• Home
  • News
  • 'વિરાટ' સફર:INS વિરાટને આન-બાન-શાન સાથે અંતિમ વિદાય આપવામાં આવી, 56 વર્ષ સુધી યુદ્ધ જહાજ તરીકે સેવા આપી હતી
post

હવે ઐતિહાસિક જહાજના અસ્તિત્વનો અંત આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-29 09:54:03

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ, 'ગ્રેટ ઓલ્ડ લેડી'ના નામથી ઓળખાતું અને સમુદ્ર પર રાજ કરી ચૂકેલું વિરાટ આજે અલંગની જમીન પર આવી પહોંચ્યું છે. જહાજને આજે મોટી ભરતીમાં અલંગ ખાતે આવેલા પ્લોટ નં.9માં બપોરે બીચિંગ કરાયું હતું. થેન્ક્યૂ INS વિરાટ અંતર્ગત અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં શ્રી રામ ગ્રુપના પ્લોટ નંબર 9 પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, બાવકુભાઈ ઉઘાડ, અલંગ વિકાસ સતા મંડળના ચેરમેન ગીરીશભાઈ શાહ, નેવીના અધિકારી, શિપ ઓનર મુકેશ પટેલ, કલેક્ટર સહિતના મહાનુભવો ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું
ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ જેણે 56 વર્ષ સૌથી લાંબો સમય યુદ્ધ જહાજ તરીકે સેવા આપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. તે INS વિરાટ ભાવનગરના અલંગ એન્કર પોઈન્ટ પર ભંગાણ (ડિસ્મેન્ટલ) થવા માટે આવ્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા 30 વર્ષ સુધી આઇએનએસ વિરાટની સેવા લેવામાં આવી હતી. INS વિરાટે યુ.કેમાં 26 વર્ષ અને ભારતમાં 30 વર્ષ એટલે કે 56 વર્ષ સુધી સેવા આપેલી. ત્રણ દાયકા સુધી INS વિરાટે સમુદ્ર પર રાજ કર્યું હતું અને વિરાટ દેશની શાન હતું. જેને 6ઠ્ઠી માર્ચ, 2017 સેવા નિવૃત્ત કરવામાં આવ્યું.

જહાજ બીચ થયા બાદ વાયરો મોકલી બાંધી દેવામાં આવ્યા
અત્યારે INS વિરાટ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 પહોચી ગયું છે. ટગ દ્વારા જહાજને ધીમે ધીમે ખેંચીને નજીક લાવવાની કામગીરી કરાઈ હતી. જહાજના બીચિંગ પ્રક્રિયા સાથે સંકળાયેલા શિપ બીચિંગ નિષ્ણાત પૂર્વજિતસિંહ સરવૈયાના જણાવ્યા પ્રમાણે, એન્કરેજ પોઇન્ટ પરથી ટગ સિંહ ચિતા દ્વારા INS વિરાટને ખેંચીને પ્લોટ તરફ લાવવામાં આવ્યું હતું. બપોરે જહાજ બીચ થયા ગયા બાદ કિનારેથી વાયરો મોકલી અને જહાજને બાંધી દેવામાં આવ્યું છે.

કારગીલ વખતે મહત્વની ભૂમિકા ભજવી હતી
અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં આવેલી શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓનલાઇન ઓક્શનમાં રૂપિયા 38.54 કરોડની કિંમતે આઇએનએસ વિરાટની ખરીદી કરવામાં આવી હતી. મુંબઇથી ટગની સાથે બાંધીને તેને અંલગ એંકર પોઈંટ પર લાવવામાં આવ્યું હતું. 18 હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. શ્રીલંકા હોય, સંસદ પરનો હુમલો હોય કે કારગીલ હોય તે સમયે INS વિરાટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

મંત્રીઓ હેલિકોપ્ટરથી શિપ પર પહોંચ્યા
INS
વિરાટ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9માં બીચિંગ થઈ ગયા બાદ અલંગમાં બનાવવામાં આવેલા હેલિપેડ ખાતેથી તમામ મંત્રીઓ જહાજ પર હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા. અને જહાજના ડેક પરથી નિરીક્ષણ કર્યું હતું.

યુદ્ધ જહાજ વિરાટ અલંગ શૈય્યા પર, હવે નામશેષ થશે
વિરાટ જહાજના અંતિમ ખરીદનાર શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે આ જહાજ ફક્ત જહાજ નથી, પરંતુ સમગ્ર દેશની સંવેદના તેની સાથે જોડાયેલી છે. વિરાટે પોતાના કાર્યકાળ દરમિયાન ભારતીય નૌસેનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. વિરાટ જહાજનો સ્ક્રેપ લેવા માટે દેશની અગ્રણી બે સ્કૂટર કંપનીઓ દ્વારા વાટાઘાટો કરવામાં આવી રહી છે. બીચિંગ માસ્ટર પૂર્વજિતસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, જહાજને બીચિંગ કરાવવા માટે કોઈ ખાસ પ્રયત્નની જરૂર પડી ન હતી છતાં તમામ તકેદારી રાખવામાં આવી હતી. આમ, હવે INS વિરાટ અલંગની શૈય્યા પર નામશેષ થવા જઈ રહ્યું છે.


