• Home
  • News
  • મહારાષ્ટ્રમાં અસ્થિર પાયા પર જ રચાઈ હતી સરકાર, રાજ્યસભા-વિધાન પરિષદની ચૂંટણીના બે ઉપરાછાપરી મરણતોલ ફટકા વાગ્યા
post

આઘાડીમાં અસંતોષ પણ ભાજપનું ઓપરેશન લોટસ સતત નિષ્ફળ રહ્યું, શું આ વખતે ચમત્કાર થશે?

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 12:00:44

મુંબઈ: મહારાષ્ટ્રના શિવસેનાના સિનિયર મંત્રી એકનાથ શિંદે પાર્ટીના 20 ધારાસભ્યો સાથે ભાજપ શાસિત ગુજરાતના સુરતમાં પહોંચી જતાં રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર ફરી સંકટમાં આવી ગઈ છે. શિંદે સાથે હજુ વધુ ધારાસભ્યો જોડાશે અને બળવાખોરોની સંખ્યા કુલ 32 જેટલી હોઈ શકે છે તેવી રાજકીય અટકળો છે. બીજી તરફ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનું એક જૂથ પણ બળવો પોકારી ભાજપ સાથે જઈ શકે છે. ભાજપે  રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીઓમાં એમ ઉપરાછાપરી બે વખત આઘાડીને મરણતોલ ફટકા માર્યા હતા અને ગઈ મધરાતના વિધાન પરિષદના પરિણામોથી નક્કી થઈ ગયું હતું કે બહુમતી ધારાસભ્યોનો વિશ્વાસ આઘાડી સરકારે ગુમાવ્યો છે. 

શિવસેનાના વધુ ધારાસભ્યો, કોંગ્રેસવાળા પણ જોડાશે 

હનુમાન ચાલીસા પઠન તથા મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારવાના મુદ્દે મનસેના રાજ ઠાકરે તથા ભાજપે આક્ર્મક વલણ દેખાડ્યું અને તેની સામે ઉદ્ધવ ઠાકરેએ ઠંડુ વલણ અપનાવ્યું તેથી શિવસેનાની કોર હિંદુત્વની આઇડિયોલોજી ધરાવતા શિવસેનાના અનેક ધારાસભ્યો અને કાર્યકરો દુઃખી થયા હતા. તેમને લાગ્યું હતું કે આગામી વિધાનસભા અને તે પહેલાં પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં તેમને તેમની વફાદાર વોટબેન્કને જવાબ આપવો ભારે થઈ પડશે. બીજું કે આઘાડીમાં સીએમ શિવસેનાના છે પરંતુ મહત્વનાં તમામ ખાતાં એનસીપી પાસે હોવાથી પણ શિવસેનાના ધારાસભ્યો ભારે નાખુશ હતા. આવા 32 ધારાસભ્યોને ભાજપે ખેરવ્યા હોવાનું કહેવાય છે. 

બીજી  તરફ, કોંગ્રેસના ધારાસભ્યો માની રહ્યા છે કે શિવસેના, એનસીપી અને ભાજપના ત્રેવડા પ્રહારો વચ્ચે પક્ષનું હવે રાજ્યમાં કોઈ  ભવિષ્ય રહ્યું નથી. તાજેતરમાં પરિષદોની ચૂંટણીઓમાં કોંગ્રેસને એનસીપી અને ભાજપે માથે રહીને હરાવી, પાલિકા ચૂંટણીમાં સીમાંકનમાં કોંગ્રેસના મતવિસ્તારોમાં ફેરફારો કરી તેના લીધે કોંગ્રેસ જીતી જ ના શકે તેવા પ્રયાસો કરાયા અને કોંગ્રેસ નેતાઓની આ મુદ્દે ફરિયાદોનો કોઈ ઉકેલ ના આવ્યો તેથી કોંગ્રેસના ધારાસભ્યોને ખ્યાલ આવી ગયો કે હવે અહીં આપણું કોઈ ભવિષ્ય નથી. તેમનામાંથી કેટલાક ગમે તે ઘડીએ ભાજપ તરફ રૂખ કરી શકે. 

