• Home
  • News
  • જયરામ રમેશે કહ્યું- રાહુલ ગાંધી નહીં બને કોંગ્રેસ-અધ્યક્ષ:30 સપ્ટેમ્બર સુધી રાહુલ ગાંધી યાત્રા પર, દિલ્હી આવી માત્ર માતાને મળશે, નોમિનેશન નહીં ભરે
post

ગેહલોતે કહ્યું હતું- રાહુલને અંતિમ વખત મનાવવા પ્રયત્ન કરીશ

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-21 19:32:46

કોંગ્રેસમાં નવા અધ્યક્ષના નામ વિશે રાજકીય અટકળો વધી ગઈ છે. આ દરમિયાન પાર્ટી મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ ગાંધી ઉમેદવારીપત્ર ભરવા દરમિયાન ભારત જોડો યાત્રા પર જ રહેશે અને દિલ્હી જવાના નથી. જયરામ રમેશના આ નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષપદની જવાબદારી સંભાળશે નહીં.

રાહુલ 23મીએ મળશે સોનિયા ગાંધીને
રાહુલ ગાંધી 23 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રામાંથી બ્રેક લઈને દિલ્હી આવવાના છે. રમેશે કહ્યું હતું કે રાહુલ તેમની માતા સોનિયા ગાંધીને મળશે. રિપોર્ટ્સ પ્રમાણે, રાહુલ આ દરમિયાન સોનિયા ગાંધી સાથે નવા અધ્યક્ષના નામ વિશે ચર્ચા-વિચારણા કરી શકે છે. સોનિયા ગાંધીએ 20 સપ્ટેમ્બરે સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલને કેરળથી પરત બોલાવ્યા હતા.

રાહુલ અધ્યક્ષ કેમ નહીં બને, 2 પોઈન્ટમાં સમજો

·         કોંગ્રેસ-અધ્યક્ષપદ માટે ઉમેદવારી 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી દિલ્હી મુખ્ય કાર્યાલયમાં નોંધાવાની છે. ઉમેદવારે ફેસ-ટુ-ફેસ ઉમેદવારી પત્રક ભરવાનું છે.

·         જયરામ રમેશના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધી 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ભારત જોડો યાત્રામાં રહેશે. આ દરમિયાન તેઓ દિલ્હી આવવાના જ નથી.

24 વર્ષ પછી બિન-ગાંધીના હાથમાં જશે કોંગ્રેસની જવાબદારી
રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે તો હવે કોંગ્રેસની જવાબદારી બિન-ગાંધીના હાથમાં જવાનું નક્કી છે. 1998માં સીતારામ કેસરીને હટાવીને સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયાં હતાં. ત્યાર પછી 2017માં રાહુલ કોંગ્રેસ-અધ્યક્ષ બન્યા હતા, પરંતુ 2019માં તેમને આ પદ છોડવું પડ્યું હતું. 2019 પછી સોનિયા ગાંધીએ ફરી વચગાળાના અધ્યક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી સંભાળી હતી, પરંતુ હવે તેમની તબિયત બહુ સારી ના રહેતી હોવાથી તેમણે અધ્યક્ષપદે રહેવાનો ઈનકાર કરી દીધો છે.

અશોક ગેહલોતે ઉમેદવારી નોંધાવવાના સંકેત આપ્યા
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ અશોક ગેહલોતે રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે પોતાના નામની નોંધણી કરવાના સંકેત આપ્યા છે. ગેહલોતે કહ્યું હતું કે છેલ્લી વખત રાહુલને મળી તેમને મનાવવાના પ્રયત્ન કરીશ, જો રાહુલ ન માન્યા તો હાઈકમાન્ડનો જે આદેશ હશે એને અનુસરીશ.

ગેહલોતના આ શબ્દો પછી બેઠકમાં ઘણા ધારાસભ્યોએ તેમને કહ્યું હતું કે તમારે અહીં જ રહેવાનું છે. ગેહલોતે કહ્યું, હું ગમે તે બની જઉં, પરંતુ તમારાથી અલગ નહીં થઈ શકું. અંતિમ શ્વાસ સુધી રાજસ્થાનની સેવા કરીશ.

ગેહલોત દિલ્હી પ્રવાસે
ગેહલોત બુધવારે સવારે દિલ્હી પ્રવાસે છે. દિલ્હીમાં ગેહલોત વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. સાંજે દિલ્હીથી કોચી જશે. ગેહલોત રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે અને યાત્રામાં ભાગ પણ લેશે. તેઓ રાહુલને અધ્યક્ષપદ માટે મનાવવાનો અને નામ નોંધાવવા પ્રયત્ન કરશે. રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માગ પર ગેહલોતે પ્રતિનિધિઓની બેઠકમાં હાથ ઊંચા કરીને ઠરાવ પસાર કરાવ્યો છે.

વિધાનસભા સત્રની રણનીતિ પર ચર્ચા
ધારાસભ્ય દળની બેઠકમાં વિધાનસભા સત્રની રણનીતિ અંગે ચર્ચા થઈ. સોમવારે વિધાનસભાની બેઠક શરૂ થયા પછી પહેલી વખત ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી. સામાન્ય રીતે વિધાનસભાની બેઠકના એક દિવસ પહેલાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી રણનીતિ બનાવવામાં આવે છે. આ વખતે બે દિવસ પછી આ બેઠક બોલાવવામાં આવી છે.

આ પહેલાં 17 સપ્ટેમ્બરે પીસીસીના નવનિયુક્ત સભ્યોની બેઠકમાં ગેહલોતે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાના વિચારમાં સમર્થન આપ્યું હતું. રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાના પ્રસ્તાવને તમામ નેતાઓએ સમર્થન આપ્યું હતું.

અધ્યક્ષપદ માટે ગેહલોતના નામની ચર્ચા
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેની નોટિફિકેશન ગુરુવારે બહાર પાડશે. મતદાન 17 ઓક્ટોબરે થશે. અધ્યક્ષ બનવા ગેહલોતનું નામ સૌથી વધારે ચર્ચામાં ચાલી રહ્યું છે. જી-23 સાથે જોડાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરનું નામ પણ ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે અધ્યક્ષપદ માટે ગેહલોત અને થરૂર વચ્ચે મુકાબલો થઈ શકે છે.

ગેહલોતની જીતવાની શક્યતા થરૂર કરતાં વધારે છે. એવામાં સવાલ ઊભો થાય છે ગેહલોત અધ્યક્ષ બને છે તો રાજસ્થાનના સીએમ કોણ બનશે. પાર્ટી માટે એ પણ નક્કી કરવું જરૂરી છે કે ભલે ગેહલોત થોડો સમય સીએમ રહે, પરંતુ જો 'એક વ્યક્તિ, એક પદ'ની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો તેમણે સીએમ પદ છોડવું પડશે.

સીએમ પદના ઉમેદવારો
સીએમ પદ માટે સચિન પાયલોટ સાથે હવે વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીનું નામ પણ સામે આવી રહ્યું છે. સીએમ પદની રેસમાં પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ ડોટાસરા, મંત્રી બીડી કલ્લાને પણ તક મળી શકે છે. રાજસ્થાનમાં આવતા વર્ષે 2023માં વિધાનસભાની ચૂંટણી થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post