• Home
  • News
  • JNUમાં ફરી હંગામો / ABVP અને સ્ટુડન્ટ યુનિયનનો એકબીજા પર હુમલો, 20ને ઈજા
post

વીસ ઈજાગ્રસ્તને એઈમ્સ ટ્રોમા સેન્ટર અને સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-06 08:57:20

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં થોડા દિવસની શાંતિ પછી ફરી એકવાર ભારે હંગામો થયો છે. અહીં એબીવીપી અને જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના બે જૂથ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું, જેમાં કોઈનું માથું ફૂટ્યું તો કોઈના હાથ-પગ તૂટી ગયા. સ્ટુડન્ટ યુનિયનની પ્રેસિડેન્ટ આઈશી ઘોષ, વિદ્યાર્થી નેતાઓની ચૂંટણીમાં એબીવીપી અધ્યક્ષ પદના ઉમેદવાર મનીષ જાંગિડ અને કેટલાક શિક્ષકોને પણ ગંભીર ઈજા પહોંચી છે. વીસ ઈજાગ્રસ્તને એઈમ્સ ટ્રોમા સેન્ટર અને સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. દરમિયાન પ્રિયંકા ગાંધી ઘાયલ વિદ્યાર્થીઓને મળવા હોસ્પિટલ પહોંચ્યાં હતાં.


ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો :
બંને વિદ્યાર્થી સંગઠને એકબીજાના વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલાનો આરોપ મૂક્યો છે. મોડી રાતે સામે આવેલા આ ઘટનાના વીડિયોમાં ચહેરા ઢાંકીને હાથમાં હથિયારો સાથે આવેલા વિદ્યાર્થીઓ હુમલો કરતા દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠ્યા છે. પોલીસ પર આરોપ છે કે, તે કેમ્પસ બહાર ઊભી રહીને મંજૂરીની રાહ જોતી રહી અને ઝઘડો ઘણો વધી ગયો. એ મંજૂરી પછી પોલીસે પરિસરમાં પહોંચીને ફ્લેગમાર્ચ કરી. ગૃહ અને માનવ સંસાધન મંત્રાલયે જેએનયુ તંત્ર પાસે આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે, જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. જેએનયુ સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઈશી ઘોષે કહ્યું કે, વિદ્યાર્થીઓ હોસ્ટેલ ફી વધારા વિરુદ્ધ કેમ્પસમાં પ્રદર્શન કરતા હતા, પરંતુ એબીવીપીના વિદ્યાર્થીઓએ હુમલો કર્યો, પથ્થરો માર્યા. મોંઢા ઢાંકીને કેમ્પસમાં તોડફોડ કરીને હોસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. એક એબીવીપી કાર્યકરે મારી પર હુમલો કર્યો, જેથી મને માથામાં ઈજા થઈ છે. વિદ્યાર્થી સંઘના મહા સચિવ સતીશચંદ્ર યાદવને પણ ઈજા થઈ છે. યુનિયનના ઉપાધ્યક્ષ સાકેત મૂને કહ્યું કે, સાબરમતી હોસ્ટેલ બહાર એબીવીપીના ઘણાં બધા ગુંડા લાકડીઓ લઈને આવ્યા. તેમણે હોસ્ટેલના દરેક રૂમમાં જઈને વિદ્યાર્થીઓ અને અનેક શિક્ષકો પર પણ હુમલો કર્યો.


એબીવીપીનો આરોપ :
એબીવીપીના જેએનયુ યુનિટના અધ્યક્ષ દુર્ગેશ કુમારે ડાબેરી વિદ્યાર્થી સંગઠનો અને સ્ટુડન્ટ યુનિયન પર આરોપ મૂક્યો છે કે, રવિવારે મોનસૂન સેમેસ્ટર માટે એ વિદ્યાર્થીઓની નોંધણીનો છેલ્લો દિવસ હતો, જે ડિસેમ્બરમાં પરીક્ષા નહોતા આપી શક્યા. જાન્યુઆરીથી શરૂ થતા વિન્ટર સેમેસ્ટર માટે પાંચમી જાન્યુઆરીએ નોંધણીનો છેલ્લો દિવસ હતો, પરંતુ બે-ત્રણ દિવસથી ડાબેરી સંગઠનોએ વિદ્યાર્થીઓની નોંધણી પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યાં નોંધણીનું કામ થતું હતું, ત્યાં શનિવારે રાતે ઈન્ટરનેટ પણ બંધ કરી દેવાયું. રવિવારે બપોરે ત્રણ વાગ્યે અમે સ્વામી વિવેકાનંદ પ્રતિમા નજીક ભેગા થઈને નોંધણી ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, તો ડાબેરી સંગઠનોએ હુમલા જ શરૂ કરી દીધા. એબીવીપીના કાર્યકરો પેરિયાર હોસ્ટેલ તરફ ભાગ્યા, તો તેમણે બધાને દોડાવીને માર્યા અને હોસ્ટેલમાં પણ તોડફોડ કરી. ત્યાં 400-500 વિદ્યાર્થી ભેગા થયા અને હોસ્ટેલમાં ઘૂસીને એબીવીપી કાર્યકરોને માર્યા. સંગઠનના અધ્યક્ષ પદના ઉમેદવાર મનીષ જાંગિડ પર પણ હુમલો કર્યો, જેમાં તેમનો હાથ તૂટી ગયો છે.


ઘટનાની હું નિંદા કરું છું-નિર્મલા સીતારામન
નાણા મંત્રી નિર્મલા સીતારામને કહ્યુ કે, જેએનયુની હચમચાવી દેતી તસવીરો. આ સંસ્થાને હું એ રીતે જાણું છું કે, જ્યાં ઉગ્ર ચર્ચા થાય છે, પરંતુ હિંસા નહીં. આ ઘટનાની હું નિંદા કરું છું. સરકાર તમામ યુનિવર્સિટીને તમામ વિદ્યાર્થી માટે સુરક્ષિત સ્થાન બનાવવા ઈચ્છે છે.


દેશ ફાસીવાદીઓના કબજામાં છે-રાહુલ ગાંધી
કોંગ્રેસ મહા સચિવ રાહુલ ગાંધીએ કહ્યુ કે, બુકાનીધારી બદમાશોએ જેએનયુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર પાશવી હુમલો કર્યો છે. દેશ ફાસીવાદીઓના કબજામાં છે. તેમને વિદ્યાર્થીઓનો અવાજ ઉઠતા ડર લાગે છે. જેએનયુની હિંસા એ જ ડર દર્શાવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post