• Home
  • News
  • ચીનના વન-બેલ્ટ-વન-રોડના જવાબમાં, ભારતની વન-સન-વન-વર્લ્ડ-વન-ગ્રીડ પહેલ, 6 જુલાઈ સુધીમાં ટેન્ડર માંગ્યા
post

વૈશ્વિક ઇલેક્ટ્રિસિટી ગ્રીડ બનાવવાના આ પ્રોજેક્ટમાં વર્લ્ડ બેંક ટેક્નિકલ મદદ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 08:49:07

નવી દિલ્હી: ગુરુવારે કેન્દ્રની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારે વૈશ્વિક ઇલેક્ટ્રિસિટી ગ્રીડ બનાવવાના ઉદ્દેશથી વન-સન-વન વર્લ્ડ-વન ગ્રીડ (OSOWOG) બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ગુરુવારે સરકારે ટેન્ડર માટે લેટર બહાર પાડ્યો હતો. આ પ્રોજેક્ટને અમેરિકાના પેરિસ ક્લાઇમેટ ડીલમાંથી ખસી જવાના અને ચીનની વન-બેલ્ટ-વન રોડ (OBOR)ની પહેલના પ્રતિસાદના રૂપમાં પણ જોવાઈ રહી છે. ચીનની OBOR પહેલના ભાગરૂપે, એશિયા, આફ્રિકા અને યુરોપમાં રેલ્વે, બંદરો અને પાવર ગ્રીડ જેવા માળખાગત પ્રોજેક્ટ્સમાં રોકાણ થવાનું છે.

ટેન્ડર ફોર્મ બે ભાગમાં વહેંચાયેલું છે
રિપોર્ટ અનુસાર, OSOWOG માટે જારી કરાયેલ ટેન્ડર ફોર્મ ટેક્નિકલ અને નાણાકીય એમ બે ભાગમાં વહેંચાયેલું છે. ટેન્ડર ફોર્મમાં, OSOWOGના લોંગ ટર્મ વિઝન, યોજના ઘડવાની, રોડમેપ તૈયાર કરવા અને સંસ્થાકીય માળખા માટે સલાહકારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે.

5 જૂને પ્રી-બિડ બેઠક યોજાશે
કોરોના વાયરસથી ભારતને વૈશ્વિક વ્યૂહરચનામાં મોટી હિસ્સેદારીનો મોકો મળ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ભારતે OSOWOG માટે ટેન્ડર મંગાવ્યા છે. લાઇવ મિન્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજના માટે ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય (MNRE)માં 5 જૂને પ્રી-બિડ બેઠક બોલાવવામાં આવી છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે તે વિશ્વના કોઈપણ દેશ દ્વારા શરૂ કરવામાં આવેલી સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાની એક છે અને આર્થિક નફાની વહેંચણીના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે મહત્વની યોજના છે.

આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સને પણ ફાયદો થશે
ગ્લોબલ ગ્રીડની યોજનાથી ભારત દ્વારા સહ-સ્થાપિત ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)ને પણ ફાયદો થશે. ISAમાં ભારત સહિત 67 દેશો શામેલ છે. તે ક્લાઈમેટ ચેન્જ અંગેનું ભારતનું કોલિંગ કાર્ડ છે અને વિદેશ નીતિના સાધન તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌર ઉર્જા સાથે તમામ દેશોને જોડવાની અપીલ કરી હતી.

સોલર ગ્રીડને બે ઝોનમાં વહેંચવામાં આવશે
ટેન્ડર ફોર્મ મુજબ આ સોલર ગ્રીડને બે ઝોનમાં વહેંચવામાં આવશે. પૂર્વ ઝોનમાં મ્યાનમાર, વિયેટનામ, થાઇલેન્ડ, લાઓ, કંબોડિયા જેવા દેશોનો સમાવેશ કરવામાં આવશે. પશ્ચિમ ઝોન મધ્ય પૂર્વ અને આફ્રિકા ક્ષેત્રના દેશોને આવરી લેશે. વર્લ્ડ બેંક આ પ્રોજેક્ટમાં ટેક્નિકલ મદદ કરશે અને 6 જુલાઇ સુધીમાં ટેન્ડર રજૂ કરી શકાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post