વચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post