• Home
  • News
  • બિહારના રાજકીય ગરમાવા વચ્ચે જાણો CM નીતીશ કુમારના યુ-ટર્નનો ઈતિહાસ
post

ભાજપે 2013માં નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા એટલે નીતીશ કુમાર નારાજ થયા હતા અને તેમણે ભાજપ સાથેનું 17 વર્ષ જૂનુ ગઠબંધન તોડી દીધું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-08 18:31:28

નવી દિલ્હી: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે 2020માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે 7મી વખત શપથ ગ્રહણ કર્યા હતા. બિહારની રાજનીતિમાં 'ચાણક્ય' તરીકે પ્રખ્યાત નીતિશ કુમાર 2005 બાદ સતત રાજ્યના મુખ્યમંત્રી તરીકે બિરાજમાન છે. 

જોકે વચ્ચે થોડા સમય માટે તેમણે ખુરશી છોડવી પડી હતી પરંતુ પોતાની રાજકીય દક્ષતા અને દૂરદર્શિતાના કારણે તેમણે ફરી ખુરશી પર કબજો જમાવ્યો હતો. બિહારમાં હાલ સત્તા પલટાની શક્યતા જણાઈ રહી છે. એક અહેવાલ પ્રમાણે પોતાના નિર્ણયો દ્વારા સૌ કોઈને ચોંકાવવા માટે પ્રખ્યાત નીતીશ કુમાર ફરી એક વખત દેશના રાજકારણમાં ધમાકો કરે તેવી શક્યતા છે.  

બિહારમાં શું બનશે તે આવનારો સમય જ કહી શકે પરંતુ ઈલેક્ટ્રિક એન્જિનિયર રહી ચુકેલા નીતીશ કુમારે ક્યારે ક્યારે રાજકીય ક્ષેત્રે યુ-ટર્ન લઈને માત્ર રાજ્ય નહીં પરંતુ દેશના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો તેના વિશે જાણીએ-

1. નીતીશ કુમારે 1994માં પોતાના જૂના સહયોગી લાલુ યાદવનો સાથ છોડીને સૌને ચોંકાવી દીધા હતા. નીતીશ કુમારે જનતા દળ સાથે છેડો ફાડીને જોર્જ ફર્નાન્ડિસ સાથે મળીને સમતા પાર્ટીની રચના કરી હતી. તેઓ 1995ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં લાલુના વિરોધમાં ઉતર્યા હતા પરંતુ ચૂંટણીમાં તેમની ખરાબ રીતે હાર થઈ હતી. ત્યાર બાદ તેઓ કોઈ સહારો શોધી રહ્યા હતા. 

2. કોઈક સહારાની શોધખોળ દરમિયાન તેમણે 1996માં બિહારમાં નબળી ગણાતી પાર્ટી ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. ભાજપ અને સમતા પાર્ટીનું તે ગઠબંધન પછીના 17 વર્ષ સુધી ચાલ્યું હતું. જોકે તે દરમિયાન 2003માં સમતા પાર્ટી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) બની ગઈ. જેડીયુએ ભાજપનો છેડો પકડી રાખ્યો અને 2005ની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર વિજય મેળવ્યો. ત્યાર બાદ 2013 સુધી બંનેએ સાથે મળીને સરકાર ચલાવી. 

3. ભાજપે 2013માં નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા એટલે નીતીશ કુમાર નારાજ થયા હતા અને તેમણે ભાજપ સાથેનું 17 વર્ષ જૂનુ ગઠબંધન તોડી દીધું હતું. નીતીશ કુમાર અને નરેન્દ્ર મોદી વચ્ચે પહેલેથી જ વૈચારિક મતભેદ જોવા મળતા હતા. રાજદના સહયોગથી સરકાર ચલાવી રહેલા નીતીશ કુમારે લોકસભાની ચૂંટણીમાં આકરા પરાજય બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું અને પોતાની સરકારમાં મંત્રી તથા દલિત નેતા જીતન રામ માંઝીને ખુરશી સોંપી હતી. ત્યાર બાદ તેઓ પોતે 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરવા લાગ્યા હતા. 

4. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે હારી ગયેલા નીતીશ કુમાર 2015માં પોતાના જૂના સહયોગી લાલુ યાદવ અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન રચીને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. તે ચૂંટણીમાં આરજેડીને જેડીયુ કરતાં વધારે બેઠકો મળી હતી તેમ છતાં નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા અને લાલુ યાદવના નાના દીકરા તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી જ્યારે મોટા દીકરા તેજપ્રતાપ યાદવ સ્વાસ્થ્ય મંત્રી બન્યા હતા. 

5. બંને જૂના સાથીદારોની સરકાર 20 મહિના સુધી તો બરાબર ચાલી હતી પરંતુ 2017માં બંને પાર્ટીઓ વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. એપ્રિલ 2017માં જે ખટપટ શરૂ થયેલી તેમે જુલાઈ મહિના સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્યાર બાદ નીતીશ કુમારે ભારે યોજનાબદ્ધ રીતે રાજીનામુ આપી દીધું હતું. 

તે સમયે વિધાનસભામાં ભાજપ વિપક્ષની સૌથી મોટી પાર્ટી હતી માટે ભાજપે મધ્યાવધિ ચૂંટણીની મનાઈ કરીને પોતાના જૂના સહયોગીને સમર્થન આપવાનો નિર્ણય લીધો હતો તથા નીતીશ કુમાર ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા હતા. માત્ર 15 જ કલાકની અંદર સત્તા પલટાનો તે સમગ્ર ઘટનાક્રમ નાટકીય રીતે પાર પડ્યો હતો. 

2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જેડીયુ કરતાં વધારે બેઠકો મળી હતી તેમ છતાં નીતીશ કુમારે 7મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે ફરી એક વખત બિહારની સત્તા સંભાળી રહેલા ભાજપ-જેડીયુ ગઠબંધન વચ્ચેના ખટરાગે વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ કારણે 21 મહિના બાદ નીતીશ કુમાર ફરી પલટી મારે તેવી અટકળો થઈ રહી છે. તેઓ પોતાના જૂના સાથી લાલુ યાદવની રાજદ અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે તેવી આશંકા સેવાઈ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post