• Home
  • News
  • મોહાલીના મેળામાં દુર્ઘટના:50 ફૂટની ઊંચાઈ પરથી સ્પિનિંગ જોયરાઇડ નીચે પડી; બાળકો સહિત 20 લોકોને ઈજા
post

ઇજાગ્રસ્તોને મોહાલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-05 18:11:43

પંજાબના મોહાલી જિલ્લાના દશેરા ગ્રાઉન્ડ, ફેઝ 8માં આયોજિત મેળામાં રવિવારે રાત્રે અચાનક જોયરાઇડ ફરતી-ફરતી નીચે પડી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બાળકો સહિત 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકો મેળાની મુલાકાત લેવા આવ્યા હતા. આ દુર્ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ ઘટી હતી. ઇજાગ્રસ્તોને મોહાલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિતોને માથા અને ગરદન, પીઠ, પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. કેટલાકની હાલત નાજુક છે. આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે રાઈડને અચાનક નીચે પડતા જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. અચાનક જ રાઈડ નીચે પટકાવાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. રાઈડમાં બેઠેલા લોકો પણ નીચે પટકાયા હતા. તેમનો સીટ બેલ્ટ તૂટી ગયો હતો. તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને વાહનોમાં બેસાડીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફેઝ 6માં આવેલી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, રાઈડ લગભગ 50 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાઈ હતી. એમાં લગભગ 20 લોકો સવાર હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. તેમના સિવાય એસડીએમ સરબજિત કૌર પણ પહોંચ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે બેદરકારી દાખવનાર સામે કેસ નોંધવામાં આવશે. જ્યારે બીજી તરફ મોહાલી જિલ્લા પ્રશાસને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. વહીવટી કક્ષાના અધિકારીઓ દ્વારા આ મેળાનું આયોજન, રાઈડ વગેરેની મંજૂરીઓ અને સુરક્ષા બાબતનાં પગલાંની તપાસ કરવામાં આવશે. મેળાના આયોજક સન્ની સિંહ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. મોહાલીના ડેપ્યુટી કમિશનર અમિત તલવારે પણ દુર્ઘટના અંગે કડક કાર્યવાહી કરવાની વાત જણાવી છે.

તમને જણાવી દઈએ કે દશેરા ગ્રાઉન્ડમાં મેળાને લંડન બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. આ મેળો 11 સપ્ટેમ્બર સુધી ચાલવાનો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એને બેદરકારીમો મામલો જણાવવામાં આવી રહ્યો છે. આમાં સ્પિનિંગ વ્હીલ સાથેની આ રાઈડ ફરતાં-ફરતાં અચાનક નીચે પડી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post