• Home
  • News
  • કેજરીવાલે AAPના 5 MLAને અઢી કલાક સુધી ચેતવ્યા:ધારાસભ્યોને કહ્યું-લોભ કે લાલચમાં આવી પક્ષ છોડતા નહીં, MLA ભૂપત ભાયાણી અંગે ખૂબ ચર્ચા થઈ
post

એક વર્ષ પહેલાં કોર્પોરેટરોને કહ્યું હતું-થોડા રૂપિયા માટે વેચાતા નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-21 18:01:47

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કરીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં સફળતા મેળવી લીધી છે, પરંતુ પાર્ટી માટે અત્યંત જરૂરી બની ગયું છે. પોતાના ધારાસભ્યો પાર્ટી સાથે વફાદાર રહે અને પક્ષપલટો કરે નહીં. તાજેતરમાં જ વિસાવદર વિધાનસભા બેઠક પર વિજેતા બનેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીની ઘટનાનો કડવો અનુભવ થયા બાદ આપના સંયોજક કેજરીવાલ સફાળા જાગ્યા અને તાબડતોબ પાંચેય ધારાસભ્યને દિલ્હી બોલાવીને વિશેષ ચર્ચા કરી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 13 ટકા જેટલો વોટ શેર મેળવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં કુલ 41 લાખ જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે. આ ઉપરાંત 40 જેટલી વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી મત મેળવવામાં બીજા ક્રમે રહી હતી.

પાર્ટીને મળેલા પ્રતિસાદ અને લોકોનો ઉત્સાહ જોઈને હવે આમ આદમી પાર્ટી જાણે ગેલમાં આવી ગઈ છે. આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી હવે આગામી લોકસભાની ચૂંટણી અંગે પણ તૈયારી કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પરિણામ જોઈને હવે આપ લોકસભાની 26 સીટ પર ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી છે.

આપના સંગઠનમાં મોટા ફેરફારનાં એંધાણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, જોઈન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી જેવા સિનિયર નેતાની હાર થઈ છે. જોકે પાર્ટી હવે સંગઠન મજબૂત કરવા માટેની વ્યૂહરચના તૈયાર કરી રહી છે. આ અંગે આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે અરવિંદ કેજરીવાલ ચૂંટાયેલા 5 ધારાસભ્ય અને ગુજરાતના સિનિયર નેતાઓના મંતવ્ય માગ્યા હતા. તમામે પોતાના મંતવ્ય આપ્યા હતા. ગુજરાતમાં આપ સંગઠન મજબૂત કરવા ગુજરાતમાં ઝોન મુજબ મહામંત્રી કે ઉપપ્રમુખ અથવા કાર્યકારી પ્રમુખને નીમવામાં આવે. આ ઉપરાંત ઝોનવાઇઝ જવાબદારી સોંપવામાં આવશે તો સંગઠન વધારે મજબૂત થશે વગેરે જેવાં સૂચનો આપવામાં આવ્યાં હતાં. જોકે બેઠકમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા કે ઇસુદાન ગઢવીને કઈ ભૂમિકા આપવી એ બાબતે કોઈ ચર્ચા થઈ ન હતી, એમ બેઠકમાં હાજર ધારાસભ્યોએ જણાવ્યું હતું.

પંજાબના CM ભગવંત માને ધારાસભ્યોને ટ્રેનિંગ આપી
આમ આદમી પાર્ટીના 5 ચૂંટાયેલા ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું? એ બાબતે તાલીમ આપવામાં આવી હતી. 5 ધારાસભ્ય 3 દિવસ સુધી દિલ્હી ખાતે રહ્યા હતા. આ સમય દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તમામ ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું એની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પંજાબ અને દિલ્હીના ચૂંટાયેલા ધારાસભ્યો કેવી રીતે કામ કરે છે એની માહિતી પણ આપવામાં આવી હતી. ગુજરાતમાં કયા કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાનું છે ? એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવા મુદ્દાને વળગીને ધારાસભ્યને કામ કરવાનું કહેવામાં આવ્યું છે.

