• Home
  • News
  • JEE મેઈન્સનું પરિણામ:અમદાવાદના કૌશલે પાંચમો રેન્ક મેળવ્યો, ગુજરાતના 4 વિદ્યાર્થીઓનું ટોપ 50માં સ્થાન
post

સુરતના નિશ્ચય અગ્રવાલે 100 પર્સેન્ટાઇલ સાથે ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો છે તથા ધ્રુવ પાનસુરીયાએ 50મો રેન્ક મેળવ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-29 18:56:15

અમદાવાદ: દેશની પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવા દર વર્ષે JEEની પરીક્ષા લેવામાં આવે છે. આ વર્ષે પણ 2 અલગ અલગ સેશન્સમાં JEEની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આજે JEE મેઇન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ઓલ ઓવર ઇન્ડિયામાં ટોપ 20માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમદાવાદના કૌશલ વિજયવર્ગીયએ પાંચમો અને હર્ષિલ સુથારે 17મો રેન્ક મેળવ્યો છે. તો બીજી તરફ સુરતના નિશ્ચય અગ્રવાલે 100 પર્સેન્ટાઇલ સાથે ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો છે તથા ધ્રુવ પાનસુરીયાએ 50મો રેન્ક મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓલ ઇન્ડિયામાંથી અંદાજે 12 લાખ લોકોએ JEE મેઇન્સની પરીક્ષા આપી હતી.

અમદાવાદના 2 વિદ્યાર્થીઓ ટોપ 20માં
JEE
મેઇન્સનું પરિણામ જાહેર થતા આજે અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ પાંચમો અને 17મોં રેન્ક સાથે ઓલ ઇન્ડિયામાં ટોપ 20માં સ્થાન મેળવ્યું છે. જેમાં અમદાવાદના કૌશલ વિદયવર્ગીયએ AIR પાંચમો અને હર્ષિલ સુથારે AIR 17મો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ JEE મેઇન્સમાં 100 તથા 99 પર્સેન્ટાઇલ પણ મેળવ્યા છે. હજુ આગામી 4 જૂને JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે બંને વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો એન્જિનિયર છે જેથી ત્યાંથી જ બંનેને એન્જિનિયર બનાવાની પ્રેરણા મળી છે. બંને વિદ્યાર્થીઓએ હવે JEE એડવાન્સની તૈયારી કરી રહ્યા છે અને સારા માર્ક્સ મેળવીને IIT બોમ્બેમાં એડમિશન લેવા ઇચ્છે છે.

'હું શરૂઆતથી આઠથી દસ કલાક વાંચતો હતો'
અમદાવાદના કૌશલ વિજયવર્ગીએ જણાવ્યું હતું કે, હું શરૂઆતથી આઠથી દસ કલાક વાંચતો હતો. સેશન-1માં 100 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા અને સેશન 1 અને 2નું કલબ કરીને તેણે આજે પાંચમો રેન્ક મેળવ્યો છે. ઘરમાં માતા-પિતા અને ભાઈ ત્રણેય એન્જિનિયર છે અને પિતા મિકેનિકલ એન્જિનિયર છે અને પંજાબ નેશનલ બેંકમાં છે. માતા ઇલેક્ટ્રિક એન્જિનિયર છે અને હાઉસ વાઇફ છે. જ્યારે ભાઈ દિલ્હી IITમાંથી M.Techનો અભ્યાસ કરે છે. કૌશલ વિજયવર્ગીએ જણાવ્યું હતું કે, મારે IIT બોમ્બેમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે.

'મારે કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લેવું છે'
હર્ષિલ સુથારે જણાવ્યું હતું કે, મેં રેન્ક મેળવવા સારી મહેનત કરી હતી. રોજ આઠ કલાક ભણતો હતો. મારા પિતાએ એન્જિનિયરિંગ કર્યું છે અને હાલ તેઓ AMCમાં ડેપ્યુટી એન્જિનિયર છે. માતા હાઉસ વાઇફ છે. જ્યારે ભાઈ પુણેની કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર છે. મારે IIT બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લેવું છે. ભણવા માટે મેં મોબાઇલનો ઉપયોગ કર્યો હતો પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહિવત જ હતો.

સુરતના બે વિદ્યાર્થીઓ ટોપ 50માં
તો બીજી તરફ સુરતના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા 36મો અને 50મો રેન્ક પ્રાપ્ત કરીને ટોપ 50માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં સુરતના નિશ્ચય અગ્રવાલે 100 પર્સેન્ટાઈલ સાથે ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો છે અને શહેરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે ધ્રુવ પાનસુરીયાએ JEE મેઇન્સના પરિણામમાં 50મો રેન્ક મેળવ્યો છે. નિશ્ચય IIT બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં અભ્યાસ કરવા ઇચ્છે છે.

પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સફળતા
ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના એજન્ટ તરીકે કામ કરતા નીરેન્દ્ર અગ્રવાલના પુત્ર નિશ્ચય અગ્રવાલે જણાવ્યું હતું કે, દરરોજની મહેનત સાથે પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત કરી છે. ક્લાસરૂમમાં રોજના માર્ગદર્શનની સાથે સાથે ઘરે પણ દરરોજ મહેનત કરતો હતો. જેના કારણે બોજો આવતો નહોતો. રોજનું કામ રોજ થઈ જતું હતું. ડાઉટ હોય તો શિક્ષકો ક્લિયર કરાવી દેતા હતા. સાથે જ ટેસ્ટ આપવાના કારણે પણ આ સફળતા મળી છે.

પ્લાનિંગના કારણે જ ટેન્શન આવ્યું નહોતું
નિશ્ચયે વધુમાં જણાવ્યું હતું કે, તેની માતા B.Com, B.Ed સુધીનો અભ્યાસ ધરાવે છે. તેમણે પ્લાનિંગમાં ખૂબ જ મદદ કરી હતી. જે વિષય અઘરા લાગતા હોય તેના માટે કેવી રીતે તૈયારી કરવી અને કઇ બુક વાંચવી તે સહિતનું પ્લાનિંગ આપતાં હતા. આ પ્લાનિંગના કારણે જ ટેન્શન આવ્યું નહોતું.

દીકરાના અભ્યાસને લઇને ખૂબ જ મહેનત કરી: પિતા
નિશ્ચયના પિતા નીરેન્દ્રભાઈ ટેક્સટાઇલમાં કામ કરે છે. તેઓ બીકોમ સુધીનો અભ્યાસ ધરાવે છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે. તેમણે પણ દીકરાના અભ્યાસને લઇને ખૂબ જ મહેનત કરી હતી. પોતાના એકમાત્ર દીકરાના અભ્યાસને લઇને તેઓ કોઇ કસર બાકી રાખવા ન માગતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post