• Home
  • News
  • જયેશ રાદડિયાનું પત્તુ કપાયું:એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે ભાનુબેન બાબરિયાએ શપથ લીધા, કુંવરજી બાવળિયાને પણ કેબિનેટ મંત્રી બનાવાયા
post

જસદણ વિધાનસભા બેઠક પર તેમનો કાયમી દબદબો રહ્યો છે. તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ જમીન સાથે જોડાયેલા રહીને કામ કરે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-12 17:21:26

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યો મંત્રીમંડળના શપથ લીધા છે. જેમાં રાજકોટ જિલ્લાના 8 પૈકી 2 ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. જસદણ બેઠકના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને રાજકોટ ગ્રામ્યના મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાનુબેન બાબરિયાએ એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જો કે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના મંત્રી મંડળમાં મંત્રી રહી ચૂકેલા જયેશ રાદડિયાની નવા મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવી છે. જ્યારે રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠક પરની માન્યતા આ વખતે ખોટી પડી છે.

1.05 લાખની લીડ છતાં મંત્રીમંડળમાં સ્થાન નહીં
બીજી બાજુ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક કે જેને શુકનવંતી માનવામાં આવે છે અને અહીંથી ચૂંટાઈને ધારાસભ્ય બને તે મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત કરે છે આ માન્યતા આ વર્ષે ખોટી સાબિત થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની પહેલી ચૂંટણી અહીંથી લડી મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ જ બેઠક પરથી 2012ની પેટા ચૂંટણી અને 2017ની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાઇને મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ પણ આ બેઠક પરથી ચૂંટાઇને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વર્ષે ડો.દર્શિતાબેન શાહે અત્યારસુધીની સૌથી વધુ 1.05 લાખની લીડ મેળવી છતાં તેમને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થયું નથી અને બેઠક પરની માન્યતાને રોક લગાવી દેવામાં આવી છે.

પૂર્વ બેઠકના ધારાસભ્ય ઉદય કાનગડની પણ બાદબાકી
મંત્રીમંડળના શપથ લેવાની કલાકો પહેલા એટલે કે ગત રાતે કુંવરજી બાવળિયા અને ભાનુબેન બાબરિયાને ફોન કરી તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે જાણકારી આપવામાં આવી હતી. જ્યારે કે એક ચર્ચા હતી કે, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ અને જેતપુર બેઠક પર જંગી લીડ સાથે વિજેતા બનેલા જયેશ રાદડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે. પરંતુ તેમની બાદબાકી કરવામાં આવી છે અને તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

 

બાવળિયા સિનિયર અને અનુભવી હોવાથી મંત્રીમંડળમાં સ્થાન
જસદણ બેઠક પર ભાજપના જ સ્થાનિક નેતાઓના વિરોધ વચ્ચે પણ ફરી એક વખત ચૂંટાઇને ધારાસભ્ય બનેલા કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. કુંવરજીભાઇ કોળી સમાજનો મોટો ચહેરો અને સિનિયર તેમજ અનુભવી હોવાથી તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ ભાનુબેન બાબરીયાની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાનુબેન બાબરીયા ત્રીજી વખત એટલે કે 2007 અને 2012 પછી હવે 2022માં જંગી લીડથી જીત મેળવી ધારાસભ્ય બન્યા છે. ત્યારે યોગ્ય મહિલાને ધ્યાનમાં રાખી સિનિયર તેમજ અનુભવી માની તેમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

 

