• Home
  • News
  • કોરોના દેશમાં:24 કલાકમાં 81,398 નવા દર્દી મળ્યા, જે છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ; સતત બીજા દિવસે 450થી વધુ લોકોનાં મૃત્યુ
post

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.23 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-02 09:38:11

દેશમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગુરુવારે, 81,398 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, 50,384 દર્દી સ્વસ્થ થયા અને 468 લોકોનાં મોત નીપજ્યાં. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર હેઠળ છે તેવા દર્દીઓની સંખ્યામાં એક જ દિવસમાં 30,543નો વધારો થયો છે.

ગુરુવારે નવા કેસની સંખ્યા 1 ઓક્ટોબર બાદ સૌથી વધુ હતી. ત્યારે 81,785 કેસ આવ્યા હતા. મૃત્યુઆંક પણ 450ને પાર કરી ગયો. આના એક દિવસ પહેલાં 458 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.23 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.15 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.63 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે એક્ટિવ કેસ વધીને 6.10 લાખ થઈ ગયા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

·         રશિયન કોરોના વેક્સિન સ્પુતનિક-વીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે વધુ સમય રાહ જોવી પડશે. ગુરુવારે સબજેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)ની બેઠકમાં ડોકટર રેડ્ડી પાસે વધુ ડેટાની માગ કરવામાં આવી હતી. ડો.રેડ્ડીઝે ભારતમાં તેની બે તબક્કાની ટ્રાયલ પૂર્ણ કરી ચૂક્યું છે. કંપની હાલમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ પર કામ કરી રહી છે.

·         અભિનેતા રણબીર કપૂર બાદ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કોરોના પોઝિટિવ થઈ છે. માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકર, આમિર ખાન, કાર્તિક આર્યન, વિક્રાંત મેસી, મનોજ બાજપેયી, બપ્પી લહરી, તારા સુતરિયા બાદ બિગ બોસ ફેમ એક્ટ્રેસ મોનાલિસાનાં નામ કોરોના સંક્રમિત સેલિબ્રિટીમાં સામેલ થઈ ગયાં છે.

·         કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતાં રેલવેએ અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસને 2 એપ્રિલથી 2 મે સુધી રદ કરી દીધી છે.

·         દેશમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે એપ્રિલમાં દરરોજ વેક્સિનેશન કરવા માટે સૂચના આપી છે. કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે સરકારી રજાના દિવસે પણ સરકારી અને ખાનગી કેન્દ્રો પર લોકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવે.

6 મુખ્ય રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર: નવા કેસનો આંક 40,000ને પાર
ગુરુવારે, 43,183 નવા દર્દી મળી આવ્યા. 32,641 દર્દી સાજા થયા અને 249 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 28.56 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાંથી 24.33 લાખ લોકો સાજા થયા, જ્યારે 54,898 લોકો મૃત્યુ પામ્યા. હાલમાં અહીં 3.66 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ : 6 દિવસ બાદ નવા કેસ 3000ને પાર
અહીં ગુરુવારે 3,161 નવા દર્દી મળી આવ્યા. 2,291 સાજા થયા, જ્યારે 58 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.42 લાખ લોકોને સંક્રમણથી અસર થઈ છે, તેમાંથી 2.11 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,926 લોકોનાં મૃત્યુ થયાં છે, હાલમાં 24,644 લોકો સારવાર લઈ રહ્યા છે.

3. ગુજરાત : એક્ટિવ કેસનો આંક 13,000ની નજીક
ગુરુવારે, 2,410 નવા કોરોના દર્દી મળી આવ્યા હતા, 2,015 દર્દીઓ સાજા થયા, જ્યારે 9 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 8.88 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાંથી 2.92 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,528 દર્દી મૃત્યુ પામ્યા છે અને હાલમાં 12,996 લોકો સારવાર લઈ રહ્યા છે.

4. મધ્યપ્રદેશ: એક્ટિવ કેસ 18 હજારને પાર
ગુરુવારે અહીં 2,546 નવા દર્દી મળી આવ્યા હતા, 1,573 લોકો સાજા થયા, જ્યારે 12 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 2.98 લાખ લોકો આ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 2.76 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 3,998 મૃત્યુ પામ્યા છે. હાલમાં 18,057 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. દિલ્હી: નવા કેસ 3,000ની નજીક છે
ગુરુવારે અહીં 2,790 નવા કેસ આવ્યા હતા. 1,121 દર્દી સાજા થયા અને 9 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 6.65 લાખ લોકો કોરોના સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, 6.43 લાખ લોકો સાજા થયા છે અને 11,036 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 10,498 લોકોની સારવાર ચાલી રહી છે.

6. રાજસ્થાન: એક્ટિવ કેસના આંકડો 9,000ને પાર
​​​​​​​ગુરુવારે અહીં 1,350 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, 446 દર્દી સાજા થયા અને 4 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 3.34 લાખ દર્દીઓ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 3.22 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,822 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 9,563 દર્દી સારવાર લઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post