• Home
  • News
  • કર્ણાટક ચૂંટણી : ટિકિટ ન મળતા કોંગ્રેસના દિગ્ગજ નેતાની પુત્રી ભાજપમાં સામેલ, પિતાએ કહ્યું ‘દુર્ભાગ્યપૂર્ણ’
post

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટ ન મળતા નારાજ થયા કેટલાક નેતાઓ

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-12 19:11:31

બેંગલુરુ: કર્ણાટકમાં ચૂંટણી નજીક આવી રહી છે, રાજકીય પક્ષોના નેતાઓ, કાર્યકરો ટિકિટ મેળવવા માટે દોડધામ મચાવી રહ્યા છે... અહીં ટિકિટોને લઈ હુંસાતુંસી જોવા મળી રહી છે... તો ટિકિટ ન મળતા કેટલાક નેતાઓ નારાજ થયેલાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા જ મોટો ઝટકો મળ્યો છે. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સ્પીકર કાગોડુ થિમ્મપ્પાની પુત્રી ડૉ.રાજનંદિનીએ ભાજપનો હાથ પકડી લીધો છે. ભાજપના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા અને પાર્ટીના સભ્યોની ઉપસ્થિતિમાં રાજનંદિની ભાજપમાં સામેલ થઈ ગયા છે. આ દરમિયાન તેમણે હાથમાં ભાજપનો ઝંડો પણ પકડ્યો હતો...

કોંગ્રેસે તક ન આપી

ભાજપમાં જોડાયા બાદ ડૉ. રાજનંદિનીએ જણાવ્યું કે, મને આશા હતી કે તેઓ (કોંગ્રેસ) મને ઓળખશે અને ટિકિટ આપશે, પરંતુ મને તક ન મળી. તેઓએ (ભાજપ) મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. હું પાર્ટી માટે કામ કરીશ. હું એક કાર્યકર છું અને ગમે ત્યાં કામ કરી શકું છું. પુત્રીના ભાજપમાં સામેલ થવા પર પિતા થિમ્મપ્પાએ જણાવ્યું કે, મને રાજનંદીની પાસેથી આવી અપેક્ષા નહોતી. આ દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપના નેતાઓની આ ચાલ છે. હું રાજનંદીની સાથે વાત કરીશ. હું કોંગ્રેસ સાથે ઉભો છું, હંમેશા કોંગ્રેસના સમર્થનમાં રહીશ, કોંગ્રેસ માટે કામ કરીશ.

ભાજપે ગઈકાલે ઉમેદવારોની કરી હતી જાહેરાત

રાજધાની દિલ્હીમાં બે દિવસની બેઠકમાં મંથન કરાયા બાદ ભાજપે કર્ણાટક ચૂંટણી માટે ગઈકાલે પ્રથમ યાદી જાહેર કરી હતી. યાદીની જાહેરાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, અમે આગામી કર્ણાટક ચૂંટણી 2023 માટે 189 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છીએ. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટીએ 52 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકના પહેલા દિવસે પીએમ મોદીએ કહ્યું હતું કે, આ વખતે યુવા ચહેરાઓને તક આપતા કલંકિત નેતાઓથી દૂર રહેવું જોઈએ.

કર્ણાટકમાં 10મી મેએ ચૂંટણી, 13 મીએ પરીણામ

કર્ણાટકમાં 10મી મેએ એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે. જ્યારે 13મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે. જેને પગલે કોંગ્રેસ પોતાના હાથમાં સત્તા લેવા માટે જ્યારે ભાજપ સત્તા જાળવી રાખવા માટે જોર લગાવી રહ્યા છે. જનતા દળ સેક્યુલર રાજ્યમાં ત્રીજો મોટો પક્ષ છે. તેથી ત્રણેય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામવાની શક્યતાઓ છે. ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ સેક્યૂલર મેદાનમાં છે જ ત્યારે હવે ચોથો પક્ષ આમ આદમી પાર્ટી પણ કર્ણાટકની જંગમાં કૂદવાની તૈયારીમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post