ચોમાસુ સત્ર સુધી રાહ નહીં જોવાય 

વિધાનસભાનું ચોમાસુ સત્ર 18મી જુલાઈએ મળવાનું છે. પરંતુ, દેખીતી રીતે જ ભાજપ ત્યાં સુધી રાહ નહીં જુએ. આજકાલમાં જ રાજ્યપાલને સરકારે બહુમતી ગુમાવી હોવાની રજૂઆત કરી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરાશે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને રાજ્ય સરકાર વચ્ચે ભારે ખટરાગ ચાલે જ છે. આથી કોશિયારી ઉદ્ધવ સરકારને કોઈ રાહત આપવાના મૂડમાં હોય તેવું શક્ય નથી. 

2019માં વિધાનસભા ચૂંટણી સાથે જ નખાયો અસ્થિરતાનો પાયો 

વિધાનસભા ચૂંટણી ભાજપ અને શિવસેના તો સામે એનસીપી અને કોંગ્રેસ યુતિ બનાવીને લડ્યાં હતાં. પરંતુ, 24મી ઓક્ટોબરે જાહેર થયેલાં પરિણામોમાં  288 સભ્યોનું સંખ્યાબળ ધરાવતાં ગૃહમાં સ્પષ્ટ બહુમતી કોઈનેય મળી ન હતી. ભાજપ 105 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠક મળી હતી. ભાજપ અને શિવસેના સાથે મળીને સરકાર રચી શકે તેમ હતાં પરંતુ શિવસેનાએ જીદ પકડી હતી કે મુખ્યપ્રધાનપદ તેને મળવું જોઈએ. અઢી અઢી વર્ષ માટે વારાફરતી મુખ્યપ્રધાનપદની શિવસેનાની માંગ ભાજપે નકારી કાઢી હતી. રાજ્યપાલે બેઠક સંખ્યા પ્રમાણે ભાજપ, શિવસેના અને એનસીપીને વારાફરતી સરકાર રચવા કહેણ મોકલ્યું હતું પરંતુ ત્રણેય સરકાર રચી ના શકતાં બંધારણીય કટોકટી સર્જાઈ હતી અને તા. 12મી નવેમ્બરે  રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. 

જોકે, એક નાટકીય ઘટનાક્રમ રૂપે 21મી નવેમ્બરે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને સરકાર રચવાનું નક્કી કર્યું હતું. તેના પછી તરત તા. 23મી નવેમ્બરની મધરાતે એનસીપીના અજિત પવારે ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતા અને વહેલી પરોઢે  ભાજપના દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી તથા અજીત પવારના નાયબ મુખ્યમંત્રી પદે શપથ આટોપી લેવાયા હતા. જોકે, વહેલી પરોઢનો આ સત્તા હાઈજેક કરવાનો ડ્રામ બહુ લાંબો ચાલ્યો ન હતો. એનસીપીના સુપ્રીમો શરદ પવારે આ પગલાંને ટેકો આપવા ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો પરંતુ એ પહેલાં અજીત પરદેશી ઘર આયા પરદેશીની સ્ટાઈલથી પાછા આવી જતાં છેવટે એ સરકાર અલ્પજીવી નીવડી હતી. બાદમાં તા. 28મી નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેએ એનસીપી, શિવસેના અને કોંગ્રેસની સંયુક્ત સરકારના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. 

