• Home
  • News
  • રૂપાલની પલ્લીમાં રૂ. 20 કરોડથી વધુનાં 4 લાખ કિલો ઘીનો ચઢાવો
post

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં આ વખતે અંદાજે 20 કરોડનું ચાર લાખ કિલો ઘી ધરાવાયું હોવાનું મંદિરના પૂજારી અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-08 14:34:55

ગાંધીનગર-ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં આ વખતે અંદાજે 20 કરોડનું ચાર લાખ કિલો ઘી ધરાવાયું હોવાનું મંદિરના પૂજારી અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આ પલ્લીમાં 10 લાખથી વધુ લોકોએ ઘીનો અભિષેક કર્યો હોવાનો અંદાજ છે.

આસો સુદ 9ની રાતે એટલે કે 7 ઓક્ટોબરની રાતે રૂપાલની પલ્લીનો મેળો યોજાયો હતો, જેમાં ભાવિકોનો મહેરામણ ઊમટી પડ્યો હતો. મંદિરના પૂજારીએ જણાવ્યું કે, વરદાયિની માતાના જયઘોષની સાથે શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો, જેને કારણે ગામની શેરીઓમાં જાણે ઘીની નદીઓ વહેતી થઈ હતી. આ પલ્લીમાં 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થઈ હતી. તે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડાં અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી હતી. બીજી તરફ મંદિરમાં માતાજીનાં કીમતી આભૂષણોની સુરક્ષા માટે મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે પલ્લીના માર્ગ પર વિવિધ સ્થળે 15 સીસીટીવી કેમેરા લગાવાયા છે.

મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને ગાંધીનગરના પ્રાંત અધિકારી જે. એમ. ભોરાણિયાએ જણાવ્યું કે, ઉત્સવ દરમિયાન 7 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર છેે. દર્શનાર્થીઓની સલામતી જળવાઈ રહે તે માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 500 જવાન તથા 200 હોમગાર્ડ તહેનાત છે.

ડુપ્લિકેટ ઘીનું વેચાણ ન થાય તેની તકેદારી રાખવા માટે ફૂડ અને ડ્રગ્ઝ કન્ટ્રોલની ટીમો હાજર રહી છે. પ્રસંગમાં ઘીનો અભિષેક થતો હોવાથી ફાયરબ્રિગેડના જવાનો પલ્લી સાથે ફરતા રહ્યા. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તે માટે 4 મેડિકલ ટીમ એમ્બુલન્સની સાથે યુજીવીસીએલની ટીમો પણ હાજર રહી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post