• Home
  • News
  • બળવાખોર ધારાસભ્યોને મનાવવા બેંગલુરુ ગયેલા દિગ્વિજય સિંહની અટકાયત, પોલીસ સ્ટેશન લઈ ગયા પછી કહ્યું- હવે ભૂખ હડતાલ કરીશ
post

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસથી બળવાખોર થયેલા સિંધિયા ગ્રૂપના 22 ધારાસભ્યો 10 દિવસથી બેંગલુરુમાં રોકાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-18 10:48:28

બેંગલુરુ: મધ્ય પ્રદેશમાં રાજકીય ખેંચતાણ અટકવાનું નામ જ નથી લેતી. રાજ્યપાલ તરફથી બે વાર આદેશ મળ્યા પછી પણ ફ્લોર ટેસ્ટથી ઈનકાર કરનાર કોંગ્રેસ હવે બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસથી બળવાખોર થયેલા સિંધિયા ગ્રૂપના 22 ધારાસભ્યો 10 દિવસથી બેંગલુરુમાં છે. બુધવારે સવારે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ કોંગ્રેસ નેતાઓ સાથે બેંગલુરુ પહોંચ્યા હતા. પરંતુ કર્ણાટક પોલીસે તેમને બહાર જ રોકી લીધા હતા. ત્યારપછી કોંગ્રેસ નેતાઓએ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા. ત્યારપછી પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી દિગ્વિજય સિંહે ભૂખ હડતાલ કરવાની ચીમકી આપી છે.

મારી પાસે ના બોમ્બ છે, ના પિસ્તોલ, તો પછી કેમ રોક્યા: દિગ્વિજય
દિગ્વિજય સિંહે કહ્યું, પોલીસ અમને ધારાસભ્યોને મળવા નથી દેતા. હું મધ્ય પ્રદેશનો રાજ્યસભાનો ઉમેદવાર છું. 26 તારીખે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. અમારા ધારાસભ્યોને અહીં હોટલમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. તેઓ અમારી સાથે વાત કરવા માંગે છે પરંતુ તેમના મોબાઈલ છીનવી લેવામાં આવ્યા છે. ધારાસભ્યોના જીવને જોખમ છે. મારી પાસે ન બોમ્બ છે, ન પિસ્તોલ, ન કોઈ હથિયાર. તેમ છતા પોલીસ મને કેમ રોકી રહી છે. અટકાયત કર્યા પછી તેમણે કહ્યું હતું કે, મને આશા છે કે ધારાસભ્યો પરત આવશે. 5 ધારાસભ્યો સાથે મારી વાત થઈ તો તેમણે જણાવ્યું કે તેમને બંધક રાખવામાં આવ્યા છે. હોટલમાં 24 કલાક પોલીસ તહેનાત હોય છે. તેઓ ધારાસભ્યોની દરેક ગતિવિધિઓ પર નદર રાખે છે.

યેદિયુરપ્પા સરકાર સરકારી મશીનરીનો દૂરઉપયોગ કરી રહી છે
દિગ્વિજય સિવાય કોંગ્રેસના સીનિયર નેતા કાંતિલાલ ભૂરિયા, ધારાસભ્ય આરિફ મસૂદ અને કુણાલ ચૌધરી પણ બેંગલુરુ પહોંચ્યા છે. અહીં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમાર તેમને લેવા પહોંચ્યા હતા. શિવકુમારે યેદિયુરપ્પા સરકાર પર સરકારી મશીનરીનો દૂરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારી પોતાની પણ રણનીતિ છે. હાલની સ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યો અહીં એકલા નથી. હું હંમેશા તેમની સાથે છું. અમે ઈચ્છીએ છીએ કે કર્ણાટકમાં કાયદો વ્યવસ્થા નિયંત્રણમાં રહે.

જીતુ પટવારીએ બળવાખોર ધારાસભ્યોને મળવાનો પ્રયત્ન કર્યો
મુખ્યમંત્રી કમલનાથ પણ રાજ્યપાલને પત્ર લખીને બેંગલુરુમાં 22 ધારાસભ્યોને મળવાની માંગણી કરી ચૂક્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપે તેમના ધારાસભ્યોને બંધક બનાવીને રાખ્યા છે. તેઓ પરત નહીં આવે ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ કરાવવામાં નહીં આવે. આ પહેલાં જીત પટવારી સહિત કમલનાથ સરકારના 4 મંત્રીઓએ બળવાખોર ધારાસભ્યોને મળવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પોલીસે પટવારી સહિત અન્ય મંત્રીઓને રિસોર્ટ બહાર રોકી દેવામાં આવ્યા હતા. ત્યારે તેમની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. ત્યારપછી દરેક મંત્રીઓની અટકાયત કરવામાં આવી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post