• Home
  • News
  • દેશમાં ઈન્ફેક્શન રેટ ઓછો, લૉકડાઉન ખોલતા પહેલા વધુ ટેસ્ટ જરૂરી, સ્થિતિ સામાન્ય થતાં વર્ષો લાગશે: પ્રો. શમિકા
post

પહેલો તબક્કો ઓછો ખતરનાક રહ્યો એટલે બીજો પણ ઓછો ઘાતક જ હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 08:55:35

અમદાવાદ: કોવિડ-19ને લઈને લોકોના મનમાં અનેક સવાલ છે. લૉકડાઉન કેટલું અસરકારક રહ્યું? શું તે આગળ વધારવું જોઈએ? શું દેશમાં ટેસ્ટ ખરેખર ઓછા થઈ રહ્યા છે? આ તમામ મુદ્દે વડાપ્રધાનની ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના પૂર્વ સભ્ય અને બ્રૂકિંગ્સ ઈન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલો પ્રોફેસર શમિકા રવિ સાથે વાત કરી. વાંચો તેમની સાથે થયેલી વાતચીતના અંશ. 

પ્રશ્નઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આવતા મહિને શું સ્થિતિ હશે?
એપિડેમિયોલોજિસ્ટનું અનુમાન હતું કે, 60 કરોડ લોકો સંક્રમિત થશે, પરંતુ સરકારે કામ કર્યું. જ્યારે અમેરિકા, ઈટાલીમાં ફ્લાઈટ્સ ચાલુ રહી. આપણે ત્યાં કેસ ઓછા છે. હવે કેસ બમણા થવાની ગતિ પણ ધીમી પડશે. આગામી 15 દિવસમાં કદાચ 40 હજારની આસપાસ કેસ હશે. તે રાજ્યોના ટેસ્ટિંગ પર નિર્ભર કરે છે. 

પ્રશ્નઃ શું દેશમાં ટેસ્ટ ખરેખર ઓછા થાય છે? આપણે ટેસ્ટ વધારવા જોઈએ?
આપણા દર 100 ટેસ્ટમાં 4% લોકો પોઝિટિવ હોય છે. જ્યારે આપણે એ લોકોના ટેસ્ટ કરી રહ્યા છીએ, જેમના પોઝિટિવ હોવાની શક્યતા વધુ છે. એટલે એવું કહી શકાય કે, દેશમાં ઈન્ફેક્શન રેટ ઓછો છે, પરંતુ લૉકડાઉન ખૂલ્યા પછી ટેસ્ટિંગ વધારવું પડશે. 

પ્રશ્નઃ વુહાનમાં જીવન ફરી પાટા પર આવી ગયું? ભારતમાં શું થશે?
315
જિલ્લામાં તો 4 મેથી જીવન સામાન્ય થઈ જવું જોઈએ, પરંતુ મહામારી પહેલા જેવો માહોલ થવામાં વર્ષો લાગી જશે. વુહાનની તસવીરો અને ડેટા આપણે શંકાથી જ જોવો જોઈએ. જર્મની-દક્ષિણ કોરિયામાં ચીનથી ‌વધુ સંસાધનો છે. આમ છતાં, તેઓ લોકોને સાજા નથી કરી શકતા. આ બધું ધીમે ધીમે ન્યૂ નોર્મલ બનશે. 

પ્રશ્નઃ યુ.પી., બિહાર, પ. બંગાળમાં મજૂરોનું માઈગ્રેશન વધુ છે, છતાં કેમ ઓછા કેમ?
આ રાજ્યોમાં ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી ઓછી છે. આ ઈમ્પોર્ટેડ ડિસીઝ છે, એટલે દિલ્હી-મુંબઈમાં કેસ વધુ છે. મજૂર વર્ગના માઈગ્રેશનથી સંક્રમણ વધશે કારણ કે, અહીં વસતી વધુ છે. બિહાર વિશે ખાસ માહિતી પણ નથી મળતી, ત્યાં ટેસ્ટિંગ સેન્ટર પણ ઓછા છે. કોલકાતામાં ટેસ્ટિંગ વધારવું પડશે. મહારાષ્ટ્ર, ગુજરાતમાં ટેસ્ટિંગના કારણે જ કેસ બહાર આવ્યા છે. 

પ્રશ્નઃ ભારતે બે લૉકડાઉન જોયા, તે કેટલા અસરકારક રહ્યા?
લૉકડાઉનની અસર જોઈએ તો આશરે 60 હજાર લોકો બચી ગયા. આમ તો સરકારે જાન્યુઆરીથી જ પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. પહેલા એરલિફ્ટ, પછી સ્કૂલ-કોલેજ બંધ, રોગચાળાનો કાયદો લાગુ કરાયો વગેરે. આ બધું ના કર્યું હોત તો આજે દેશમાં આઠ લાખથી વધુ કેસ હોત!

પ્રશ્નઃ આવનારો સમય કામકાજ માટે કેવો રહેશે? ગ્રોથ કેવો રહેશે?
આ રોગચાળાના શરૂઆતના દિવસોમાં આશરે એક કરોડની નોકરી જતી રહી. મે સુધી ચારથી સાડા ચાર કરોડ નોકરી જઈ શકે છે. લૉકડાઉન પછી ફેક્ટરીઓમાં મજૂરો (ગામ અને રાજ્ય બહારના) તુરંત નહીં આવે. તેઓ ક્યારે આવશે, તે કોઈ નથી જાણતું. આ વર્ષે આપણો ગ્રોથ ઝીરો રહેશે. કંપનીઓ શરૂ થશે તો પણ 100% ક્ષમતાથી કામ નહીં થઈ શકે. અર્થતંત્રમાં માંગ જ ઓછી રહેશે. એક્સપોર્ટ, ટેક્સ્ટાઈલ વગેરે વધુ ખતરામાં છે કારણ કે, વૈશ્વિક અર્થતંત્ર પણ મંદ છે. એરલાઈન્સ-હોટલ ઉદ્યોગમાં તેજી આવતા વર્ષો લાગશે. 

પ્રશ્નઃ લૉકડાઉન પછી બધું ખૂલવાથી બજારમાં તેજી નહીં આવે?
ગ્રોથ તો વધશે. આવતા વર્ષે તો ઝીરોથી ઘણાં આગળ વધીશું, પરંતુ તે બધું સરકાર ખર્ચ કરશે, એ પછી થશે. સરકાર પણ ખર્ચ કરશે કારણ કે, 2012 પછી ખાનગી રોકાણ વધ્યું છે. હાઉસહોલ્ડની વાત કરીએ તો સેવિંગ વધશે. કાલે શું થશે, એવા ડરથી લોકો બચત કરશે. 

પ્રશ્નઃ સરકારે મહામારીને કેવી રીતે કાબુમાં રાખી?
આપણે ઘણાં આગળ છીએ. ભારત બહુ જ મોટો દેશ છે. સમગ્ર યુરોપ ભારતમાં સમાઈ જાય છે. કેરળ, કર્ણાટક, તેલંગાણાએ સારું કામ કર્યું છે. કેરળમાં પોલીસ, હેલ્થ વર્કર્સે સારું કામ કર્યું છે. આપણે આખા દેશમાં આવું કામ કરવું પડશે. એક રીતે જોઈએ તો સમગ્ર દેશમાં આ રીતે ઘણું સારું કામ થયું, પરંતુ નાના-નાના ટુકડામાં જોઈએ તો હજુ ઘણું કામ બાકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post