• Home
  • News
  • કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ:લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો, અનેક નદીઓ ગાંડીતૂર, સવાપાંચ ઇંચથી જામનગર પાણી પાણી
post

કચ્છ જિલ્લામાં મેધરાજાએ બઘડાટી બોલાવી છે. ભારે વરસાદના કારણે ભુજમાં રાજાશાહી સમયની ગઢની દીવાલ ધરાશાયી થઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-08 19:05:28

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે કચ્છ સૌરાષ્ટ્રને મેઘાએ ધમરોળ્યું છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થઈ છે. તો ડેમો પણ છલકાઇ ગયા છે. અમરેલીના લાઠીમાંથી પસાર થતી ગાગાડિયા નદીમાં ઘોડાપૂર આવતાં કોઝવે પર પાણી ફરી વળતાં માર્ગ બંધ કરાયો છે. અબડાસાની ખારી નદી બે કાંઠે થઈ છે. ભારે વરસાદના પગલે લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો થયો છે. તો રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

સોમનાથમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર, ઉના, ગીરગઢડા તાલુકાના સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે વહેલી સવારથી જ ધીમી ધારે મેઘમહેર થતાં એકથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં આજે વહેલી સવારથી મેઘમહેર થતાં વડું મથક વેરાવળ તથા તાલાલા, કોડીનાર, ઉના, સૂત્રાપાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે એકથી બે વરસાદ વરસ્યો હતો તેમજ સોમનાથમાં ધોધમાર વરસાદ વરસતાં બે કલાકમાં એક ઇંચ વરસાદથી સોમનાથ મહાદેવને વરુણ દેવનો જળાભિષેક થયો હતો. વરસતા વરસાદમાં પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકો ઊમટી પડ્યા હતા.

લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક સાંબેલાધારે તો ક્યાંક ઝરમર ઝરમર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. તો લાઠીમાં ધોધમાર વરસાદ પડતાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. લાઠીની ગાગડિયા નદી બે કાંઠે થઇ છે. નદીમાં ઘોડાપૂર આવતાં નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે, જેને લઇને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ ચોમાસાની શરૂઆતમાં જ ગાગડિયા નદીમાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લાઠી શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણીના સ્ત્રોત મજબૂત બનશે અને જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે.

જામનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ
આ તરફ જામનગરમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયાં છે. તો સરકારી કચેરીઓ, સરકારી વસાહતો સહિત મુખ્ય માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાયાં છે. શહેરના સત્યનારાયણ મંદિર પાસે દીવાલ ધરાશાયી થઈ હતી, જેની સાથે વીજપોલ પણ તૂટી પડ્યો છે, જેના કારણે કેટલીક જગ્યાએ વીજળી ડૂલ થઈ છે.

પોરબંદરમાં ધોધમાર વરસાદ
પોરબંદર જિલ્લામાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો જિલ્લામાં એક ઈંચથી લઈને આઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.,જેમા છેલ્લા બે-ત્રણ દિવસમાં રાણાવાવ તાલુકામાં 5 ઇંચ જ્યારે કુતિયાણા તાલુકામાં 1થી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજ સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હોવાથી શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઓછાવત્તે જોવા મળ્યો હતો. જોકે પોરબંદરના સર્કિટ હાઉસ રસ્તા પર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. રસ્તાનું યોગ્ય લેવલ કરાયું નથી, પરંતુ અહીં પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં પણ રસ્તાઓ નહીં બન્યા હોવાથી ત્યાં પણ અમુક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાવાને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે.

રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં
ધોધમાર વરસાદના કારણે રાજકોટ શહેરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનામૌવા રોડ અને 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રામનાથપરા અને પોપટપરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તો જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલા ન્યારી-2 ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો છે. આ સાથે જ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે, જેથી પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

કચ્છમાં બારે મેધ ખાંગા
કચ્છ જિલ્લામાં મેધરાજાએ બઘડાટી બોલાવી છે. ભારે વરસાદના કારણે ભુજમાં રાજાશાહી સમયની ગઢની દીવાલ ધરાશાયી થઈ છે. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ભુજની જીકે હોસ્પિટલ સામેના માર્ગે પાણી ભરાતાં વાહનવ્યહવાર એકમાર્ગી થયો હતો તેમજ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતાં મોટા બંધમાં પાણીની આવક શરૂ થઈ છે.

નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ
ભારે વરસાદના પગલે નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ થયો છે તેમજ ગુહર પાપડી બે કાંઠે વહેતાં લખપત તાલુકાના ચકરાઈ પાસે આવેલી નદીમાં પાણી આવતાં આ એના વહેતાં પાણી વચ્ચે માલધારીઓએ આજે સવારે હાથમાં દૂધના કેન સાથે દૂધનું પરિવહન કર્યું હતું. બીજી તરફ અબડાસાના કુકડાઉમાં શંકર ભગવાનના મંદિરના શિખર ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી, જેથી મંદિરની છતમાં ગાબડું પડ્યું હતું અને મંદિરની અંદર ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું. જ્યારે લખપત તાલુકાના રોડાસર- પીપર માર્ગ પરની નદીમાં વરસાદનાં પાણી વહી નીકળતા માર્ગ બંધ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post