• Home
  • News
  • 16 મહિના બાદ આજથી 2 દિવસની વિદેશ યાત્રા પર મોદી, કોરોના અગાઉ 2017માં સૌથી વધુ 181 દિવસ સતત દેશમાં રહ્યા હતા
post

કોરોનાના કારણે 497 દિવસ એટલે કે 16 મહિના 11 દિવસ પછી આ વડાપ્રધાન મોદીનો પ્રથમ વિદેશ પ્રવાસ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-26 10:31:50

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની મુલાકાત માટે બાંગ્લાદેશ જઈ રહ્યા છે. કોરોનાના કારણે 497 દિવસ એટલે કે 16 મહિના 11 દિવસ પછી આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ છે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, ત્યારથી કયારેય તેમની બે વિદેશ યાત્રાઓમાં આટલું લાંબું અંતર રહ્યું નથી. ગત સમગ્ર વર્ષમાં તેમણે કોઈ વિદેશ યાત્રા કરી નથી. માર્ચમાં તેમને બાંગ્લાદેશ જવાનું હતું પરંતુ તે મુલાકાત કોરોનાના કારણે રદ થઈ ગઈ. હવે એ જ બાંગ્લાદેશ મુલાકાતે તેઓ જઈ રહ્યા છે.

વડાપ્રધાન બન્યા પછી મોદીએ કયા વર્ષમાં કેટલી વિદેશ યાત્રા કરી? અત્યાર સુધી તેઓ કેટલા દેશોની યાત્રા કરી ચૂક્યા છે? અને કેટલા દિવસ તેઓ વિદેશમાં વીતાવી ચૂક્યા છે? આ બધા અંગે વાત કરીશું પરંતુ પ્રથમ બાંગ્લાદેશ મુલાકાતની વાત કરી લઈએ.

પીએમ મોદી પોતાના પ્રવાસ દરમિયાન બાંગ્લાદેશના 50મા સ્વતંત્રતા દિવસ અને શેખ મુજીબ-ઉર-રહેમાનની જન્મશતી સમારોહમાં સામેલ થશે. તેઓ 1971ના યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની યાદમાં બનાવાયેલા રાષ્ટ્રીય શહીદ સ્મારક પર પણ જશે. તેના ઉપરાંત તેમની સતખીરા અને ઓરકાંડીમાં મંદિરોની મુલાકાત લેવાનો પણ કાર્યક્રમ છે.

બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે મળીને મોદી ઢાકામાં બંગબંધુ-બાપુ એક્ઝિબિશનનું ઉદઘાટન પણ કરશે. આ પ્રદર્શનમાં બંને મહાન નેતાઓ સાથે સંકળાયેલી અનેક ચીજોને પ્રદર્શિત કરવામાં આવશે.

કોરોના અગાઉ મોદીની દર વર્ષે 10થી વધુ વિદેશ યાત્રાઓ
મોદીને વડાપ્રધાન બન્યે 6 વર્ષ 10 મહિના થઈ ચૂક્યા છે. તેમણે 26 મે, 2014ના રોજ પ્રથમવાર અને 30 મે, 2019ના રોજ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. વડાપ્રધા કાર્યાલયની વેબસાઈટ પર રહેલી જાણકારી અનુસાર, 2014થી નવેમ્બર 2019 સુધી તેઓ 59 વખત વિદેશ યાત્રાએ ગયા હતા.

કોરોના અગાઉ 2019માં જ તેમણે 11 વિદેશ પ્રવાસ કર્યા. આ દરમિયાન 35 દિવસ વિદેશમાં રહ્યા. 2020 એવું પ્રથમ વર્ષ વીત્યું જ્યારે તેમણે એક પણ વિદેશ યાત્રા ન કરી હોય. પોતાના અત્યાર સુધીમાં 59 પ્રવાસો દરમિયાન તેમણે 106 દેશો (તેમાં 2 કે તેથી વધુ પ્રવાસ પણ સામેલ છે)ની પણ મુલાકાત લીધી છે. આ દરમિયાન તેઓ સૌથી વધુ છ વખત અમેરિકાના પ્રવાસે ગયા. આ દરમિયાન તેઓ કુલ 229 દિવસ વિદેશમાં રહ્યા છે.