આપ 26 લોકસભા સીટ પર લડવા શરૂ કરશે તૈયારી
દિલ્હી ખાતે આપના વિધાયકોની મળેલી બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી બાબતે પણ ચર્ચા થઈ હતી. ગુજરાતમાં આપ 26 સીટ પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. આ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે લોકોએ આપ પર ભરોસો મૂકીને મત આપ્યા હતા અને 5 ઉમેદવારને જિતાડ્યા છે. પ્રથમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જોઈને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવાનું હાઈ કમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તમામ બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે એ માટેની ચર્ચા હાઈ કમાન્ડ સાથે થઈ છે. ગુજરાતમાં આપને વિધાનસભા ચૂંટણીમાં 13 ટકા જેટલા મત મળ્યા છે. આ મતને કેવી રીતે વધારવા એ માટે હવે કામ કરવામાં આવશે.

ધારાસભ્ય લોભ-લાલચમાં આવી પક્ષ ન છોડેઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે 5 ધારાસભ્ય સાથે અઢી કલાક કરતાં વધુ સમય સુધી બેઠક કરી હતી. આ બેઠકમાં વિસાવાદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાબતે ચર્ચા પણ થઈ હતી. અરવિંદ કેજરીવાલે તમામ ધારાસભ્યોને પક્ષ ન છોડવા બાબતે ચર્ચા કરી હતી. આ ઉપરાંત કોઈપણ પ્રકારના લાભ કે લાલચમાં ન આવવાની સૂચના આપી હતી. જે હેતુથી આપમાં જોડાયા એ હેતુથી ધારાસભ્યએ કામ કરવાનું રહેશે એવી સૂચના પણ અરવિંદ કેજરીવાલે આપી હતી. આ ઉપરાંત ધારાસભ્યને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી કેજરીવાલે આપી છે.

આમ આદમી પાર્ટીએ જ્યાં વધુ સભા-રેલી કરી ત્યાં જ હારી
વિધાનસભાનાં પરિણામો વિશે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે પાર્ટીએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરત ખાતે કેટલીક સીટો પર વધારે પ્રચાર પ્રસાર કર્યો હતો. પાર્ટીને સુરતમાંથી વધારે અપેક્ષા હતી, પરંતુ સુરતમાં એકપણ સીટ જીતી ન શક્યા. જો પાર્ટીએ 44 આદિવાસી સીટ પર ધ્યાન આપ્યું હોત તો આમ આદમી પાર્ટીનાં પરિણામ બદલાઈ શક્યાં હોત. પાર્ટીએ આદિવાસી સીટ પર ખાસ ધ્યાન ન આપ્યું, જેથી કેટલીક સીટો જીતી શકીએ એમ હતી એ સીટો હારવી પડી હતી.

ગુજરાતની જવાબદારી 5 ધારાસભ્યને સોંપી
દિલ્હીમાં મળેલી બેઠકમાં ગુજરાતમાં આપના 5 ધારાભ્યને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. લોકોના પ્રશ્નો બાબતે સરકાર સામે રજૂઆત કે લડત કેવી રીતે આપવી એ ધારાસભ્ય નક્કી કરશે. આ અંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મને આદિવાસી વિસ્તારની 44 વિધાનસભા સીટની જવાબદારી સોંપવામાં આવી છે. એવી જ રીતે અન્ય ધારાસભ્યને પણ વિસ્તાર પ્રમાણે વિધાનસભા સીટોની જવાબદારી સોંપવામાં આવી છે. વિસ્તાર પ્રમાણે ધારાસભ્ય લોકોના પ્રશ્નો બાબતે લડત આપશે. આ ઉપરાંત તમામ ધારાસભ્યને ગામડે ગામડે પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે, સાથે સાથે સંગઠન કેવી રીતે વિસ્તારી શકાય એ બાબતે પણ કામ કરવાની સૂચના આપવામાં આવી છે.

એક વર્ષ પહેલાં કોર્પોરેટરોને કહ્યું હતું-થોડા રૂપિયા માટે વેચાતા નહીં
એક વર્ષ પહેલાં પણ ગુજરાતમાં સુરત અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAP(આમ આદમી પાર્ટી )ને મળેલા વોટ અંગે દિલ્હીમાં ગુજરાતની ટીમે કેજરીવાલ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોને શીખામણ આપી હતી કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં એક મહિનાની મહેનતમાં 22% મત મળ્યા છે. AAP પાસે પૈસા નથી, એટલે વિધાનસભાની ચૂંટણી વખતે થોડા રૂપિયા માટે વેચાતા નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post