• Home
  • News
  • કોરોનાની આ સ્થિતિમાં જાહેર નવરાત્રિ કરવી યોગ્ય નહીં: ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ
post

પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાની આ સ્થિતિમાં ગરબાના કાર્યક્રમોનાં આયોજનોની જાહેરાત થવી જોઈએ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-22 10:28:31

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ સોમવારે પત્રકારો સાથે ઇલેક્ટ્રોનિક માધ્યમથી સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હાલ કોરોનાનું સંક્રમણ ન થાય એ માટે હું અંગતપણે માનું છું કે નવરાત્રિ ન થવી જોઈએ. તેમની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જાહેર રસ્તા પર માસ્ક વગર ગરબે ઘૂમ્યા હતા અને એમાંથી કંઈકેટલાય પાછળથી સંક્રમિત થઈ ગયા હતા. પોતે પણ કોરોનામાં પટકાયા પછી પાટીલને આ બ્રહ્મજ્ઞાન લાદ્યું છે.

પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાની આ સ્થિતિમાં ગરબાના કાર્યક્રમોનાં આયોજનોની જાહેરાત થવી જોઈએ નહીં. હું અંગતપણે માનું છું કે આવા કાર્યક્રમો થવા જોઈએ નહીં, કારણ કે ડોક્ટરો પણ એનો વિરોધ કરે છે. સરકાર અને ગરબા આયોજકો વચ્ચે આ અંગે વાતચીત ચાલે છે અને આયોજકોએ પણ આ સમજવું જોઇએ. આ અંગે આયોજકોને પણ સરકાર સમજાવશે તેવું તેમણે જણાવ્યું હતું.

મૂળભૂત રીતે કેન્દ્ર સરકારનાં કૃષિવિષયક વિધેયકોના થઈ રહેલા વિરોધને લઈને પાટીલે પત્રકારો સાથે ચર્ચા કરવા આ સંવાદ યોજ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર ક્યારેય ખેડૂતો માટે વિપરીત વિચાર કરી જ ન શકે. આ વિધેયક ખેડૂતોની આવક બમણી કરવા માટેનું ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે. કોંગ્રેસ માત્ર રાજકીય લાભ માટે આમ કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post