• Home
  • News
  • કોંગ્રેસ વળતો ફટકો મારે એ ડરથી મોડી રાત્રે ભાજપે પોતાના ધારાસભ્યોને ભોપાલથી અન્યત્ર ખસેડ્યા, દિલ્હી કે ગુજરાત લાવવામાં આવે તેવી શક્યતા
post

કમલનાથ અને દિગ્વિજય ભાજપના ધારાસભ્યો તોડે એવા ભયથી રાત્રે 10 વાગે બે બસમાં ધારાસભ્યો અજ્ઞાત સ્થળે રવાના થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-11 08:42:03

ભોપાલ : મધ્યપ્રદેશમાં કમલનાથના વડપણ હેઠળની કોંગ્રેસની સરકાર સામે બળવો કરી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયા છાવણીના 22 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા પછી રાજકીય ઘટનાક્રમ વેગીલો બન્યો છે. રાજીનામું આપનારા કોંગ્રેસના 22 ધારાસભ્યો સાથે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ જાહેરમાં આવ્યા એ પછી હવે કોંગ્રેસ વળતો ફટકો મારે એવા ડરથી ભાજપ પોતાના ધારાસભ્યોને એકજૂટ કરી રહ્યું છે અને મોડી રાત્રે તેમને ભોપાલથી અન્યત્ર ખસેડવામાં આવે છે. દિલ્હી ઉપરાંત પાડોશી રાજ્ય તેમજ ભાજપના ગઢ તરીકે ગુજરાત લાવવામાં આવે એવી શક્યતા પણ બળકટ છે. મોડી રાત્રે ધારાસભ્યો ભોપાલ એરપોર્ટ પહોંચ્યા હતાં.

સાંજથી ધારાસભ્યોને એકત્ર કરાયા
મોડી સાંજ સુધીમાં રાજ્યના ભાજપના દરેક ધારાસભ્યોને ભોપાલ પહોંચી જવા તાકિદ કરી દેવામાં આવી હતી. એ મુજબ, કૈલાસ વિજયવર્ગિયના એક નિકટના વ્યક્તિના ફાર્મહાઉસમાં એકઠા થયેલા ધારાસભ્યોને રાત્રે 10 વાગ્યા આસપાસ પ્રાંત ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યા હતાં. ત્યાંથી બે લક્ઝરી બસમાં બેસીને ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

હોળી નિમિત્તે જઈએ છીએ
ધારાસભ્યોને ક્યાં લઈ જવાઈ રહ્યા છે એ વિશે ભાજપના પ્રાંત નેતાઓમાંથી કોઈએ ફોડ પાડ્યો ન હતો. કેટલાંક ધારાસભ્યોએ હોળી મનાવવા જતાં હોવાનું કારણ દર્શાવ્યું હતું, તો કેટલાંકે દિલ્હી એક પૂર્વનિર્ધારિત કાર્યક્રમ માટે જતાં હોવાનું કહ્યું હતું.

 

તો ખજુરાહો કાંડ રિવર્સ થશે
કમલનાથ અને દિગ્વિજયસિંહની પહોંચ જોતાં તેઓ પોતાના ધારાસભ્યોને તોડવાનો વળતો પ્રયાસ કરે એવા સંજોગોમાં ભાજપે આગોતરી તકેદારી રાખીને પોતાના ધારાસભ્યોને સલામત સ્થળે મોકલવાની તજવીજ કરી હોય તેમ જણાય છે. હાલ મધ્યપ્રદેશના નજદીકી સલામત સ્થળ તરીકે ગુજરાત હોય તેવી શક્યતા સૌથી વધુ છે. ગુજરાત ભાજપનો ગઢ હોવા ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીનું હોમસ્ટેટ પણ છે. આથી ભાજપ અહીં કોઈપણ આકસ્મિક જરૂરિયાતને આસાનીથી પૂરી કરી શકે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને પોતાના પક્ષના ધારાસભ્યોને મધ્યપ્રદેશના ખજુરાહો લઈ ગયા હતા. આ વખતે જો મધ્યપ્રદેશ ભાજપ પોતાના ધારાસભ્યોને ગુજરાત લાવે તો ખજુરાહો કાંડ રિવર્સ થયું ગણાશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post