• Home
  • News
  • અમદાવાદમાં રાજસ્થાનીઓ હોળી-ધુળેટીની ઉજવણી માટે વતન દોડ્યા, મોડી રાતે 500થી વધુની ભીડ ઊમટી
post

9 વાગ્યા બાદ પણ શાહીબાગમાં મોટી સંખ્યામાં લોકો બસની રાહ જોઈ રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-24 11:31:17

રાજ્યમાં હાલમાં કોરોના મહામારીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જેન ધ્યાનમાં લઈને સરકારે ધુળેટી રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારના આ નિર્ણયથી વેપારીઓ તેમજ ધુળેટી રમવાના રસિયાઓ નિરાશ થયા છે. બીજી તરફ, અમદાવાદમાં રહેતા રાજસ્થાનના રહેવાસીઓ માટે આ તહેવાર ખૂબ જ મહત્ત્વનો છે. અમદાવાદમાં ધુળેટી પર પ્રતિબંધ હોવાથી હવે તેઓ પોતાના વતન જવા માટે રવાના થયા છે, જેને લઈને ગઈકાલે શાહીબાગ વિસ્તારમાં લોકોની મોટી ભીડ જામી હતી. લોકોએ એડવાન્સમાં વધારે પૈસા આપીને બસ-ટિકિટો બુક કરાવી દીધી હતી, સાથે જ રાત્રિ કર્ફ્યૂ હોવા છતાં 500થી વધુ સંખ્યામાં લોકો એકઠા થતાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો.

શહેરમાં સૌથી વધુ રાજસ્થાની લોકો શાહીબાગ વિસ્તારમાં રહે છે અને મોટા ભાગના લોકો ખાનગી બસમાં રાજસ્થાન જવાનું પસંદ કરતા હોય છે. શહેરના શાહીબાગના નમસ્તે સર્કલ આગળ રાત્રિના સમયે રાજસ્થાન જનારા લોકોની ભીડ જોઈને લાગે કે કોઈ મેળો ભરાયો છે. મોટી સંખ્યામાં લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધું હતું, સાથે કેટલાક લોકો તો બુકિંગ ન કરાયું હોવાથી તેમને નોન-એસી બસના 700ને બદલે 900 ચૂકવવા પડ્યા હતા, સાથે એસી બસમાં પણ તેમણે 1200થી 1500 જેટલું ભાડું ચૂક્વ્યું હતું.

2-3 લોકો સિવાય કોઈએ કોરોના ટેસ્ટ ન કરાવ્યો
નમસ્તે સર્કલની આજુબાજુ લગભગ 30થી વધુ ટ્રાવેલ્સ બસની લાંબી કતાર લાગી હતી, સાથે રાજસ્થાન ગવર્નમેન્ટે પણ કોઈપણ રાજ્યમાંથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત લઈને આવવા સૂચન કર્યું હતું .જોકે માત્ર 2-3 લોકો સિવાય કોઈએ કોરોના ટેસ્ટ કરાવ્યો ન હતો. તેમણે જણાવ્યું હતું કે ટેસ્ટ બોર્ડર પર કરાવીશું, અહીં કરાવીએ ને પોઝિટિવ આવે તો રાજસ્થાન જઈ ન શકાય.

પોલીસ પહોંચી, પણ કઈ કરી ન શકી
મહત્ત્વનું છે કે લોકો કર્ફ્યૂ બાદ પણ 9:30 વાગ્યા સુધી બસની રાહ જોઈને ઊભા રહ્યા હતા, સાથે કેટલીક ટ્રાવેલ્સની બસ અને એમની ઓફિસ પણ 9;30 વાગ્યે ચાલુ જોવા મળી હતી. જોકે પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી, પરંતુ 500થી વધારે લોકો અને 20 જેટલી બસને જોઈ તેઓ પણ મૂકપ્રેક્ષક બન્યા હતા. મહત્ત્વની વાત છે કે આ રીતે જ લોકોની ભીડ એકઠી થશે તો કઈ રીતે કોરોનાને ફેલાતો રોકી શકાશે? લોકો માસ્ક વગર બિનધાસ્ત ટોળું વળીને બસની રાહ જોઈ રહ્યા હતા.

રાજસ્થાનીઓનો સૌથી મોટો તહેવાર છે હોળી-ધુળેટી
સમગ્ર દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે, જેને લઈને લોકોમાં ક્યાંય ને ક્યાંય ભયનો માહોલ જોવા મળે છે. આ વખતે કેટલાંક રાજ્યમાં હોળી-ધુળેટીના પર્વની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. ગુજરાત રાજ્યમાં પણ લોકોને હોળી-ધુળેટીની સાદાઈથી અને મર્યાદિત લોકો સાથે ઊજવવા માટે જણાવાયું છે. જોકે રાજ્યનાં કેટલાંક ગામોમાં હોળી-ધુળેટીના દિવસે મેળો પણ યોજાય છે. અમદાવાદ શહેરમાં પણ લોકો પાર્ટી પ્લોટમાં, શેરીઓ અને પોળમાં ભેગા મળીને હોળી મનાવતા હોય છે, પણ આ વખતે હોળી-ધુળેટીની મજા શહેરીજનો માટે ફિક્કી રહેશે, કારણ કે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં રહેતા રાજસ્થાનના લોકો માટે આ તહેવારનું ઘણું મહત્ત્વ હોય છે. તેઓ વર્ષમાં એક જ વાર ધામધૂમથી આ તહેવાર તેમના વતનમાં જઈને ઊજવતા હોય છે.

3 દિવસ અગાઉથી રાજસ્થાન જવા માટે નીકળી પડ્યા
કોરોના મહામારી વચ્ચે પણ તહેવાર પ્રત્યેનો લોકોનો ઉત્સાહ ઘટ્યો નથી. તેઓ 2-3 દિવસ અગાઉથી રાજસ્થાન જવા માટે નીકળી પડ્યા છે, પરંતુ જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને પગલે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે, સાથે કેટલાક આકરા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે, જેથી લોકોને ડર છે કે જો લોકડાઉન થઈ જાય તો તેઓ રાજસ્થાન કઈ રીતે જઇ શકશે. એ માટે લોકો અત્યારથી જ રાજસ્થાન જવા માટે નીકળી રહ્યા છે.

સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરીશું: મુસાફર
હોળી-ધુળેટી તહેવારની ઉજવણી કરવા રાજસ્થાન જતા રાકેશ અગ્રવાલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના હજી પણ છે, લોકોએ સાવચેતી રાખવી પડશે. અમારા માટે આ પર્વ ખૂબ જ મહત્ત્વનું છે, એટલે અમે તમામ તકેદારી રાખીશું. સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરીશું, સાથે રાજસ્થાનમાં પ્રવેશ પહેલાં RTPCR ટેસ્ટ આવશ્યક છે, અમે ત્યાં બોર્ડર પર કરાવીશું અને ત્યાંની સરકારના આદેશ અનુસાર, હોળી-ધુળેટીની ઉજવણી કરીશું. અમને આનંદ છે કે ઘણા લાંબા સમય બાદ અમે આ તહેવારની ધૂમધામથી ઉજવણી કરીશું...

 

adv

Related News

post
post
post
post
post
post
post