• Home
  • News
  • મેઘરાજાએ ગીર સોમનાથને ધમરોળ્યું:ભાલકાતીર્થ મંદિર પાણીમાં ગરકાવ, ભારે વરસાદને પગલે સિમાર અને સુખપુરના 5થી 6 હજાર લોકો સંપર્કવિહોણા
post

છેલ્લા 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 18:23:41

ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. છેલ્લા 24 કલાકથી શહેર તેમજ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નદી-નાળાંમાં પૂર આવ્યું છે. કેટલાંક ગામમાં રહેણાક મકાનોમાં પાણી ઘૂસી ગયાં હતાં. ત્યારે સોમનાથ અને જુનાગઢ જિલ્લાની સરહદે આવેલાં બે ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં, જેથી બન્ને ગામ સંપર્કવિહોણાં બન્યાં હતાં. ગામના વડીલોનું કહેવું છે કે 1986 બાદ પ્રથમ વખત આવાં દૃશ્યો અમે જોયાં છે. છેલ્લા 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સોમનાથ નેશનલ હાઇવે હજુ પણ બંધ
ધોધમાર વરસાદ વરસતાં સોમનાથથી 3 કિલોમીટર દૂર નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. એને લઈ સોમનાથ નેશનલ હાઇવે હજુ પણ બંધ છે. સવારથી આ હાઈવે બંધ છે. ત્યારે હાઈવેમાં એક તરફનો માર્ગ બંધ છે તો બીજી તરફ માર્ગ પર પાણી ઓસરતાં ધીમે ધીમે વાહનો પસાર થઇ રહ્યાં છે. આસપાસના વાડી વિસ્તારમાં રહેતા લોકોને પાટણ ખાતે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. અહીં સવારના સમયે હાઇવે પર 5-6 ફૂટ પાણી ભરેલાં હતાં.

રસ્તા પર 4થી 5 ફૂટ પાણી ભરાયાં
સિમાર અને સુખપુર ગામ વરસાદને કારણે સંપર્કવિહોણું થઇ ગયું હતું. વરસાદે વિરામ લેતાં પાણી ઓસરી રહ્યાં હોવાથી હાલમાં પગપાળા જઇ શકાય છે. ગડુ ગામ ખાતે લોકો જીવનજરૂરી વસ્તુ લેવા જઇ રહ્યા છે. વરસાદ પડતાં આ બન્ને ગામમાં જવા માટે રસ્તા પર 4થી 5 ફૂટ પાણી ભરાયાં હતાં. હજુ ભારે વરસાદની આગાહી પગલે લોકોને સાવચેત રહેવું પડશે. ત્યારે તંત્ર પણ હજુ સુધી આ ગામના લોકોની વહારે આવ્યું નથી.

ભાલકાતીર્થ મંદિર પાણીમાં ગરકાવ
ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સોમનાથના પ્રસિધ્ધ ભાલકાતીર્થ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. ભાલકા ગામમાં મંદિર આસપાસ વિસ્તારોમાં લોકોના ઘરમાં બે-બે ફૂટ પાણી ભરાયેલા છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post