જિલ્લા બેંકમાં ભ્રષ્ટાચારના આક્ષેપો રાદડિયાને નડ્યાની ચર્ચા
રાજકોટ પૂર્વના ધારાસભ્ય અને બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડનું નામ પણ મંત્રી પદ માટે ચર્ચામાં હતું. જો કે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી અને બક્ષીપંચ સમાજમાંથી સિનિયર અને અનુભવી ચહેરાનો મંત્રીમંડળમાં સમાવેશ કરી પૂર્વ મંત્રી મુળુભાઇ બેરાની પસંદગી કરવામાં આવી છે. આ સાથે ઉદય કાનગડની સાથે જેનું નામ ચર્ચામાં હતું તેવા જયેશ રાદડિયાની પણ બાદબાકી કરવામાં આવી છે. તેમનો પણ સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો નથી. જો કે છેલ્લા એક વર્ષથી રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ભાજપના જ નેતાઓએ લગાવ્યા હોવાથી પ્રદેશ પ્રમુખ નારાજ હોવાથી તેમની મંત્રીમંડળમાં પસંદગી કરવામાં ન આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જસદણ ભાજપનો નહીં બાવળિયાનો ગઢ
જસદણ ભાજપનો નહીં પરંતુ કુંવરજી બાવળિયાનો ગઢ હોવાનું ફરી એક વખત સાબિત થયું છે. જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા સતત 1995થી જીતતા આવે છે અને વિધાનસભા સુધી પહોંચે છે. જો કે આ સમયે તેઓ કોંગ્રેસ પક્ષમાં હતા પરંતુ વિજય રૂપાણીની સરકારમાં 2018માં તેઓએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ પછી વિજય રૂપાણીના આખા મંત્રીમંડળનું વિસર્જન થતા તેમને પણ હટાવી દેવામાં આવ્યા હતા અને આજે ફરી તેમની સિનિયારિટી અને અનુભવ તેમજ પ્રતિભાશાળી નેતાગીરીને પારખી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 1995, 1998, 2002, 2007, 2012, 2017 અને હવે 2022 દરમિયાન પણ ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે.

કોણ છે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા?
કુંવરજી બાવળિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત જનતા દળમાંથી કરી હતી. 1990માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જો કે ચૂંટણી હારી જતાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની ટિકિટ પરથી તેઓ સતત ચાર વખત ધારાસભ્ય બન્યા હતા. આ દરમિયાન 2009ના વર્ષમાં તેમણે રાજકોટમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમની જીત થઈ હતી. લોકસભા બાદ તેઓ બોટાદમાંથી કોંગ્રેસની ટિકિટ પરથી ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. જો કે તેમાં તેમની હાર થઈ હતી. હાર બાદ તેમના પર પરિવારવાદનો આક્ષેપ લાગ્યો હતો.

જસદણ બેઠક પર કાયમી દબદબો રહ્યો
જસદણ વિધાનસભા બેઠક પર તેમનો કાયમી દબદબો રહ્યો છે. તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ જમીન સાથે જોડાયેલા રહીને કામ કરે છે. સરળ સ્વભાવ અને સાદગી માટે તેઓ જાણીતા છે. બોટાદમાં હાર બાદ તેઓ 2017માં ફરીથી જસદણની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. જો કે કોંગ્રેસની નેતાગીરી સામે તેમનો ગજગ્રાહ વધવાને કારણે તેમણે પંજો છોડીને કમળ પકડ્યું હતું.

2018માં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા
જુલાઇ 2018માં કુંવરજી બાવળિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાતાની સાથે જ તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કુંવરજીના રાજીનામાં બાદ ખાલી પડેલી જસદણ બેઠક પર ચૂંટણીની જાહેરાત થઈ આ ચૂંટણીમાં તેમની સામે કોંગ્રેસે તેમના જ ચેલા અવસર નાકિયાને ઉભા રાખ્યા હતા. પરંતુ તેમની કારમી હાર થતા ફરી કુંવરજી બાવળિયા ચૂંટાઇ આવ્યા હતા. આ વખતે ભાજપમાંથી ફરી કુંવરજી બાવળિયા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે.

કોણ છે ભાનુબેન બાબરીયા
રાજકોટના ગ્રામ્યની વિધાનસભા બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય તથા રાજકોટના વોર્ડ નં. 1ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયાને ફરી એક વખત ટિકિટ આપી હતી. શિડ્યુલ કાસ્ટ માટેની આ અનામત બેઠકમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા લાખાભાઈ સાગઠિયાને ભાજપે ટિકિટ આપી હતી. રાજકોટ ગ્રામ્યની બેઠક પર અગાઉ ભાનુબેનના સસરા માધુભાઈ બાબરિયા 1998માં વિજેતા બન્યા હતા. હવે ફરી એક વખત બાબરિયા પરિવારમાં જ આ ટિકિટ ગઇ હતી. ભાનુબેને 2007 અને 2012માં આ બેઠક જીતી હતી, પરંતુ 2017માં લાખાભાઈ સાગઠિયાને આ બેઠકની ટિકિટ અપાઈ હતી અને ભાનુબેન રાજકોટ મ્યુનિ.ના વોર્ડ નં. 1ના કોર્પોરેટર બન્યાં હતાં. ફરી એક વખત ભાનુબેન બાબરિયાને ટિકિટ મળી અને જંગી લીડથી ચૂંટાઇ ધારાસભ્ય બન્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post