• Home
  • News
  • 8 ટ્રક મૂકી ઓવરબ્રિજનો લોડ ટેસ્ટ:અમદાવાદના મુમતપુરા બ્રિજનો ડિસેમ્બર 2021માં જે સ્પાન તૂટ્યો તે ભાગ પર 192 ટન વજનની રેતી ભરેલી ટ્રકો મુકાઈ, 24 કલાક રખાશે
post

ફરીથી કામગીરી રણજિત બિલ્ડકોનને સોંપવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-09 18:27:35

અમદાવાદ: અમદાવાદ શહેરના એસજી હાઈવે પછી બીજો મહત્ત્વનો રિંગ રોડ એટલે એસપી રિંગ રોડ. આ રિંગ રોડ પર સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત તરફથી આવતાં ભારે વાહનો માટેનો બાયપાસ છે. તેમજ સાઉથ બોપલના લોકો માટે એસજી હાઇવે તરફ જવા માટેનો આ મહત્ત્વનો રિંગ રોડ છે. પરંતુ ડિસેમ્બર 2021માં બોપલ વિસ્તારમાં આવેલા મુમતપરામાં બનતા ઓવરબ્રિજના પશ્ચિમ અમદાવાદના YMCA રોડ અને સાઉથ બોપલનો VIP રોડને જોડતા બે સ્પાન તૂટી ગયા હતા. બાદમાં આ બે સ્પાન નવા બનીને તૈયાર થતા આજે આ બે સ્પાન પર 192 ટન વજનની રેતી ભરેલી 8 ટ્રક મૂકી લોડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ લોડ ટેસ્ટને લઈને દિવ્ય ભાસ્કરની ટીમ અહીં પહોંચી હતી અને કેવી રીતે ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરાઈ છે તેના વિશેનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં લોડ ટેસ્ટમાં આ ટ્રકોને બન્ને સ્પાન પર 24 કલાક રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

12 મેના રોજ વડાપ્રધાન આ બ્રિજનું ઉદઘાટન કરશે
મુમુતપુરાબ્રિજનું 12 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. રૂ. 60 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનો આજથી લોડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. મુમુતપુરા બ્રિજ પર બે સ્પાનના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કુલ 12 જેટલી ટ્રકો મૂકી લોડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, આજે તમામ ટ્રકો મૂકી અને લોડ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. 24 કલાક સુધી લોડ ટેસ્ટની કામગીરી ચાલશે. લોડ ટેસ્ટની પ્રક્રિયા ડિજિટલ અને વજન કાંટા મારફતે કરવામાં આવી રહી છે.

વચ્ચેના સ્પાન પર લોડ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઈ
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા મુમતપુરા બ્રિજના લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા આજે કરવામાં આવી છે. ડિસેમ્બર 2021માં બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન વચ્ચેના ભાગનો એક સ્પાન તૂટી પડ્યો હતો. જે સ્પાન તૂટ્યો હતો તેને ફરીથી બનાવવામાં આવ્યો હતો. આજે આ વચ્ચેના સ્પાન પર લોડ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

એક ટ્રકમાં 24 ટન વજન
જે સ્પાન ધરાશાયી થયો હતો તેના પર એક ટ્રકનું રેતી ભરીને કુલ વજન 24 ટનનું થાય તેવી કુલ 8 જેટલી ટ્રક મૂકવામાં આવી છે, દરેક ટ્રકમાં 24 ટનનું વજન નક્કી કરવામાં આવ્યું છે. વચ્ચેના સ્પાનમાં ડિજિટલ મીટરથી આખી લોડ ટેસ્ટની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા આ ડિજિટલ મીટર પર નજર રાખવામાં આવી રહી છે. આજે લોડ ટેસ્ટની પ્રક્રિયામાં વચ્ચેના સ્પાન ઉપર 8 ટ્રક અને બ્રિજના શરૂઆતના સ્પાન પર 4 ટ્રક મૂકવામાં આવી છે. આ ટ્રકો 24 કલાક માટે બ્રિજ ઉપર પાર્ક રહેશે.

બધી જ ટ્રકના ડ્રાઈવરો અહીં જ હાજર રહેશે
બ્રિજ પર જે ટ્રકો મૂકી છે તેના ડ્રાઇવર રાકેશે જણાવ્યું હતું કે, 24 કલાક માટે આ ટ્રકો અહીંયાં મૂકવામાં આવી છે અને અમારે અહીંયાં 24 કલાક માટે રહેવાનું છે. ટ્રકની અંદર રેતી ભરેલી છે અને હવે અમે આવતીકાલ બપોર સુધી અહીંયાં આ જ રીતે રહીશું. 24 કલાકના આ લોડ ટેસ્ટ દરમિયાન ચારેય ટ્રકોના ડ્રાઇવરોને બ્રિજ ઉપર જ હાજર રહેવાનું છે. ચારેય ડ્રાઇવરો ટ્રક પાર્ક કરીને ટ્રકની નીચે સૂતેલા જોવા મળ્યા હતા.

દર કલાકે લોડ ટેસ્ટ નોંધવામાં આવી રહ્યો છે
બોપલ તરફથી શાંતિપુરા તરફ જવાના છેડા ઉપર શરૂઆતના સ્પાનનો પણ લોડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. બોપલ તરફના શરૂઆતના સ્થાનમાં કુલ ચાર જેટલી ટ્રક મૂકવામાં આવી છે, તેમાં પણ 1 ટ્રકમાં 24 ટનનું વજન મૂકવામા આવ્યું છે. આ સ્પાનમાં વજન કાંટાથી લોડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દર બે કલાકે આ વજન કાંટા ઉપર કેટલો લોડ ટેસ્ટ થયો તે નોંધવામાં આવે છે. આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીમાં લોડ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, જેમાં નિયત કરેલા માપદંડ મુજબ મળતા બ્રિજને મંજૂરી આપવામાં આવશે.

બ્રિજનો સ્પાન તૂટી પડતા કોઈ જાનહાનિ થઈ ન હતી
શહેરના રિંગ રોડ પર બોપલથી શાંતિપુરા તરફ જવાના રોડ પર મુમતપુરા ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2021માં YMCA રોડ પાસે બ્રિજનો એક સ્પાન તૂટી પડ્યો હતો. નિર્માણાધિન બ્રિજનો સ્પાન તૂટી પડતા કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ બ્રિજ બનાવનારી કંપની રણજિત બિલ્ડકોન સામે પ્રશ્ન ઊભા થયા હતા. જેથી આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ મામલે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને કોન્ટ્રાક્ટર કંપની રણજિત બિલ્ડકોનને આ કામગીરીથી દૂર કરવામાં આવી હતી.

ફરીથી કામગીરી રણજિત બિલ્ડકોનને સોંપવામાં આવી
જો કે, આ કામગીરી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. કોઈ પણ કંપનીએ રસ ન દાખવતા છેવટે આ બ્રિજની કામગીરી ફરીથી રણજિત બિલ્ડકોને સોંપવામાં આવી હતી. હવે આ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રૂ.60 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો છે. 12મી મેના રોજ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. બ્રિજ ખુલ્લો મુકાયા બાદ ત્યાં જ અંડરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવનાર છે, જેથી ટ્રાફિકની સમસ્યા પૂર્ણ થશે તેમ ઔડાના સીઇઓ ડીપી દેસાઈએ જણાવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post