• Home
  • News
  • લૉકડાઉને બદલી નવા ફ્લેટ ખરીદનારાની પસંદ, એક્સ્ટ્રા રૂમ, વધુ વેન્ટિલેશનની ડિમાન્ડ, શહેરથી દૂર ઘરની માગ
post

રિયલ એસ્ટેટ માટે નવી સમસ્યા, અગાઉ બિલ્ડિંગોના ફ્લેટ્સમાં પરિવર્તન કરવું પડે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 09:38:53

અમદાવાદ: કોરોનાએ રિયલ એસ્ટેટમાં એક નવું જ પરિવર્તન લાવી દીધું છે. પરિવર્તન પણ એવું કે, બિલ્ડરોને પોતાના પહેલાથી બનેલા બિલ્ડિંગોના ફ્લેટોમાં માગણી મુજબ ફેરફાર કરવા પડી રહ્યા છે. લોકોની માગો પણ વિચિત્ર છે. ખાસ કરીને એવા ઘરોની માગ વધી છે, જે વધુ ખુલ્લા હોય અને જે સોસાયટીમાં ગ્રીન એરિયા વધુ હોય.

આર્કિટેક્ટ અને બિલ્ડર પોતાનાં નવા પ્રોજેક્ટોમાં તો માગણી મુજબ ફેરફાર કરી રહ્યા છે, પરંતુ અગાઉથી બની ગયેલા ફ્લેટ વેચાવા મુશ્કેલ છે. પરેશાની એટલી છે કે, રિયલ એસ્ટેટ કંપનીઓએ સરકારને પણ પત્ર લખીને એફોર્ડેબલ હાઉસિંગના નિયમોમાં ફેરફાર કરવાની માગણી કરી છે. આ ઘરોનો આકાર 80 મીટરથી વધારી 90 મીટર કરવાની મંજૂરી માગી છે. અત્યારે સૌથી વધુ માગ દરેક રૂમ સાથે જોડાયેલી બાલ્કની, મોટી બારી, કોમ્પેક્ટ એટલે કે નાના કિચનની છે. આ ઉપરાંત, સોસાયટીઓમાં સર્વિસ રૂમ, ફિક્સ કે કોન્ક્રિટના કબાટના બદલે ડિટેચેબલ કબાટ અને ટિડેચેબલ ફર્નિચરની માગ છે.

હકીકતમાં કોરોના પછી લોકોમાં હાઈજીન અને વેન્ટીલેશન અંગે જાગૃતિ વધી છે. આથી લોકો એક્સ્ટ્રા વોશબેઝિન પણ માગી રહ્યા છે, જેથી બહારથી આવનારા લોકો ઘરની વસ્તુઓનો ઉપયોગ ન કરે. બિલ્ડરોનું કહેવું છે કે, આ માગો પર અમે કામ કરી રહ્યા છીએ. જે શક્ય પણ છે. અમેરિકા અને યુરોપમાં નાના ઘરોમાં વધુ લક્ઝરી અને વેન્ટિલેશન સિસ્ટમ હોય છે, હવે અહીં પણ એવા ઘરોની માગ વધી રહી છે. અમારે એ દિશામાં કામ કરવું પડશે. અગાઉ ઓછી જગ્યામાં વધુ રૂમ આપતા હતા, જેમાં એક બાલ્કની, બેડરૂમ સાથે જોડાયેલી બાલ્કની અને દરેક રૂમમાં માત્ર એક બારીનું ચલણ હતું. એક રિયલ એસ્ટેટ એક્સપર્ટ અનુસાર, લોકોએ લોકડાઉનમાં પોતે કરેલા અનુભવ અનુસાર નવી માગણીઓ કરી છે. ઘરોમાં વધુ સમય પસાર કર્યા પછી હવે તેમને એવા ઘર જોઈએ છે, જેમાં તેઓ લાંબા સમય સુધી રહી શકે. બીમારી પછી લોકોનાં વિચારોમાં મોટું પરિવર્તન આવ્યું છે. હવે તેમને એ ખબર પડી છે કે, સામાન્ય દિવસોમાં તેમના પરિવારને કઈ વસ્તુઓની જરૂર પડતી હશે, જે ઘરમાં નથી.

ફ્લેટમાં આ 8 માગ સૌથી વધુ, રૂમમાં એટેચ બાલ્કનીની માંગ

·         હોલને અડીને એક્સ્ટ્રા રૂમ, જેથી મહેમાન ત્યાં રોકાઈ શકે.

·         રૂમમાં વધુ વેન્ટિલેશન, હવા આવતી-જતી રહે.

·         રૂમ ભલે નાના બને પરંતુ દરેક રૂમમાં એટેચ બાલ્કની.

·         મોટી બારી, જેથી તડકો અંદર આવે, કીટાણુ-વાઈરસ ઘટે.

·         ફિક્સના બદલે ડિટેચેબલ ફર્નિચર, જેથી ફેરફાર કરી શકાય.

·         એકના બદલે બે પૂજાઘર, કોઈ બીમાર હોય તો અલગ પૂજા થાય.

·         બે ઘર વચ્ચેનું અંતર વધે, જેથી બે ઘરના રૂમ વચ્ચે એક દીવાલ ના હોય.

·         સોસાયટીઓમાં સર્વિસ રૂમ હોય, જેથી મહેમાન ત્યાં રોકાય.

ખુલ્લી જગ્યા માટે શહેરથી દૂર જવા તૈયાર
નવા ગ્રાહકોમાં મોટાભાગના લોકોએ મોટા અને ખુલ્લા મકાનો તરફ નજર દોડાવી છે. ગયા વર્ષે લોકો શહેરની અંદર કે નજીકમાં ઘર માગતા હતા. હવે લોકો ગોધાવી, થોર, રાંચરડા જેવા સ્થળે ખુલ્લા પ્લોટમાં ઘર લેવા માગે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post