INS વિરાટની વિગતો

·         227.33 મીટર (743 ફૂટ) લંબાઈ.

·         46.5 મીટર (160 ફૂટ) પહોળાઈ.

·         52.73 મીટર ઊંચાઈ.

·         19300 મે.ટન એલડીટી વજન.

·         28 નોટ દરિયાઈ (52 કિલોમીટર પ્રતિ કલાક)ની સ્પીડ.

·         મહત્તમ ક્રૂ 2100.

·         1207 જહાજના ક્રૂ અને 143 એરક્રાફ્ટ ક્રૂ સામેલ હતા.

·         કમ્પાર્ટમેન્ટ 1236, 13 ડેક.

·         5,90,113 દરિયાઈ નોટિકલ માઇલની મુસાફરી કરી.

·         22,622 કલાક ફ્લાઇંગ ઓપરેશન.

·         ફાઇટર એરક્રાફ્ટ.

·         સી-હેરિયર.

·         હેલિકોપ્ટર.

·         સી-કિંગ, 42 બીસી, ચેતક, કામોવ 31, એએલએચ.

·         સંસ્કૃતમાં લોગો "જળમેવ યસ્ય બલ મેવ તસ્ય' વિરાટ માટે ઘણું કહી જાય.

વિરાટ માટે લગભગ 12 કરોડના વેરા ભર્યા હતા
આઇએનએસ વિરાટની પહોળાઇ 49 મીટર અને લંબાઇ 225 મીટર છે. આઇએનએસ વિરાટે અલંગ ખાતે ભંગાણ માટે આવનારું નૌકાદળનું સૌથી મોટું જહાજ છે. અગાઉ યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડના યુદ્ધ જહાજનું પણ અલંગ ખાતે ભંગાણ કરાયું છે. શ્રીરામ ગ્રુપે 38.54 કરોડમાં ખરીદી કરી હતી. ત્યારબાદ અલંગ એન્કર પોઇન્ટ પર કસ્ટમ, જીપીસીબી દ્રારા બોર્ડિંગ કરવામાં આવેલ કસ્ટમ, એસજીએસટી, આઈજીએસટી સહિત અંદાજે 12 કરોડ વેરાના ભરવામાં આવ્યા હતા. આજે સવારથી લોકોમાં તાલાવેલી હતી કે વિરાટ જમીન પર આવશે તો 8થી 10 નોટીકલ માઈલ દૂર ઉભેલા INS વિરાટને સવારના 10 વાગ્યા બાદ ટગ સાથે બાંધીને ધીમી ગતિએ પ્લાન્ટ નંબર 9 તરફ લાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને 4થી 5 નોટીકલ માઈલ દૂર રાખવામાં આવેલા દરિયાથી અલંગ શિપ બ્રેકીંગ યાર્ડના પ્લોટ નંબર 9 સુધી 31 ફૂટની હાઈટાઈડ( મોટી ભરતીમાં) ખેંચીને લાવવામાં આવ્યું હતું.

INS વિરાટનો લોગો જ ઘણુંબધું કહી જાય છે
ભારતીય નૌસેનાના અતિમહત્ત્વના યુદ્ધ જહાજ INS વિરાટનો મુદ્રાલેખ હતો "જળમેવ યસ્ય બલમેવ તસ્ય', ગુજરાતીમાં તેનો અર્થ થાય છે પૂરી તાકાતથી સમુદ્ર પર રાજ કરવું અને આ લોગો જ ઘણુંબધું કહી જાય છે. 30 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં વિરાટ સામેલ હતું અને તેમાં 1207 ક્રૂ-મેમ્બર, 143 એર ક્રૂ-મેમ્બર મળી 1350ના સ્ટાફ માટે 3 મહિના ચાલે તેટલા રેશનનો જથ્થો, પાણીપુરવઠા માટેના ડિસેલિનેશ પ્લાન્ટ સાથે સજ્જ હતું. વિરાટ એક મોટી ટાઉનશિપ જેવું હતું, જેમાં જિમ, લાઇબ્રેરી, હોસ્પિટલ સામેલ હતાં. તેમાં 16 સી-હેરિયર પ્લેન, 4 સી-કિંગ હેલિકોપ્ટરને સામેલ કરાયું હતું. ભારતીય નૌસેનામાંથી વિરાટને સેવા નિવૃત્ત કરવામાં આવ્યા બાદ તેને કોચિન શિપયાર્ડ ખાતે હથિયારો, દારૂગોળો, મશીનરી, રડાર, એન્જિન, પ્રોપેલર કાઢી નાખવામાં આવ્યાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post