• Home
  • News
  • રાજકોટમાં રાત્રે લાઇટ જતા દીવો કરવા શીશામાં પેટ્રોલ જોવા દીવાસળી ચાંપી ને ઝૂંપડામાં ભીષણ આગ લાગી, 1 વર્ષની બાળકી ભડથું, 2ની હાલત ગંભીર
post

બે ફાઇર ફાઇટરે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-14 10:56:31

રાજકોટ: કુવાડવા પોલીસ સ્ટેશનની પાસે સોમવારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ ભભૂકી ઊઠતાં એક, આઠ અને દસ વર્ષની ત્રણ બાળકી સહિત 5 વ્યક્તિ દાઝી જતાં તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં એક વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેમજ હજી એક બાળકી અને એક યુવતીની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝૂંપડામાં લાઈટ ન હોવાથી પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જોવા દીવાસળી ચાંપતા ઝૂંપડુ ભડભડ સળગ્યું હતું.

કુવાડવા પોલીસ સ્ટેશન પાછળ જ ઝૂંપડામાં આગ લાગી હતી
પોલીસનાં સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક ઝૂંપડામાં આગ લાગતાં પૂરી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉં.વ.10), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉં.વ.25), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.8), રૂપા સુનીલભાઈ સોલંકી (ઉં.વ.26) અને બે બાળક દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ પૂરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિગંભીર છે.

કડકડતી ઠંડીમાં પરિવારનો આશરો છીનવાયો
જોકે આ ઘટનામાં એક દીકરી બચી ગઈ હતી. બનાવની જાણ થતાં તરત જ 108 અને ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં આખું ઝૂંપડું બળીને ખાખ થઇ ગયું હતું. કડકડતી ઠંડીમાં ઝૂંપડાનો આશરો પણ છીનવાઈ જતાં આ ગરીબ પરિવાર માટે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આટલું પણ ઓછું હોય તેમ સારવાર દરમિયાન 1 વર્ષની પૂરીબેનનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

દીવો કરવા શીશામાં પેટ્રોલ જોવા દીવાસળી સળગાવી ને ભડકો થયોઃ પરિવારજન
પરિવારના એક સભ્ય સુનિલે જણાવ્યું હતું કે, લાઇટ જતી રહી હતી આથી દીવો કરવા માટે બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું, શીશામાં પેટ્રોલ જોવા માટે દીવાસળી સળગાવી તો ભડકો થયો અને આગ આખા ઝૂંપડામાં પ્રસરી ગઇ હતી. બાદમાં બધા આગની ઝપેટમાં આવી ગયા હતા.

એક જ તબીબ હોવાથી દર્દી કણસતા રહ્યા
સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં માત્ર એક જ ઈન્ટરની ડોક્ટર હોવાથી સારવારમાં અડચણો આવી હતી. પાંચ બાળક અને બે મહિલા દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં આવતાં તેમની તાકીદે સારવાર કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી, પરંતુ દર્દી સાત હતા અને ડોક્ટર એક જ હોવાથી એક વર્ષની બાળકી સહિતના દર્દીઓને સારવાર માટે રાહ જોવી પડી હતી. ત્યાર બાદ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને અન્ય ડોક્ટરને બોલાવવાની ફરજ પડી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post