• Home
  • News
  • રાજ્યમાં મેઘતાંડવ, નદીઓએ વેર્યો વિનાશ:છોટા ઉદેપુરની હેરણ નદી બે કાંઠે, ખેરાલુમાં ધોધમાર વરસાદ, ઓજત નદીએ ઘેડ પંથકને ધમરોળ્યું, JCBથી જિંદગી બચાવવાનું કાર્ય શરૂ
post

માણાવદરના જીંજરીમાં ધૂંધવી નદીનું પાણી ઘૂસ્યું, 6 પશુનાં મોત

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-10 19:58:04

રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ બાદ આજે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં હેત વરસાવી રહ્યા છે. આજે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિતમાં વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રોડ રસ્તા પર વરસાદી પાણી ફળી વળ્યાં હતાં, જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. રાજ્યમાં આજે સવારના 6 વાગ્યાથી અત્યારસુધીમાં રાજ્યના 167 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સાબરકાંઠાના તલોદ અને ઈડરમાં સાડાપાંચ ઈંચથી વધુ, લુણાવાડા અને વીરપરમાં પણ પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠમાં ખેતરો બેટમાં ફેરવાયાં હતાં તેમજ માણસાનું આખું ઈટાદરા ગામ બેટમાં ફેરવાયું છે. આ ઉપરાંત બાગાવાસમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. જૂનાગઢમાં 6 પશુનાં મોત થયાં છે, ઓજત નદીના પાણીએ સમગ્ર ઘેડ પંથકને ધમરોળ્યું છે. ઓજત નદીના પાણી કેટલાય ગામોમાં ઘૂસી જતા હાલ ત્યા JCBની મદદથી લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે.

ખેરાલુમાં ધોધમાર વરસાદ, 15થી વધુ ગામ સંપર્ક વિહોણા
મહેસાણાના ખેરાલુમાં માત્ર 3 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ખેરાલુ શહેરના તમામ માર્ગો પર ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. ખેરાલુ પથંકના 20થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. ખેરાલુ પાસે પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ખેડૂતો પણ બેટમાં ફેરવાયા હતા. જેને પગલે કપાસ અને મગફળીના પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.

ઓજત નદીના પાણીએ ઘેડ પંથકમાં તારાજી સર્જી
જૂનાગઢ જિલ્લામાં અવિરાત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘેડ પંથકની પરિસ્થિતિ ખૂબ કપરી બની છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓજત નદીએ સમગ્ર ઘેડ પંથકને ધમરોળ્યું હતું. માંગરોળ તાલુકાના ઓસાઘેડ, પાદરડી, બગસરા, બાલાગામ સહિતના ગામોમાં ઓજત નદીના પાણી ઘૂસી ગયા હતા. જેથી JCBની મદદથી લોકોની જિંદગી બચાવવામાં આવી રહી છે. જ્યા જ્યા પાણી ભરાયા છે ત્યાથી અન્ય સ્થળે જવા માટે લોકો JCBની મદદ લઈ રહ્યા છે. માલધારીઓ પોતાના પશુઓને પણ સહીસલામત જગ્યાએ ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. બીજી તરફ માણાવદર તાલુકાનું મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઉબેણ અને ઓજત નદીના પાણી મટીયાણા ગામમાં ઘૂસ્યા હતા.

ઈડરમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો
આજે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને તલોદ અને ઈડરમાં ભારે મેઘમહેર થઈ હતી. ઈડરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 59 તાલુકામાં એકથી લઈ પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે સવાર 6 વાગ્યાથી અત્યારસુધીમાં રાજ્યના 167 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ઈડરમાં 146 mm, તલોદમાં 133 mm, લુણાવાડામાં 129 mm, મહીસાગરના વીરપરમાં 127 mm, અરવલ્લીના ધનસુરામાં 110 mm, બનાસકાંઠાના દાંતામાં 104 mm, મહેસાણાના વીસનગરમાં 100 mm, સાબરકાંઠાના પ્રાંતિજમાં 99 mm, વિજપુરમાં 97 mm અને ખેરાલુમાં 94 mm નોંધાયો હતો.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના લાઠી તાલુકામાં આજે ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. લાઠી નજીકનો ડેમ પણ આજે છલકાય ઉઠ્યો હતો. બીજી તરફ બગસરા તાલુકાના લૂંઘીયા, મુજીયાસર, પીઠડીયા, સહિતના ગામડામાં તેમજ વડીયા શહેર સૂર્યપ્રતાપ ગઢ, અરજણ સુખ, તોરી, રામપુર, સહિતના મોટાભાગના ગામડામાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી શહેર અને તાલુકામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી સહિતના વિસ્તારમાં હળવાથી લઈ ભારે ઝાંપટા વરસ્યા હતા.

માણાવદરના જીંજરીમાં ધૂંધવી નદીનું પાણી ઘૂસ્યું, 6 પશુનાં મોત
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. માણાવદર, વંથલી, માળિયા હાટીના, કેશોદ, વિસાવદર , ભેંસાણ, મેંદરડા સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદના કારણે કેટલીય નદીઓ ગાંડીતૂર બની છે. આ વચ્ચે જિલ્લાના સરહદી ગામ પાટણવાવ ઓસમ ડુંગર પર ભારે વરસાદ પડવાના કારણે ધૂંધવી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેથી માણાવદર તાલુકાના જીંજરી ગામમાં ધૂંધવી નદીનું પાણી ઘૂસ્યું હતું, જેને લઈ ગામમાં 6 પશુનાં મોત થયાં હતાં. આ પશુઓ ખીલે બાંધેલાં હતાં અને પાણીનો પ્રવાહ આવી જતાં મોતને ભેટ્યાં હતાં.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post