• Home
  • News
  • ગામ માટે રાજકારણમાં ઊતર્યા 'કવિરાજ':કહ્યું, 'મારા ગામનો વિકાસ નથી થયો, રસ્તા ખરાબ, ત્રણ દિવસે પાણી મળે, હવે ગ્રામજનોના કહેવાથી હું અપક્ષમાં ચૂંટણી લડીશ'
post

જો કોઈ પાર્ટીની ઓફર આવશે તો હું તે વિશે વિચારીશઃ જિજ્ઞેશ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 19:18:10

મહેસાણા: રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં પણ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. કઈ બેઠક પર કોને ટિકિટ મળશે તેને લઈને ચારેકોર ચર્ચા જામી છે. ત્યારે ખેરાલુના વતની અને ગુજરાતમાં સંગીતની દુનિયામાં લોકચાહના ધરાવતા એવા કલાકાર જિજ્ઞેશ કવિરાજે પણ રાજકારણમાં ઝંપલાવવાનું મન બનાવી લીધું છે. જેમાં તેઓએ 'મારા ગામનો વિકાસ નથી થયો, રસ્તા ખરાબ છે, ત્રણ દિવસે પાણી આવે છે, હવે ગ્રામજનોના કહેવાથી હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ' તેમ જણાવી ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી.

ચાહકોની ખૂબ લાગણી હતી કે હું પણ ચૂંટણી લડુંઃ કવિરાજ
લોકગાયક જિજ્ઞેશ કવિરાજે જણાવ્યું હતું કે થોડા સમયમાં અપક્ષમાંથી ફોર્મ ભરું છું. મારા ખેરાલુ વિસ્તારના લોકો અગ્રણીઓ અને મારા ચાહકોની ખૂબ લાગણી હતી કે હું પણ ચૂંટણી લડું. તેઓ મને કહેતા કે, તમે ચૂંટણી લડો અને ગામનો વિકાસ કરો, જેથી મેં સમય આવશે ત્યારે આ બાબતે વિચારીશું એવું નક્કી કર્યું હતું. ત્યારે હવે મારો સમય આવી ગયો છે. મને પહેલા મારા ગામે સ્વીકાર્યો અને આજુબાજુનાં ગામના લોકોએ સ્વીકાર્યો હતો જેથી મને એવું થયું કે હું મારા ગામને ઉપયોગી થાઉં.

ખેરાલુનો વિકાસ થયો જ નથીઃ જિજ્ઞેશ
ખેરાલુમાં વિકાસ થયો નથી. ખેરાલુ પંથકમાં ઉદ્યોગ જ નથી, રોજગારી માટે આજુબાજુ ગામના લોકોને બહાર જવું પડે છે. ગામના લોકો અહીં જ નોકરી કરી શકે એવો કોઈ ઉદ્યોગ જ નથી. તેમજ રોડ રસ્તાની સમસ્યા, પાણી, ગટરની સમસ્યા પણ છે. બેથી ત્રણ દિવસે પાણી આવતું હોય છે, ગટર લાઈનની પણ મોટી સમસ્યા છે.

જો કોઈ પાર્ટીની ઓફર આવશે તો હું તે વિશે વિચારીશઃ જિજ્ઞેશ
જો કોઈ પાર્ટી ઓફર કરશે તો તમે જોડાશો તે સવાલના જવાબમાં જિજ્ઞેશ કવિરાજે કર્યું કે, હાલમાં અનેક પાર્ટીઓ સક્રિય થઈ છે. સૌ પોતાની રીતે મેહનત કરી રહી છે. ત્યારે મે અપક્ષ તરફથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું છે. હું કોઈ પક્ષનો નથી. તેમજ હજુ સુધી કોઈ પાર્ટી તરફથી મને ઓફર આવી નથી, પરંતુ જો કોઈ પાર્ટીની ઓફર આવશે તો હું તે વિશે વિચારીશ. મારા ગામનું સારું થશે અને મારી વિચારધારા પ્રમાણે હશે તો હું જરૂર તે વિશે વિચારીશ. પરંતુ હાલ તો હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી અને જોડાઇ પણ નહીં.

adv

Related News

post
post
post
post
post
post
post