• Home
  • News
  • કેજરીવાલ પોતે ખાલિસ્તાન વિરોધી છે એટલું બોલી બતાવે : કુમાર વિશ્વાસ
post

સીએમ ચન્નીના પત્ર પછી ખાલિસ્તાન સમર્થકો સાથે કેજરીવાલની સંડોવણીના કુમાર વિશ્વાસના આક્ષેપોની કેન્દ્ર તપાસ કરાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-19 15:18:03

નવી દિલ્હી:
પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના બે દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટી (આપ) ખાલિસ્તાન તરફી હોવા મુદ્દે કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. અરવિંદ કેજરીવાલે પોતાને સ્વીટ આતંકવાદી ગણાવ્યા પછી કવિ કુમાર વિશ્વાસે શુક્રવારે આપના કન્વિનર અરવિંદ કેજરીવાલને પડકાર ફેંકતા કહ્યું હતું કે આડી અવળી વાત કરવાના બદલે તેઓ એટલું જ કહે કે તેઓ ખાલિસ્તાન સમર્થકોને મળ્યા હતા કે નહીં. વધુમાં તેઓ એટલું જ બોલી બતાવે કે તે ખાલિસ્તાન વિરોધી છે.


આમ આદમી પાર્ટી (આપ)ના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે જણાવ્યું કે, કેજરીવાલ ભોળા બનવાના બદલે મારા નિવેદનને ખોટું સાબિત કરી બતાવે અને લોકોને સત્ય જણાવે. ખાલિસ્તાનીઓ સાથે તેમના સંબંધ છે કે નહીં એટલું જ તેઓ જણાવે નહીં તો હું જણાવીશ. વિશ્વાસે ઉમેર્યું કે તેઓ બસ એટલું જ કહી દે કે હું ખાલિસ્તાનના વિરોધમાં લડીશ. એક પણ ખાલિસ્તાનીઓને પંજાબમાં, દિલ્હીમાં ઊભો નહીં થવા દઉં. હું ખાલિસ્તાન વિરોધી છું એટલું કહેવામાં તેમને શું તકલીફ થવી જોઈએ?


કુમાર વિશ્વાસે તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલ પર ખાલિસ્તાન સમર્થકોને સાથ આપવા અંગે ટીપ્પણી કરી હતી. આ મુદ્દે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યાપક તપાસ કરાવવાની માગ કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ વડાપ્રધાનને પત્ર લખ્યા પછી કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની ખાલિસ્તાની સમર્થકો સાથે સાંઠગાંઠ અંગે કવિ કુમાર વિશ્વાસે કરેલા આક્ષેપોની તપાસ કરાવવામાં આવશે. દરમિયાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે, હું દુનિયામાં પહેલો આતંકવાદી છું, જે લોકો માટે સ્કૂલો બનાવે છે, હોસ્પિટલો બનાવે છે, વીજળીની સમસ્યા દૂર કરે છે. હું દુનિયાનો પહેલો 'સ્વીટ આતંકવાદી' છું.


દરમિયાન કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટી (આપ)ના ભૂતપૂર્વ નેતા કુમાર વિશ્વાસની સલામતીની સમીક્ષા કરી છે અને તેમને કેન્દ્રીય એજન્સી મારફત રક્ષણ અપાય તેવી સંભાવના છે તેમ સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું. કુમાર વિશ્વાસે પંજાબમાં ચૂંટણી માટે હાઈ-વોલ્ટેજ પ્રચાર દરમિયાન આપ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ખાલિસ્તાન તરફી હોવાનો આક્ષેપ કર્યા પછી કેન્દ્રે આ પગલું ભર્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ખાલિસ્તાનવાદી જૂથો કુમાર વિશ્વાસ પર હુમલો કરી શકે છે તેવા ગુપ્તચર સૂત્રોની માહિતીના આધારે વિશ્વાસની સલામતીની સમીક્ષા કરાઈ રહી છે.


દરમિયાન સીબીઆઈએ શુક્રવારે એક ઈમારતની છતને મંજૂરી આપવા માટે લાંચ સ્વીકારવાના આક્ષેપ બદલ આમ આદમી પાર્ટી (આપ)ના મ્યુનિસિપલ કાઉન્સિલર ગીતા રાવતની ધરપકડ કરી હતી. સીબીઆઈએ પૂર્વીય દિલ્હીની મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ ૧૦-ઈના મ્યુનિસિપલ કાઉન્સિલર સામે રૂ. ૨૦,૦૦૦ની લાંચ માગવાના આક્ષેપ હેઠળ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ જણાવ્યું કે, એક વ્યક્તિની ફરિયાદના પગલે છટકું ગોઠવી રાવતની ઓફિસ નજીક તેમનાં વતી લાંચ લેનાર એક વેન્ડરની ધરપકડ કરાઈ હતી. આરોપીઓને દિલ્હીમાં સક્ષમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post