આઘાડીમાં અસંતોષ પણ ભાજપનું ઓપરેશન લોટસ સતત નિષ્ફળ

ભાજપે કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં કોંગ્રેસ તથા અન્ય પક્ષોના બળવાખોરોને સાધીને સત્તા મેળવવાનો સફળ પ્રયોગ કર્યો હતો. મહારાષ્ટ્રમાં પણ એકથી વધુ વખત ઓપરેશન લોટસ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ દર વખતે ભાજપના હાથ ટૂંકા પડ્યા હતા. જોકે, તેનો મતલબ એ ન હતો કે આઘાડીમાં બધું સમુસુતરું ચાલતું હતું. મંત્રીઓની પસંદગી, ખાતાંની ફાળવણી, મંત્રીઓ દ્વારા અન્ય ઘટકોના ધારાસભ્યોના કામોની ઉપેક્ષા વગેરેને કારણે ધૂંધવાટ પ્રવર્તતો હતો. જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કેટલાંય સ્થળે ભાજપ અને એનસીપીએ સંપી જઈને શિવસેના તથા કોંગ્રેસને હરાવ્યાના દાખલા બન્યા હતા. આઘાડીના નેતાઓ શરદ પવાર, અજીત પવાર, ઉદ્ધવ ઠાકરે, નાના સાહેબ પટોળે એકતાનો દેખાવ કરતા હતા પરંતુ નીચલા સ્તરે કાર્યકરોમાં વૈમનસ્ય યથાવત હતું. નજીક આવેલી પાલિકા ચૂંટણીઓએ આ ખટરાગમાં વધારે ઉમેરો કર્યો હતો. આ બધા સંજોગો વચ્ચે ભાજપે પોતાની જાળ બિછાવવાની ચાલુ રાખી હતી. 

રાજ્યસભા અને વિધાનપરિષદમાં ફટકો 

10મી જુને રાજ્યસભાની છ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. આમ તો સંખ્યાબળ પ્રમણે ભાજપને બે જ બેઠક મળે તેમ હતી. પરંતું તેણે ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા અને અપક્ષો તથા અન્ય પક્ષોના ટેકાથી તેમને જીતાડવામાં સફળતા મેળવી. આઘાડી માટે આ પહેલો મોટો ફટકો હતો. સામાન્ય રીતે અપક્ષો તથા નાના પક્ષો રાજ્યમાં સત્તા હોય એની સાથે રહેતા હોય છે. પરંતુ અહીં તેઓ વિમુખ થયા તેનો મતલબ એ કે આવનારા રાજકીય તોફાનથી તેઓ વાકેફ હતા. 

એ પછી 20મી જુને વિધાન પરિષદમાં આઘાડીને બીજો મરણતોલ ઘા વાગ્યો. આ વખતે ગુપ્ત મતદાન હોવાથી ધારાસભ્યો માટે ક્રોસ વોટિંગ કરવું સરળ હતું. કુલ 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાનમાં હતા. ભાજપ પોતાના સંખ્યાબળના આધારે ચાર જ બેઠક મેળવી શકે તેમ હતું. પરંતુ ભાજપે અપક્ષો, અન્ય પક્ષો ઉપરાંત શિવસેના અને કોંગ્રેસમા મોટાપાયે ક્રોસ વોટિંગ કરાવી પાંચ બેઠક મેળવી લીધી હતી. આ પરિણામ પછી માજી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તરત હુંકાર કર્યો હતો કે આ પરિણામ અનુસાર અમારી 134 ધારાસભ્યોનું સમર્થન છે. હવે 10 મળે એટલી જ વાર છે. 

રાજ્યસભા -વિધાનપરિષદની સોદાબાજી પડી ભાંગી હતી 

એક તબક્કે ભાજપ અને શિવસેના રાજ્યસભા અને વિધાન પરિષદ માટે સોદાબાજી કરવા ભેગાં પણ થયાં હતાં. બંને પક્ષોનો વરિષ્ઠ નેતાઓની સત્તાવાર મંત્રણા થઈ હતી. જેમાં ભાજપને રાજ્યસભાની એક બેઠક જીતવા દેવાય અને તેની સામે પરિષદમાં આઘાડી માટે ભાજપ બેઠક જતી કરે તેવી ફોર્મ્યૂલા વિચારાઈ હતી. પરંતુ, તેનો કોઈ નિવેડો ના આવ્યો અને છેવટે તેમાંથી સત્તા પરિવર્તનના સંજોગો ઊભા થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post