કોરોના અગાઉ પ્રથમ સૌથી મોટો બ્રેક 2017માં 5 રાજ્યોમાં ચૂંટણી દરમિયાન લીધો કોરોના આવ્યો એ પહેલા માત્ર ચાર વખત એવું બન્યું જ્યારે વડાપ્રધાન મોદીએ સતત ત્રણ મહિનાથી વધુ સમય સુધી કોઈ વિદેશ પ્રવાસ ન કર્યો હોય. તેમાં સૌથી લાંબો ગેપ નવેમ્બર 2016થી મે 2017 વચ્ચે રહ્યો. તેનું એક કારણ એ પણ હતું કે એ સમયે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી પણ હતી.

5 રાજ્યોમાં મોદીએ નવેમ્બર 2016થી લઈને માર્ચ 2017 વચ્ચે 38 પ્રવાસ કર્યા હતા. તેમાંથી સૌથી વધુ 27 પ્રવાસ એકલા ઉત્તરપ્રદેશમાં કર્યા હતા. ચૂંટણીમાં ભાજપાએ ત્યાંની 403 સીટોમાંથી 325 સીટો જીતી હતી. ભાજપા 5માંથી 4 રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. એકલા પંજાબમાં તેણે સરકાર ગુમાવવી પડી હતી.

છેલ્લે નવેમ્બર 2019માં વિદેશ પ્રવાસ કર્યો હતો
વડાપ્રધાન મોદીનો છેલ્લો વિદેશ પ્રવાસ 13થી 15 નવેમ્બર 2019માં બ્રાઝિલનો હતો. એ સમયે મોદી બ્રિક્સમાં સામેલ થવા ગયા હતા. બીજીવાર વડાપ્રધાન બન્યા પછી માત્ર છ મહિનામાં જ તેમણે 10 વિદેશ પ્રવાસ કર્યા. એ દરમિયાન તેઓ 13 દેશોની મુલાકાતે ગયા હતા.

બાંગ્લાદેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિની સાથે વિપક્ષી નેતાઓને પણ મળશે મોદી
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ બુધવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના બે દિવસના આ પ્રવાસ વખતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વ્યાપાર અને સમુદ્ર વિજ્ઞાન સહિત અનેક ક્ષેત્રોમાં સમજૂતી થશે. વડાપ્રધાન શેખ મુજીબ-ઉર-રહેમાનની સમાધિ પર જનારા પ્રથમ ભારતીય ગણમાન્ય અતિથિ હશે. આ દરમિયાન મોદી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હમીદ સાથે મુલાકાત કરશે. તેમની બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની સાથે ડેલિગેશન-સ્તર પર વાતચીત થશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના વિપક્ષી નેતાઓ, સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓ, અલગ અલગ સંપ્રદાયોના નેતાઓ અને બાંગ્લાદેશના યુથ આઈકન્સને પણ મળશે.

મે મહિનામાં પોર્ટુગલ અને જૂનમાં બ્રિટન જઈ શકે છે મોદી
મે મહિનામાં ભારત અને યુરોપીયન યુનિયનના નેતા મુલાકાત કરી શકે છે. તેમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી પોર્ટુગલ જઈ શકે છે. તેના પછી જૂનમાં વડાપ્રધાન બ્રિટન જશે. અહીં તેઓ જી7 સમિટમાં સામેલ થશે. કોર્નવાલમાં યોજાનારી સમિટ માટે મોદીને બ્રિટનને આમંત્રણ મોકલ્યું હતું. G7માં બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, અમેરિકા અને યુરોપીયન યુનિયન સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post