• Home
  • News
  • જૈનોનું આંદોલન સમાધાન તરફ:પાલિતાણા મામલે ગુજરાત સરકાર SIT બનાવશે, જૈનોનાં તમામ પ્રશ્નો-માગણીઓ સરકાર ઉકેલવા તૈયાર
post

સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતાં જૈન સમાજમાં ભારે આક્રોશ

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-03 18:37:56

સુરત: જૈન તીર્થસ્થાન પાલિતાણામાં અસામાજિક પ્રવૃત્તિઓ સહિતના પડતર મુદ્દાઓ અંગે હવે જૈન સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે અમદાવાદ બાદ આજે સુરત સહિતના શહેરોમાં જૈન સમાજની જંગી રેલી નિકળી હતી. આ રેલીમાં એક લાખ જેટલા જૈનો ઉમટી પડ્યા હતા અને રોષ પ્રગટ કરી અને સરકારને પોતાની માગણીઓ સ્વીકારવા આહ્વાન કર્યું છે. સામે જૈન સમાજના આ પ્રશ્ન અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીત કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ અંતર્ગત મેરેથોન બેઠક પણ યોજવામાં આવી હતી. હવે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, જૈન સમાજના પાલિતાણા સહિતના પ્રશ્નો ઉકેલવા સરકાર આગામી સમયમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની (SIT) રચના કરશે.

સરકાર દ્વારા ઝારખંડ ખાતે સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત થતાંની સાથે જૈન સમાજમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જૈન ધર્મ માટે સમ્મેત શિખર તીર્થસ્થાન સમાન છે. સમેત શિખરજી તેમજ શેત્રુંજય તીર્થસ્થાન સહિતના મુદ્દાઓને લઈને આજે સુરત શહેરમાં 3 કિમીની વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર જાણે અસામાજિક તત્ત્વો આક્રમણ કરતાં હોય એવો ભાવ થઈ રહ્યો છે. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળને તીર્થસ્થાન તરીકે જાહેર કરે.

પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતાં વિરોધ
ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે. જૈનો એને તીર્થસ્થળ માને છે. જૈનોની આ પાવનભૂમિને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાંની સાથે જ જૈનોની લાગણી દુભાઈ હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. આ કોઈ પર્યટન સ્થળ નહીં, પરંતુ તીર્થસ્થાન છે અને એને આસ્થાનું કેન્દ્ર રહેવા દેવું જોઈએ એવી લાગણી જૈનોની છે. સુરતમાં આજે જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રેલીમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને જૈનોએ રસ્તો કરી આપ્યો
તીર્થસ્થાને બચાવવા માટે જૈન સમાજ દ્વારા જે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અડાજણ વિસ્તારમાંથી કેબલ બ્રિજ ઓળંગીને અઠવાલાઇન્સ તરફ જતી 108 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. જોકે હજારો લોકો જેઓ રેલીમાં જોડાયા હતા તેમને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તાત્કાલિક અસરથી 108ને જવા માટે રસ્તો કરી દીધો હતો. હજારોની મેદની હોવા છતાં પણ 108ને પસાર થવામાં વિલંબ થયો ન હતો. એક સાથે તમામ લોકોએ 108ને પસાર થવા માટે સહકાર આપ્યો હતો.

અસામાજિક તત્ત્વો દ્વારા તીર્થસ્થાન પર આક્રમણ કર્યાનો ભાવ: નરેન્દ્ર જૈન
જૈન સમાજના અગ્રણી નરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર જાણે અસામાજિક તત્ત્વો આક્રમણ કરતા હોય એવો ભાવ થઈ રહ્યો છે. શેત્રુંજય શિખર પર આવેલા પાલિતાણા જેવા તીર્થસ્થાન પર અસામાજિક તત્ત્વો એક પ્રકારે આક્રમણ કરી રહ્યાં છે. ઝારખંડ સરકાર સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરીને યોગ્ય નિર્ણય કર્યો નથી. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળને તીર્થસ્થાન તરીકે જાહેર કરે. પાલિતાણાનો મુદ્દો હજી ઉકલ્યો નથી અને અમને ઠાલા આશ્વાસનો મળી રહ્યા છે.

પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા પવિત્રતા નષ્ટ થશે: સાગરચંદ્ર સાગરસૂરી મહારાજ
જૈન આચાર્ય સાગરચંદ્ર સાગરસૂરી મહારાજે જણાવ્યું કે સમ્મેત શિખર આદીકાળથી અમારું તીર્થસ્થાન રહ્યું છે મોઘલોએ અને અંગ્રેજોએ પણ સ્વીકાર્યું હતું કે આ જૈનોનું તીર્થસ્થાન છે. અમારા તીર્થસ્થાનો ઉપર અસામાજિકતત્વો દ્વારા જે કૃત્ય કરવામાં આવી રહ્યા છે તેને અમે વખોડી રહ્યા છે. ઝારખંડ સરકારે તીર્થસ્થાનને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા અમે તેનો વિરોધ કરીએ છીએ. પર્યટન સ્થળ તરીકે જાહેર થતાં વ્યસન આ વિસ્તારની અંદર વધી જશે જેનાથી તીર્થસ્થાનની પવિત્રતા નષ્ટ થશે.

જૈન સમાજની લાગણી દુભાઈ છે
જૈન આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, જૈનો માટે સમ્મેત શિખરએ આસ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર છે. તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ નહીં. તેમજ અમારા પાલીતાણા અને શેત્રુંજય જેવા તીર્થસ્થાનો ઉપર પણ અસામાજિક તત્વો જે પ્રકારે કૃત્યો કરી રહ્યા છે તેનાથી અમારી લાગણી દુભાઈ રહી છે. આ બાબતે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ વારંવાર રજૂઆત કરી છે. પર્યટન સ્થળને બદલે તીર્થસ્થાન જાહેર કરવા માટે અમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે. જૈન સમાજના ચાર ફીરકાઓ એ પણ એકસૂરે પર્યટન સ્થળની જાહેરાતનો વિરોધ કર્યો છે.

શિખરજીને તીર્થસ્થાન જાહેર કરે અને માંસ-મદીરાનું વેચાણ બંધ કરો
જૈન સમાજના અગ્રણી મિત્તલ ગોરડિયાએ કહ્યું હતું કે આજે હજારોની સંખ્યામાં આ રેલીમાં લોકો જોડાયા છે. સુરતના જ નહીં, પરંતુ અન્ય રાજ્યના અને શહેરોના લોકો પણ અમારી સાથે સમર્થનમાં આ રેલીમાં જોડાઈ ગયા છે. અમારી માગણી છે કે સરકારે તાત્કાલિક અસરથી આ બંનેને તીર્થસ્થાન જાહેર કરે અને પાલિતાણા સહિતનાં તીર્થસ્થાનો ઉપર માંસ અને મદીરાનું વેચાણ પણ બંધ કરવામાં આવે.

ઝારખંડ સરકારે નિર્ણય રદ કરે: રેલીના આયોજક
જૈન સમાજ દ્વારા યોજાયેલી રેલીના સંયોજક હિતેશ જૈને જણાવ્યું કે ઝારખંડ સરકારે અમારા તીર્થસ્થાનને પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે તે યોગ્ય બાબત નથી જેનાથી અમારા જૈન ધર્મની લાગણી દુભાઈ છે. અમારા સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે નહીં પરંતુ તીર્થસ્થળ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. શેત્રુંજય પર્વત ખાતેના પાલીતાણા તીર્થસ્થળ ઉપર પણ અસામાજિકતત્વો તોડફોડ કરી રહ્યા છે અને અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેને પણ તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર દ્વારા ડામવામાં આવે તેવી માગણી કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post