• Home
  • News
  • મહિલા T-20માં 4 બોલમાં 4 વિકેટ લેનારી જર્મનીની કેપ્ટન અનુરાધા સાયન્ટિસ્ટ પણ છે
post

જર્મન ટીમની 80% ખેલાડી સ્કોલર કે ફૂલ ટાઈમ જોબ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 12:18:29

જર્મન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અનુરાધા ડોડ્ડાબલ્લાપુર મહિલા ટી20માં 4 બોલમાં 4 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ ખેલાડી છે. 14 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 15મી ઓવરમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. કર્ણાટક માટે રમી ચૂકેલી અનુરાધા કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્ટિસ્ટ છે. આ અંગે તેણે કહ્યું કે, સાયન્સ અને ક્રિકેટમાં સંતુલન જાળવી રાખવું અત્યંત મુશ્કેલ છે, પરંતુ તેણે ક્યારેય સમાધાન કર્યું નથી. પુરુષ ટી20 ઈન્ટરનેશનલમાં લસિથ મલિંગા અને રાશિદ ખાને પણ 4 બોલમાં 4 વિકેટ લીધી છે. મીડિયમ પેસર અનુરાધાએ એ ઓવરમાં સ્પિન બોલિંગ કરી હતી.

મૂળ બેંગલુરુના બાસાવાનાગુડીની અનુરાધાના પિતાને ટેસ્ટ ક્રિકેટનો ઘણો શોખ હતો. અનુરાધાને સચિન તેંડુલકરની બેટિંગ ખૂબ ગમતી હતી. તે એલન ડોનાલ્ડની બોલિંગ એક્શનની પણ ફેન હતીં. મિત્રની સલાહ પર તેણે 12 વર્ષની વયે કર્ણાટક વીમેન પ્લેયર્સ દ્વારા આયોજિત ટ્રેનિંગ ગ્રૂપમાં ભાગ લીધો. ટ્રેનિંગ પૂર્વ ભારતીય કેપ્ટન શાંતા રંગાસ્વામી અને બેટ્સમેન વેંકટચરની દેખરેખમાં થઈ. ત્યાર પછી તે રાજ્યની અંડર-16 અને અંડર-19 ટીમમાં સામેલ થઈ. સાઉથ ઝોન અને કર્ણાટક સીનિયર ટીમ માટે પણ રમી.

જર્મનીમાં પુરુષ ટીમ તરફથી પણ રમી છે, મહિલા ક્લબ શરૂ કરી
અનુરાધાએ 2008માં ન્યૂકેસલ યુનિવર્સિટીમાંથી મેડિકલ જીનેટિક્સમાં માસ્ટર્સ કરવા માટે ક્રિકેટ છોડીને યુકે જવાનો નિર્ણય લીધો. જોકે, ત્યાં પહોંચીને પણ ક્રિકેટનો પ્રેમ જાળવી રાખ્યો. ત્યાં પણ ક્રિકેટ સાથે જોડાયેલી રહી. પછી પીએચડી કરવા 2011માં ફ્રેન્કફર્ટ(જર્મની) આવી. અહીં, મહિલા ટીમ ન હતી, તો પુરુષ ટીમ સાથે રમી. જર્મનીમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો. તે શહેરની ઈવેન્ટમાં રમતને પ્રમોટ કરવા લાગી. તેણે યુનિવર્સિટીમાં પેમ્ફલેટ પણ લગાવડાવ્યા. જેના પર લખ્યું હતું, ‘અમે વીમેન ક્રિકેટ ટીમ શરૂ કરવા માગીએ છીએ. જો તમે રમત જાણતા નથી તો કોઈ વાત નહીં, આવો અને પ્રયત્ન કરો’. 2013માં ટી20 યુરોપિયન ટૂર્નામેન્ટમાં તેને જર્મની માટે રમવાની તક મળી. 2014-15માં અન્ય ખેલાડીઓ સાથે મળીને અનુરાધાએ એફસીસી વીમેન ક્લબની શરૂઆત કરી. 2017માં તેને જર્મનીની કેપ્ટનશિપ મળી.

જર્મનીની ટીમમાં કોઈ પીએચડી હોલ્ડર, તો કોઈ 6 વર્ષના બાળકની માતા
જર્મન ક્રિકેટ ટીમની 80% ખેલાડી સ્કોલર છે કે પછી ફુલ ટાઈમ જોબ કરે છે. જર્મની માટે પ્રથમ હેટ્રિક લેનારી એની બિરવિસ્ક ટોક્સિકોલોજીમાં પીએચડી છે. પેરિસ વડેનપોહલ 6 વર્ષના બાળકની માતા છે. તેની સાથે જ બાલવાડી ટીચરનો કોર્સ કરી રહી છે. બાળકના જન્મ માટે તેણે ક્રિકેટમાંથી બે વર્ષનો બ્રેક લીધો હતો. અનુરાધાની પ્રશંસામાં બિએર્વિસ્ચે કહ્યું કે, ‘અમારી કેપ્ટન ઘણી અનુભવી છે. ક્રિકેટની સાથે તે જીવન સાથે જોડાયેલાં મુદ્દા પર પણ સલાહ આપવા તૈયાર રહે છે’.

 

adv

Related News

post
post
post
post
post
post
post